કાર્યક્રમોમાં ઉમટી પડવા લોકોને કલેકટર રેમ્યા મોહનનું આહવાન
સાંજે માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘રંગ છે રાજકોટ’ નાટય અને કાલે રેસકોર્સમાં ધ્વજવંદનો કાર્યક્રમ, શાસ્ત્રી મેદાનમાં હસ્ત કલા પર્વ: કાર્યક્રમો માણવા મોટી સંખ્યામાં લોકોને પધારવા વહીવટી તંત્રની જાહેર અપીલ
રાજકોટ શહેરનાં આંગણે રાજયકક્ષાના પ્રજાસતાક પર્વનો રૂડો અવસર આવ્યો છે. અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. અને હજુ બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે આ કાર્યક્રમોમાં ઉમટી પડીને રાષ્ટ્રીય પર્વની ઉજવણીને દીપાવવા લોકોને જીલ્લા કલેકટર રેમ્યા મોહને આહવાન કર્યું છે.
રંગીલુ રાજકોટ દરેક પર્વને ઉત્સાહભેર ઉજવવા માટે તત્પર હોય છે.ત્યારે રાજકોટનાં આંગણે પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત છેલ્લા એક અઠવાડિયાથી જાહેર કાર્યક્રમોની ભરમાર ચાલી રહી છે. સાથોસાથ અબજોના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમૂહૂત થઈ રહ્યું છે. રાજકોટની જનતા માટે ખાસ જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા જીલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેર અનુરોધ કર્યો છે.
તેઓએ જણાવ્યું છે કે આજે સાંજે ૭.૩૦ કલાકે માધવરાવ સીંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રંગ છે. રાજકોટ નાટય કાર્યક્રમ યોજવાનો છે. બાદમાં આવતીકાલે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાવાનો છે. આ ઉપરાંત શાસ્ત્રી મેદાનમાં હસ્ત કલા પર્વ ખૂલ્લુ મૂકાયું છે. તો આ કાર્યક્રમોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડીને પ્રજાસતાક પર્વની ઉજવણીને માણે તેવી જીલ્લા વહીવટી તંત્રની અપીલ છે.
વધુમાં રાજકોટનાં મુખ્ય વિસ્તારોમાં રોશનીનાં ઝગમગાટથી અનોખો માહોલ સર્જાયો છે. ઘણા વેપારી મંડળો તેમજ નાગરીકોએ સ્વયંભૂ આ પર્વના રંગે રંગાઈને પોત પોતાના વિસ્તારોમાં સજાવટ કરી છે. આ તમામ લોકોનો કલેકટર રેમ્યા મોહને આભાર માનીને સમગ્ર જીલ્લાના લોકોને ૭૧માં પ્રજાસતાક પર્વની શુભકામનાઓ પાઠવી છે.