નગરપાલિકા કચેરી દ્વારા મુકવામાં આવેલા નોટીસ બોર્ડના પણ ઉલાળીયા: આરોગ્યને જોખમ
ધોરાજીમાં ખ્વાજા સાહેબના ઉર્ષના મેળાના ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. નગરપાલિકા દ્વારા ગંદકી ન કરવી બાબતે મુકવામાં આવેલા નોટીસ બોર્ડના પણ ઉલાળીયા કર્યા છે ત્યારે પ્રજાજનોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. રાજકોટ જીલ્લાના ધોરાજીનાં ખ્વાજા સાહેબના ઉર્ષના મેળાના ગ્રાઉન્ડમાં ગંદકીના કચરાના ઢગલા જોવા મળ્યા હતા. ધોરાજી નગરપાલિકા કચેરી દ્વારા નોટીસ બોર્ડ પર મુકવામાં આવ્યું છે. આ જાહેર સ્થળ કે અન્ય જાહેર રોડ રસ્તા પર જયાં ત્યાં કચરો નાખવો તે દંડનીય અપરાધ છે તેમ છતાં તેનો પણ ઉલાળીયો કરવામાં આવ્યો છે.
જાહેરમાં કચરો નાખનાર વ્યકિતઓ સામે કાયદેસરની તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ વાતથી લોકો અવગત હોવા છતાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળ્યા હતા. ધોરાજીનાં વોર્ડ નં.૧ અને ખ્વાજા સાહેબના ઉર્ષના મેળાનાં ગ્રાઉન્ડમાં જ ગંદકી કચરાના ઢગલાઓ જોવા મળ્યા હોય ત્યારે એકબાજુ લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે ત્યારે બીજીબાજુ ગંદકી કચરાના ઢગલા લીધે આરોગ્ય જોખમાઈ રહ્યું છે.