ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુએ હુમલાની જવાબદારી સંભાળી: પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના કહેવા પર ખાલીસ્તાનીઓએ હુમલો કર્યાનું અનુમાન
પંજાબના તરનતારનમા પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો છે. જેને પગલે આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં પોલીસ સ્ટેશનની ઇમારતને નુકસાન થયું છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી કે કોઈ જાનહાની થઈ નથી. આ હુમલો પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે એક વાગ્યે પોલીસ સ્ટેશન બિલ્ડિંગ પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો .પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના કહેવા પર ખાલિસ્તાન તરફી આતંકવાદીઓએ પંજાબમાં કાર્યરત તેમના સ્લીપર સેલ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હશે. તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશનને રાત્રે 1 વાગ્યે નિશાન બનાવવામાં આવ્યું છે. આ પહેલા મોહાલીના સેક્ટર-77માં આરપીજી હુમલો થયો હતો. આજે વધુ એક હુમલો થયો છે. ગુપ્તચર એજન્સીઓએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. હુમલો સીધોના થતા તેની અસર પણ ઓછી જણાઈ હતી. જે રીતે મોહાલીમાં પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસમાં હુમલો થયો હતો, આ હુમલો પણ તેવી જ રીતે થયો હતો.
ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુએ તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર આરપીજી હુમલાની જવાબદારી લેતા પોતાની ધમકીમાં કહ્યું કે અમે પંજાબના દરેક ઘરમાં રોકેટ લોન્ચર પહોંચાડ્યા છે. પંજાબના મુખ્યમંત્રી અને ડીજીપીને આપવામાં આવેલી ચેતવણીમાં તેમણે કહ્યું કે આવા વધુ હુમલા થશે.
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં બહાર આવ્યું છે કે ગઈકાલે રાત્રે લગભગ 11.22 વાગ્યે આરપીજીનો ઉપયોગ કરીને હાઈવે પરથી ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. તે સરહાલી પોલીસ સ્ટેશનના સુવિધા કેન્દ્ર સાથે અથડાઈ હતી. યુએપીએ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ફોરેન્સિક ટીમ અહીં આવી છે અને સેનાની ટુકડી પણ અહીં છે. તેમણે કહ્યું કે પોલીસ ઘટનાના દરેક પાસાઓની તપાસ કરશે. તેમણે કહ્યું કે યુરોપ, ઉત્તર અમેરિકામાં પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને ઓપરેટરોના સંપર્કમાં રહેલા અપરાધી તત્વોની કડીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેથી સાચા ગુનેગારોને જલ્દી પકડી શકાય.