Abtak Media Google News

ફૂટબોલ મહાયુધ્ધમાં ધડાધડ ગોલના ગંજ ખડકાયા- ફાઈનલ પર મીટ

સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપના બીજા દિવસની પહેલી મેચમાં બરોડા ફૂટબોલ એકેડેમીએ સાત વિરુદ્ધ એક ગોલથી રાઇઝિંગ સન ફૂટબોલ ક્લબને પરાજિત કરી. રાઇઝિંગ સન ટીમે પ્રથમ હાફમાં એક ગોલ કરીને શરૂઆત તો સારી કરી કારણ કે બરોડાની ટીમ પહેલા હાફમાં એક પણ ગોલ ન કરી શકી. પરંતુ બીજા હાફમાં તેણે ઉપરા છાપરી સાત ગોલ કરીને મેચ જીતી લીધી. પાંત્રીસમી મિનિટે બરોડા ફૂટબોલ એકેડેમી વતી ધડાધડ બે ગોલ ફટકારનાર અવી અમીનને મેન ઑફ ધ મેચનો ખિતાબ મળ્યો.

દિવસની બીજી મેચ ધરખમ એ.આર.એ. અને શાહીબાગ ફૂટબોલ ક્લબ અમદાવાદ વચ્ચે રમાઇ જે એ.આર.એ.ની ટીમે પંદર વિરુદ્ધ ત્રણ ગોલથી જીતી લીધી. એ.આર.એ. ટીમે શરૂઆતથી જ ઝમકદાર રમત બતાવીને પહેલા હાફમાં 9 અને બીજા હાફમાં 6 ગોલ ઝીંકી દીધા હતા. શાહીબાગની ટીમે પ્રારંભે સારો એવો મુકાબલો કરીને પ્રથમ હાફમાં ત્રણ ગોલ કરી દીધા પછી ઝાઝી લડત ન આપી શકી. એ.આર.એ ના પ્રતીક સ્વામી (જર્સી નં. 16) મેન ઑફ ધ મેચ બન્યા.

ત્રીજી મેચ ગાંધીનગરની સૂર્યવંશી ફૂટબોલ ક્લબ અને વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઇ. સૂર્યવંશીએ પ્રથમ હાફમાં ચાર અને બીજા હાફમાં એક એમ પાંચ ગોલ કર્યા. પારૂલ ક્લબ પ્રથમ હાફમાં તો કોઈ ગોલ ન કરી શકી પરંતુ બીજા હાફમાં ત્રણ ગોલ કરી સારી ટક્કર ઝીલી વળતી લડત આપી.  પરંતુ અંતે તો સૂર્યવંશી ફૂટબોલ ક્લબે પાંચ વિરુદ્ધ ત્રણ ગોલથી વિજય મેળવ્યો. સૂર્યવંશી ફૂટબોલ ક્લબના ગોલ કીપર ધવલ મકવાણા (જર્સી નં. બે) મેન ઑફ ધ મેચ જાહેર થયા.

ગુરૂવારની ચોથી અને છેલ્લી મેચ લક્ષ્ય ફૂટબોલ ક્લબ, પાલનપુર અને જગરનોટ અમદાવાદ વચ્ચે રમાઈ. લક્ષ્યની ટીમ જગરનોટ સામે ખૂબ જ નબળી સાબિત થઈ. જગરનોટ એકતાલીસ વિરુદ્ધ ત્રણ ગોલથી મેચ જીતી ગઇ. જગરનોટના કેપ્ટન અમન શાહ (જર્સી નં. સાત)ને મેન ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. તેમણે એકલાએ જ ટીમ માટે સોળ ગોલ કર્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.