સીસીટીવી ફુટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સોની શોધખોળ
વેપારીએ ધંધા માટે લીધેલી લોનની રકમ તસ્કરો ઉઠાવી ગયા
સંત કબીર રોડ પર આવેલા ચંપકનગર ખાતેના કબીર કોમ્પ્લેક્ષ પાછળ જય અરબુડા સેલ્સ નામની ઇમીટેશનની દુકાનના તસ્કરોએ શટર તોડી ટેબલના ખાનામાંથી રૂ.૧૧.૬૬ લાખની રોકડ રકમની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ પર રહેતા પ્રવિણભાઇ ડોડીયાની કબીર કોમ્પ્લેક્ષ પાછળ આવેલા જય અરબુડા સેલ્સ નામની દુકાનના ગતરાત્રી દરમિયાન તસ્કરોએ શટરના તાળા તોડી ટેબલના ખાનામાંથી રૂ.૧૧.૬૬ લાખની રોકડ રકમની ચોરી થયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તસ્કરોએ ઇમીટેશનની દુકાનમાં અન્ય કોઇ કિંમતી ચિજ વસ્તુની ચોરી કરી ન હોવાથી તસ્કરો જાણ ભેદુ હોવાની શંકા વ્યક્ત કરી સીસીટીવી ફુટેજ નિહાળતા ચોરીમાં માંડા ડુંગર વિસ્તારના જયંતી અને ભરત હોવાનું પ્રવિણભાઇ ડોડીયાએ ઓળખી બતાવ્યું હતું.
પોતાની દુકાનમાં કામ કરતા શ્રવણ નામના સગીરના પરિચિત જંયતી અને ભરત હોવાનું પ્રવિણભાઇ ડોડીયાએ પોલીસને જણાવતા પી.આઇ. ઠાકર, પી.એસ.આઇ. એમ.એફ. ડાંગર અને વિરમભાઇ ધગલ સહિતના સ્ટાફે જયંતી અને ભરતની શોધખોળ હાથધરી છે.
પ્રવિણભાઇ ડોડીયાને ધંધા માટે પૈસાની જરૂર હોવાથી બેન્કમાંથી રૂ ૧૫ લાખની લોન લીધા બાદ રૂ.૨.૩૪ લાખ ચુકવી બાકીની રકમ અન્ય વેપારીઓને ચુકવવાની હોવાથી રૂ.૧૧.૬૬ લાખ રોકડા દુકાનમાં રાખ્યા હોવાની પોતાને ત્યાં કામ કરતા શ્રવણને જાણ હોવાથી તેને પોતાના પરિચીત જયંતી અને ભરતને ટીપ આપતા બંને શખ્સોએ ગતરાત્રે ચોરી કયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.