વર્ષ 2007 ટી-20 વિશ્વકપનો હીરો પણ રહી ચુક્યો હતો
વર્ષ 2007 ભારતીય ક્રિકેટ માટે એક સુવર્ણ વર્ષ હતું. જેમાં ટી20 ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ પણ રમાયો હતો. આ વર્લ્ડ કપના માધ્યમથી ભારતીય ક્રિકેટને ઘણા ચેમ્પિયન ખેલાડીઓ મળ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી. આ ટીમનો ભાગ રહેલા વિકેટકીપર બેટ્સમેન રોબિન ઉથપ્પાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઉથપ્પાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
ઉથપ્પાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, પ્રોફેશનલ ક્રિકેટમાં રમતા તેને 20 વર્ષ થઈ ગયા છે અને આ મારા દેશ અને રાજ્ય, કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવાનું સૌથી મોટું સન્માન મળ્યું છે. આ ઉતાર-ચઢાવવાળી એક શાનદાર યાત્રા રહી. આ રમતમાં મને એક વ્યક્તિ તરીકે વિકસિત થવામાં મદદ મળી. તેણે આગળ જણાવ્યું હતું કે, તમામ સારી બાબતોનો અંત આવે છે અને થવો પણ જોઈએ. તેઓએ ઉમેરતા કહ્યું હતું કે, તે આ રમતથી અલગ થયા બાદ તેમના મારા પરિવાર સાથે સમય પસાર કરશે. સાથો સાથ જીવનની નવી શરૂઆતને લઈને પણ તે ઘણો ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે.
રોબિન ઉથપ્પાએ છેલ્લે 2015માં ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ રમી હતી. 2022ની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. જોકે, તેની ટીમનું પ્રદર્શન ઘણું જ નિરાશાજનક રહ્યું હતું. ઉથપ્પાએ 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ 2007માં તે ટી20 ટીમમાં સામેલ કરાયો હતો. તેને ભારતીય ટીમ માટે 46 વન-ડે અને 13 ટી20 મેચ રમવાની તક મળી. વન-ડેમાં ઉથપ્પાએ 936 રન નોંધાવ્યા હતા જેમાં છ અડધી સદી સામેલ છે. ટી20 ક્રિકેટમાં ઉથપ્પાએ 249 રન નોંધાવ્યા છે. જેમાં એક અડધી સદી સામેલ છે. આ ઉપરાંત તેણે 205 આઈપીએલ મેચ પણ રમી છે.