- અમદાવાદની કલા ગોલ્ડ પેઢીના બે સેલ્સમેનને ફિલ્મી ઢબે લૂંટી લેવાયા
- એસ.પી હર્ષદ મહેતા, ડીવાયએસપી ઠક્કર સહિતનો કાફલો દોડી ગયો : ત્રણ લૂંટારુઓ શોધી કાઢવા દોડધામ
- કુતિયાણા તરફથી આવતા સેલ્સમેન સાથે એક શખ્સે માથાકૂટ કરી અને અન્ય બે શખ્સોએ લૂંટ ચલાવી લીધી
બાંટવા નજીક આજે ગત મોડી રાતે અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી, ઢીકાપાટુનો માર મારીને ત્રણ શખ્સોએ અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી, 2.50 લાખ રોકડ સહીત રૂ. 1.15 કરોડની લૂંટ કરીને ફરાર થઇ જતા એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
જૂનાગઢ-પોરબંદર હાઇવે પર મોડી રાત્રે બાંટવાના પાજોદ ગામ નજીક સરાડીયા રોડ પર અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીના બે સેલ્સમેન પાસેથી ત્રણ લૂંટારુઓ સોનુ-ચાંદી અને રોકડ લૂટી ફરાર થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી અને ઢીકાપાટુનો માર મારીને કુતિયાણા તરફથી આવતા 3 લૂટારૂઓ અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા એસપી, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ રોડને નાકાબંધી કરવામાં આવી હતી.
આ અંગે મોડી રાતે પોલીસને જાણ થતાં પીએસઆઇ આર.એમ.વાળા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને જૂનાગઢથી એસપી હર્ષદ મહેતા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો પહોંચ્યો હતો. સેલ્સમેન દ્વારા ઉપરકોત હકીકત પોલીસને જણાવતા પોલીસે તાકીદે નાકાબંધી કરીને તપાસ શરૂ કરતાં આગળ જતાં રોડ ઉપર ઝાડી-ઝાંખરામાંથી મોબાઈલ મળી આવ્યા હતા.
લૂંટારુંઓ કઈ દિશામાં ફરાર થયા તે અંગે સેલ્સમેન દ્વારા ચોક્કસ જણાવી નથી શક્યા તેમ છતાં પોલીસે ગુન્હો નોંધવાની તજવીજ શરૂ કરીને ફરિયાદી અને અન્ય દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કારમાં પંચર પડ્યું’ને લૂંટારૂઓ ત્રાટક્યા
કુતિયાણા તરફથી આવતા અમદાવાદના બે સેલ્સમેન પોતાની ફોર વ્હીલ લઈ સોમનાથ તરફ જતા હતા તે સમયે બાટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી. ત્યારે જોતજોતામાં અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા.
શંકાસ્પદ ઘટનામાં ફરિયાદીની આકરી પૂછપરછ
લૂંટની ઘટનામાં સેલ્સમેન દ્વારા અપાયેલી વિગતો જેવી કે, લૂંટારુઓ કંઈ દિશામાં ગયા તે અંગે ખ્યાલ નથી, લૂંટી લેવાયેલા મોબાઈલ આગળ ઝાડીમાંથી મળી આવવા જેવી બાબતો શંકા ઉપજાવનારી હોય પોલીસે બંને સેલ્સમેનની પણ ઘટના બાબતે આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાઈ
પોલીસે વિવિધ ટીમ બનાવીને નાકાબંધી કરી આ મામલે પેઢીનાં કાર્મચારીઓએ ત્વરિત વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મામલાની ગંભીરતા જોઈ પોલીસે વિવિધ ટીમ બનાવીને અલગ-અલગ વિસ્તારમાં નાકાબંધી કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે.