બિહારનાં દરભંગા જિલ્લાની ઘટના, પાંચ બંદૂકધારીઓએ અતિ વ્યસ્ત બજારમાં ભડાકા કરી લૂંટ ચલાવી
દેશમાં લૂંટ-ફાટના અજીબો ગરીબ બનાવો સમયાંતરે નોંધાતા રહે છે. જેના તરફ સૌનું ધ્યાન ખેંચાય છે. અને લગત તંત્રની આબરૂના લીરા ઉડે છે. આવી જ એક ઘટના બિહારનાં દરબંગા જીલ્લામાં નોંધાય છે. જેમાં પાંચ શખ્સોએ બંદૂકની અણીએ કરોડોના દાગીનાની લૂંટ ચલાવી છે.
બિહારના દરબંગા જિલ્લામાં સોનીની દુકાનમાંથી બંદૂકના નાળચે કરોડો રૂપીયાની જવેરાત લૂંટાયાનું પોલીસ દફતરે નોંધાયું છે.
દરબંગાની અતિ વ્યસ્ત બડાબજારમાં સવારે સાડા દસ વાગ્યે બજાર ખૂલતાની સાથે અલંકાર જવેલર્સમાં પાંચ સશસ્ત્ર બંદૂકધારીઓએ લૂંટ ચલાવી તમામ આરોપીઓ હવામાં ગોળીબાર કરતા કરતા ગાંધી ચોક તરફ ભાગી ગયા હતા.
દરબંગાના વરિષ્ઠ પોલિસ અધિકારી બાબુરામે જણાવ્યું હતુ કે લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાનાં ફૂટેજમાં ઓળખાઈ ગયા છે. અને ટુંક સમયમાં જ પકડાઈ જશે. નાકાબંધી કરી તમામ વાહનોનું સઘન ચેકીંગ થઈ રહ્યું છે.
જોકે, અલંકાર જવેલર્સના માલિક પવન લાટ દુકાનમાંથી શું શું વસ્તુ લૂંટાઈ છે તેની પુરી વિગતો આપી શકયા નથી. પરંતુ પાંચેક કરોડની મતા લૂંટાઈ હોવાનો અંદાજ છે.
લૂંટારૂઓ સામે પવન લાટના ભાઈ સુનિલે પ્રતિકાર કર્યો હતો. પરંતુ લૂંટારૂઓએ રિવોલ્વરના કુંદાથી હુમલો કર્યો હતો.દુકાનના માલિકે દાગીનાના પાંચ થેલામાંથી એક થેલો આંચકી લેવામાં સફળતા મેળવી હતી પવનલાટ પરિવાર દરબંગામાં હોલસેલને રિટેલ જવેલરી સોપ ધરાવે છે.