રૂ.૬.૧૫ લાખની લૂંટની ફરિયાદ કથિત: પોલીસને ગુમરાહ કર્યા
અબતક-ઋષિ મહેતા- મોરબી
મોરબી-માળિયા હાઇવે પાસે ડુંગળીના વેપારીને લૂંટી લેવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ડુંગળીનું પેમેન્ટ ટાળવા માટે વેપારીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. રૂ.૬.૧૫ લાખની લૂંટ થઈ હોવાની કથિત ફરિયાદ દ્વારા પોલીસને પણ ગુમરાહ કર્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છના નખત્રાણાથી ગોંડલ કારમાં રોકડ રકમ સાથે જતા ઇસમને મોરબીના સોખડા ગામના પાટિયા પાસે આવેલી પિતૃકૃપા હોટલ નજીક બે શખ્સોએ છરી વડે હુમલો કરી વેપારીને આંતરી લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસે ઘટનાની નોંધ થતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં અંતે ભુજના કોટડા ગામના રહેવાસી જેસિંગ લધાભાઈ સોલંકીએ ગોંડલમાંથી ડુંગળી ખરીદી કરી હોય જેનું પેમેન્ટ આપવાનું બાકી હોવાથી વાહન ગીરવે મૂકીને રૂ.૩ લાખ મેળવ્યા હતા અને ડુંગળીના વેચાણના રૂ.૩.૫૦ લાખ મળી કુલ રૂ.૬.૫૦ લાખની રકમમાંથી કુલ રૂ.૬.૧૫ લાખ પેમેન્ટ આપવા યુવાન નખત્રાણાથી ગોંડલ જઈ રહ્યો હતો ત્યારે લૂંટાયો હતો.
પોલીસે તપાસ કરતા બનાવ શંકાસ્પદ લાગતા ફરિયાદીની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેમાં લૂંટનો બનાવ મન ધડત હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે જણાવતા કહ્યું હતું કે, ફરિયાદી જેસિંગ નખત્રાણાથી જ લૂંટની ઘટનાનો પ્લાન બનાવીને નીકળ્યો હતો. જેથી પિતૃકૃપા હોટલમાં પોતાની કાર રોકી ગોંડલના વેપારી અને પોલીસને ગુમરાહ કરવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું.
જે અંગે જેસિંગે જણાવ્યું હતું કે ડુંગળીના ભાવ ઘટી જવાના કારણે વેપારમાં નુકશાન થતા બિલના રૂપિયા ચૂકવવા ન પડે તે માટે નાટક કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે જેસિંગ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.