જૂનાગઢ, જામકલ્યાણપુર, ખંભાળીયા, જેતપુર અને કોટડા સાંગાણી સહિત 19 સ્થળે લગ્ન કરી લૂટેરી દુલ્હન ફરાર થયાની કબુલાત
માતા-પુત્રી સહિત પાંચની ધરપકડ: આર્ય સમાજ અને કોર્ટ મેરેજ કરી દુલ્હન સાત જ દિવસમાં છનન થતી
લગ્ને લગ્ને કુવારી દર્શાવી લગ્ન ઇચ્છુકોને છેતરતી લૂટેરી દુલ્હન સહિત પાંચ શખ્સોને જૂનાગઢ પોલીસે રાજકોટના પોપટપરા વિસ્તારમાંથી ઝડપી લીધા છે. બે મહિલા સહિત પાંચેય શખ્સોએ જૂનાગઢ, કોટડા સાંગાણી, જામકલ્યાણપુર, ખંભાળીયા અને જેતપૂર સહિત 19 સ્થળે લગ્ન કરી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.
જૂનાગઢ જિલ્લા આંબલીયા ગામના સતિષ સવજીભાઇ પટોડીયા નામના યુવક સાથે અમદાવાદના કુબેરનગરની ભગવતી નામની યુવતી સાથે આર્ય સમાજ વિધીથી લગ્ન કર્યા હતા ત્યારે લગ્ન માટે વચેટીયા સહિતના શખ્સોને રૂા.3 લાખ ચુકવ્યા હતા. લગ્નના દસ દિવસ સુધી ભગવતી પત્નીની જેમ રહ્યા બાદ ઘરે માતાજીનું કામ હોવાનું બહાનું કરી જતી રહ્યા બાદ તેણીનો અને વચેટીયાનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
જૂનાગઢ તાલુકા પોલીસે એપ્લીકેશનની મદદથી સર્ચ કરતા ભરત રાજગોર નામનો વચેટીયો ધારી તાલુકાના મોણવેલ ગામના વતની અને હાલ રાજકોટના પોપટપરા વિસ્તારમાં તેની પત્ની અરૂણા સાથે રહેતો હોવાનુ માહિતી મેળવી ભરત રાજગોરને ઝડપી લીધો હતો. ભરત રાજગોરને આંબલીયા ગામના સતિષ પટોડીયાએ ઓળખી બતાવ્યો હતો.
ભરત અને તેની પત્ની અરૂણાની પૂછપરછમાં અમદાવાદ રહેતી હંસા ઉર્ફે ધનું પ્રકાશ વાઘેલા, અમદાવાદની અંજલી ઉર્ફે ભગવતી પ્રકાશ વાઘેલા અને ભાવનગરના ઉખરલા અને અનિલ ઉર્ફે અનિરૂધ્ધ ગોહિલ સંડોવાયા હોવાનું અને તેઓ અમદાવાદ હોવાની માહિતી મળતા જૂનાગઢ પોલીસે મુર્ગો આવ્યો છે. તેમ કહી ત્રણેયને રાજકોટ બોલાવી ઝડપી લીધા હતા.
પાંચેયની પૂછપરછમાં તેઓ પોતાના ખોટા નામ આપતા અને અંજલીને દુલ્હ તરીકે રજુ કરી પોતાને દિકરો ગમતો હોવાનું કહી લગ્ન માટે બે થી ત્રણ લાખ જેવી રકમ પડાવી લગ્ન કરાવી આપ્યા બાદ અંજલી સાતેક દિવસમાં જતી રહેતી હોવાની કબુલાત આપી હતી. પાંચેય શખ્સોએ કોટડા સાંગાણીના સતાપરના યુવક સાથે પણ છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.
કોટડા સાંગાણી પોલીસે સતાપરના અર્જુન ઉકાભાઇ લાવડીયા સાથે સપ્ટેમ્બર માસમાં અંજલીનું ભાગ્યવતી તરીકે નામ આપી ગોંડલ કોર્ટમાં લગ્ન કરાવી આપ્યા હતા ત્યારે રૂા.2.11 લાખ આપ્યા હતા. ભાગ્યવતીએ લગ્નના સાતેક દિવસ બાદ પોતાના ઘરે માતાજીનો પસંગ હોવાનો માતાએ ફોન કરતા તેણી અમદાવાદ ગયા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. કોટડા સાંગાણી પોલીસે અંજલી ઉર્ફે ભાગ્યવતી પ્રકાશ વાઘેલા, તેની માતા હંસાબેન ઉર્ફે ધનુબેન અને અનિલ ઉર્ફે અનિરૂધ્ધ ગોહિલ સામે ગુનો નોંધી જૂનાગઢ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવવા તજવીજ હાથધરી છે.