અંદરથી ઘવાયેલા ડ્રેગને બોર્ડર પર યુદ્ધને હવા આપનાર હરકત શરૂ કરી, 50 હજાર સૈનિકો ખડકીને નજર રાખવા ડ્રોનનો પણ ઉપયોગ ચાલુ કર્યો
અબતક, નવી દિલ્હી : આર્થિક રીતે પડી ભાંગેલા ચીનએ બોર્ડર પર યુદ્ધને હવા આપનાર હરકત શરૂ કરી દીધી છે. ચીની સેના પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાના ક્ષેત્રમાં 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ મોટાપાયે ડ્રોનનો ઉપયોગ શરૂ કરી રહી છે. આ ડ્રોન ભારતીય ચોકીઓની આસપાસ લગભગ ઉડાન ભરી રહ્યા છે.
ભારતીય સેના ચીનની આ હરકતો પર નજર રાખી રહી છે.ભારતીય સેના એકદમ સર્તક છે. તે મોટાપાયે ડ્રોન તૈનાત કરી રહી છે. જલદી જ તે નવી ઇઝરાયલી અને ભારતીય ડ્રોનને મોટા બેડામાં સામેલ કરશે. આ ડ્રોનને સીમા પર ચીનના પડકારનો સામનો કરવા માટે સુરક્ષાબળો તરફથી અધિગ્રહિત કરવામાં આવ્યા છે.
LAC પર હાલની સ્થિતિનો ઉલ્લેખ કરતાં સૂત્રોએ જણાવ્યું કે હવે ફ્રિક્શન પોઇન્ટનો મુદ્દો ઉકેલવાની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કે ચીન અત્યારે પણ ચૂપ બેસ્યું નથી તે પોતાના સૈનિકોના માટે પોતાના કામચલાઉ માળખાના રૂપમાં બદલી રહ્યા છે. એલએસી પાસેના વિસ્તારોમાં તિબ્બતી ગામોની પાસે ચીને સૈન્ય છાવણી પણ બનાવી છે.
ચીન અંદરથી ગંભીર રીતે ઘવાયેલું, હવે તેનું ભાવિ ધૂંધળુ?
અભૂતપૂર્વ વીજ કટોકટીથી ફેક્ટરીઓ બંધ, લાખો ઘરોમાં અંધારપટ
ચીન અભૂતપૂર્વ વીજ કટોકટી સામે ઝઝૂમી રહ્યું છે. જેના કારણે ચીનનો આર્થિક વિકાસદર ધીમો પડવાની શક્યતા છે. વીજળીની તંગીના કારણે ઉત્તર ચીનની અનેક ફેક્ટરીઓ બંધ થઈ છે તો ઘણી ફેક્ટરીઓમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સરકારે રહેણાંક વિસ્તારોમાં ફરજિયાત વીજ કાપ મૂક્યો છે તો ટ્રાફીક લાઇટ્સ બંધ રહેવાથી ઘણા શહેરોમાં રસ્તાઓ પર અરાજકતા સર્જાઈ છે.
શેનયાંગમાં ટ્રાફીક લાઇટ્સ બંધ હોવાથી કલાકો સુધી ટ્રાફીક જામ થયો હતો. કોલસાના સપ્લાયમાં ઘટાડો, મેન્યુફેક્ચરર્સ અને ઉદ્યોગોની માગમાં વધારો થવા સહિતના કારણોને લીધે ચીન વીજ કટોકટીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં ગ્વાંગડોંગ સહિત 31માંથી 16 પ્રાંતોમાં વીજળીનું રેશનિંગ શરૂ કરવામાં આવ્યું છે.
વીજ કટોકટીના કારણે એપલ અને ટેસ્લા જેવી કંપનીઓને સપ્લાય કરતી ફેક્ટરીઓમાં ઉત્પાદન થંભી ગયું છે. સ્માર્ટફોન તથા તેના સાધનો બનાવતી ફેક્ટરીઓમાં ઉત્પાદન અટકી જવાથી દુનિયાભરમાં સ્માર્ટફોનના માર્કેટને અસર થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ચીનની આ વીજકટોકટી હજુ આગામી માર્ચ સુધી યથાવત રહેશે એવી શક્યતા છે.
એવરગ્રાન્ડના લીધે ચીનની અર્થવ્યવસ્થા ઉપર મંદીનું તોળાતું સંકટ
ચીનની બીજી સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે. કંપની પર 300 બિલિયન ડોલરથી વધુનું દેવું છે, જે ચૂકવવા માટે કંપનીએ હાથ અધ્ધર કરી દીધા છે. કંપની કહે છે કે તેની પાસે આ ભારેખમ દેવું ચૂકવવા માટે પૈસા નથી. તેના પછી ગ્લોબલ માર્કેટને મોટો ધક્કો લાગ્યો છે. શેરધારકોના પૈસા ડૂબી રહ્યા છે તો દુનિયાના અનેક શેરમાર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે. જ્યારે ચીનનું રિયલ એસ્ટેટ માર્કેટ પોતાની ચરમસીમાએ હતું ત્યારે કંપનીએ એક પછી એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરી, જેના માટે લોન લેવામાં આવી. પરંતુ ચીનની સરકારે રિયલ એસ્ટેટ માર્કેટ માટે આકરા નિયમ બનાવી દીધા છે.
તેના પછીથી જ કંપનીને નુકસાન થવા લાગ્યું અને દેવું વધવા લાગ્યું. હાલ કંપની પર 300 અબજ ડોલરનું દેવું છે. ભારતીય રૂપિયામાં લગભગ 22 લાખ કરોડ રૂપિયા. કંપની કહે છે કે તે આ દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી. તેના પછીથી જ રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દુનિયાભરના માર્કેટ પર તેની અસર પડી રહી છે.એક્સપર્ટ્સના અનુસાર, જો એવરગ્રાન્ડ જેવી મોટી કંપની ડૂબે છે તો તેની અસર ચીનના સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટર પર પડશે. ચીનના જીડીપીમાં રિયલ એસ્ટેટ સેક્ટરની લગભગ 29% હિસ્સેદારી છે. એટલે કે જો રિયલ એસ્ટેટ સેક્ટર પ્રભાવિત થયું તો એ પોતાની સાથે અન્ય સેક્ટરોના ગ્રોથને પણ ધીમો કરી શકે છે.
આ ઉપરાંત ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો ચીનની અર્થવ્યવસ્ષથામાં કોઈ ઉથલપાથલ થાય છે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડશે.કંપનીના ડૂબવાના સમાચારોની અસર અત્યારથી માર્કેટ પર દેખાવા પણ લાગી છે. કંપનીના શેર 2010 પછી પોતાના લઘુતમ સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. દુનિયાના ટોચના અમીરોમાં સામેલ એલન મસ્ક, જેફ બેજોસ, બિલ ગેટ્સ, માર્ક ઝૂકરબર્ગને 26 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે.