ઠેર-ઠેર પાણી ભરાયા : પાણીનો સત્વરે નિકાલ ન થતા વાહનોમાં ઘુસી જતા થ્રી વ્હિલર બંધ પડયા
જૂનાગઢ શહેર પંથકમાં ગઇકાલે સવારથી જ બદલાયેલા માહોલ વચ્ચે રામોલ માટે સમયસરના વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા છે, તો બીજી તરફ જુનાગઢ શહેરમાં ગઈકાલે ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં પાણી પાણી થઇ ગયુ હતું અને ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેર કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા રસ્તાઓના રીપેરીંગ કામમા ખોદાયેલા રસ્તાઓથી જૂનાગઢ શહેર ગામડાના ગાડા માર્ગ જેવું બની ગયું છે.
જૂનાગઢ જિલ્લામાં વાવણી લાયક વરસાદ બાદ બે દિવસથી શરૂ થયેલા શ્રીકાર વરસાદથી રામોલ ને નવું જીવન મળ્યું છે, તો બીજી તરફ જૂનાગઢના ગિરનાર, દાતાર અને જોગણીયા ડુંગરના જંગલ વિસ્તારમાં ગઇકાલે સાડા ચારથી પાંચ ઇંચ વરસાદ ખાબકતા કાળવો, લોલ, સોનરખ સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા અને શહેરમાં પણ અઢી ઇંચ વર્ષી જતા રાજમાર્ગો પર પણ પાણી પાણી થઇ ગયું હતું અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
જૂનાગઢ શહેરના મોટાભાગના રસ્તાઓ ઘણા મહિનાઓથી ગટર સહિતના કામ માટે ખાડા ખોદી, રોડ બનાવ્યા વગર, અડધા મુકી દેવામાં આવ્યા છે, આવા વિસ્તારોમાં આઝાદ ચોક, એમ.જી.રોડ, જવાહર રોડ, કાળવા ચો ક, જયશ્રી રોડ, તળાવ દરવાજા અને શહેર બહારના વિસ્તારમાં ખોદાયેલા અને અડધા મૂકી દેવાયેલા રસ્તાઓના કારણે વરસાદથી શહેરના રસ્તાઓ ગામડાના ગાડા માર્ગ જેવા થઈ ગયા હતા, ચારે બાજુ કીચકાન અને રબડી રાજ જેવા દૃશ્યો સર્જાયા હતા.
બીજી બાજુ કોર્પોરેશનના કચરાથી ભરેલા ક્ધટેનરો ભારે વરસાદથી ઉભરાઈ ગયા હતા અને ઠેર ઠેર ગંદકીના થર જામ્યા હતા તે હવે બદબુ ફેલાવી રહ્યા છે, આમ જૂનાગઢ શહેરમાં ભારે વરસાદે જાણે કે કોર્પોરેશન તંત્રની પોલ ખોલી નાખી હોય તેમ ઠેર ઠેર ખોદાયેલા રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા છે, અને માટી તણાઈ રોડ પર આવતા હોવાથી નાગરિકો અને ખાસ કરીને વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યા હતા.
શહેરમાં ચોમાસા પહેલાની પ્રી મોનસુન કામગીરી જાણે કે, થઈ જ ન હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે શહેરમાં સફાઈના અભાવને કારણે ક્ધટેનર ભરાયેલા પડયા હોવાથી ચોમાસાના વરસાદથી શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા રસ્તા ઉપર વિખેરાઇ ગયા હતા. ગઇકાલે સોમવારે શહેરમાં પડેલા અઢી ઈંચ વરસાદથી જુનાગઢ કોર્પોરેશનની રસ્તા મરામતની કામગીરી અને કેટલી અને કેવી સફાઇ કામગીરી કામગીરી કરાઈ છે તેની પોલ ખૂલી ગઈ હતી.