ગંભીર અકસ્માત સમયે ગોલ્ડન અવર્સમાં મદદરૂપ બનનાર વ્યક્તિને‘ગુડ સેમેરિટન એવોર્ડ’ સાથે રૂા.5000 નો પુરસ્કાર અપાશે

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ તેમજ અકસ્માત સંભવિત ક્ષેત્રો પર વિવિધ વિભાગોના સંકલન થકી કરવામાં આવતી કામગીરીની સમીક્ષાર્થે પોલિશ કમિશનર  રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.

પોલીસ કમિશનર  દ્વારા ખાસ કરીને રાજકોટ શહેરમાં પ્રવેશ પરના હાઇવે ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, માર્કેટિંગ યાર્ડ, ત્રંબા, સરધાર, બેડી નાકા, માંડા ડુંગર સહિતના બ્લેક સ્પોટ એટલે કે ગંભીર અકસ્માતોના સંભવિત ઝોન પર સામાન્ય વ્યક્તિ પણ આ પોઈન્ટ પર  સજાગ થઈ અકસ્માતથી બચી શકે તે પ્રકારે અસરકારક રીતે સાઈનબોર્ડ મુકવા તેમજ રોડ એન્જીનીયરીંગની વિભાવનાનો  અસરકારક રીતે અમલ કરવા પર ભાર મુક્યો હતો.

બેઠકમાં ઉપસ્થિત રોડ સેફટી કમિટીના એક્ઝિક્યુટિવ ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર   જે.વી. શાહે   સરકાર દ્વારા પ્રારંભ થનાર ‘’ગુડ સેમેરિટન એવોર્ડ” અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગંભીર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને  હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનનાર વ્યક્તિને રૂ. 5000 પુરસ્કાર આપવામાં આવશે

આ  તકે બ્લેક સ્પોટ વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી  દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવરઝ્નની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.

બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ ઓટોમાઇઝેશન કામગીરી, મહાનગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા માટે સર્વે સહિતની કામગીરી, દબાણ હટાવની કામગીરી અંગે વિભાગ દ્વારા માહિતી અપાઈ હતી.

આ તકે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડી ધારકોને દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહ્યાનું ટ્રાફિક ડી.સી.પી.  પૂજા યાદવે જણાવ્યું હતું.

રોડ સેફટી મિટિંગમાં એડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર   સી.કે. નંદાણી, એસીપી ટ્રાફિક પોલીસ ગઢવી,  આર.ટી.ઓ અધિકારી કે. એમ. ખાપેડ સહીત મહાનગરપાલિકા, હાઈ-વે ઓથોરિટી, જી.ઇ.બી, એલ એન્ડ ટી, એન.એચ.આઈ.એ. આર.એન્ડ.બી. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.