રોડ અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય તેના પર નહિ પણ માત્ર દંડ વસુલી પર જ ઘ્યાન કેન્દ્રીત કરાયું – પરેશ ધાનાણી.
વર્ષ ૨૦૨૦ સુધીમાં રોડ અકસ્માતના બનાવોમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનો રાજય સરકારનો લક્ષ્યાંક
નિયમોનું ઉલ્લંધન કરશો તો રૂ ૧ લાખ સુધીના દંડની બીલમાં જોગવાઇ
રોડ સલામતીને લઇ રાજય સરકારે કવાયત હાથ ધરી ગુજરાત વિધાનસભામાં રોડ સેફટી ઓથોરીટી બીલ પસાર થઇ ગયું છે. આ બીલને લઇ વિપક્ષે ઘણાં પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા પરંતુ તેને રોકવાનો કે અટકાવવાનો પ્રયત્ન કર્યો ન હતો.
જણાવી દઇએ કે, સોમવારથી ગુજરાતની ૧૪મી વિધાનસભાના પ્રથમ સત્રનો પ્રારંભ થઇ ગયો છે જેમાં રોડ સેફટી ઓથોરીટી બીલ રજુ કરાયું હતું અને તેને મંજુરી મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં રોડ સલામતીવધુ વિકસાવવા અને રોડ અકસ્માતના બનાવોને ઘટાડવા તરફ લાભ આંખ કરી હતી અને ગુજરાત સરકારને રોડ સેફટી પોલીસી અને રોડ સેફટી ઓથોરીટીની રચના કરવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રોડ સેફટી ઓથોરીટી બીલની રચના કરાઇ છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે રાજય સરકારે સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કર્યુ છે. અને અમે વર્ષ ૨૦૨૦ સુધીમાં રોડ અકસ્માતોમાં પ૦ ટકા નો ઘટાડો કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે. જે આ બીલ થકી પુર્ણ થશે.
આર.સી.ફળદુએ વધુમાં જણાવતા કહ્યું હતું કે તમામ લોકોએ રોડ સેફટીના નિયમોનું ફરજીયાત પણે પાલન કરવું પડશે. અને જે લોકો નિયમોનું ઉલ્લધન કરશે તેઓ માટે ૧ લાખ રૂપિયાના દંડની બીલમાં જોગાવાઇ છે. વર્ષ ૨૦૧૬માં ૨૧,૮૫૯ રોડ અકસ્માત નોંધાયા હતા જયારે તેમાં ઘટાડો થઇ વર્ષ ૨૦૧૭માં ૧૯,૦૮૧ રોડ અકસ્માતના બનાવો થયા હતા.
રોડ સેફટી ઓથોરીટી બીલમાં જે એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે તે વિરુઘ્ધ વિપક્ષે મુદ્દો ઉપાડયો હતો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, લોકો કાયદાનું પાલન કરે અને તેમને માને એ માટે નીયમો હોય છે. પરંતુ સરકાર અહીં વધુ કડક વલણ અપનાવી રહી છે. અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય તેના પર નહિ પણ માત્ર દંડ વસુલી પર જ બીલમાં ઘ્યાન કેન્દ્રીત કરાયું છે. આથી આ બીલને વધુ અભ્યાસ માટે કમીટીને મોકલવાની જરુર છે તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.