- અઢી દાયકા બાદ ન્યુરો અને સ્પાઈન સર્જનોની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કેડેવરીક વર્કશોપનો પ્રારંભ
- આધુનીક મશીનો દ્વારા મગજ અને કરોડરજજુની વિશ્ર્વકક્ષાએ થતી વિવિધ સર્જરી વિશે દેશભરમાંથી આવેલા ન્યુરો સર્જનોને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી
રાજકોટ ન્યુરો સર્જન એસોસીએશન દ્વારા રાજકોટના આંગણે અઢી દાયકા બાદ યોજાયેલ ન્યુરોસર્જનોની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કેડેવરીક વર્કશોપનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આધુનીક મશીનો દ્વારા મગજ અને મણકાની વિવિધ વિશ્વકક્ષાના ઓપરેશનો વિશે તાલીમ આપવામાં આવી રહી છે. દેહદાન દ્વારા પ્રાપ્ત થયેલ મૃતદેહો પર મગજ અને મણકાની વિવિધ સર્જરી વિશે પ્રેકટીકલ તાલીમ દ્વારા ન્યુરોસર્જનોને વિવિધ ઓપરેશનો વિશે માહિતગાર કરવામાં આવ્યા એમ કોન્ફરન્સના પ્રેસીડન્ટ અને જાણીતા ન્યુરોસર્જન ડો. પ્રકાશ મોઢાની એક યાદીમાં જણાવાયુ છે. મૃતદેહો પર સર્જરી દ્વારા અપાતી તાલીમ એ કોઈપણ સર્જન માટે ખૂબ અગત્યની હોય છે કારણ કે માનવ શરીરની કુદરતી રચનાને સારી રીતે સમજી અને તેના પર વિવિધ રોગની સારવાર માટે સર્જરી કરવાનો અનુભવ મળી શકે છે.
ડો. પ્રકાશ મોઢાના જણાવ્યા અનુસાર રાજકોટમાં 25 વરસ બાદ ન્યુરોસર્જનોની ત્રણ દિવસની રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં આજે પ્રથમ દિવસે કેડેવરીક વર્કશોપ સાથે કોન્ફરન્સની શરૂઆત થઈ છે. આ વર્કશોપમાં દેશ વિદેશના નામાંકીત ન્યુરો અને સ્પાઈન સર્જનો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આજના વર્કશોપમાં ખોપરી ખોલીને કરવામાં આવતાં વિવિધ ઓપરેશન, મગજની કિહોલ સર્જરી એટલે કે નાનુ કાણુ કરીને ખોપરીમાં કરવામાં આવતી વિવિધ સર્જરી, એન્ડોસ્કોપીક સર્જરી એટલે જેમાં એન્ડોસ્કોપ દ્વારા ફકત કાણુ કરીને કરવામાં આવતી વિવિધ સર્જરી, એક્ઝોસ્કોપીક સર્જરી એટલે નાનુ કાણુ કરી દૂરબીન અંદર ઉતારી સ્કીન પર થ્રીડીમાં અંદરની સ્થિતી જોઈ કરવામાં આવતી સર્જરી, સ્પાઈનની સર્જરી, પેસમેકર મુકવાની સર્જરી વિગેરે વિશે મૃતદેહો પર સર્જરી કરી પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી. એક્ઝોસ્કોપીક સર્જરીમાં નાના કાણામાંથી દૂરબીન દ્વારા થ્રીડી ઈમેજ મોટી સ્કીન પર જોઈને સર્જરી કરવામાં આવે છે જેના કારણે મગજ અને આસપાસમાં નુકસાન બહુ ઓછુ થાય છે, ઓછા જોખમ સાથે બહુ મોટી અને જોખમી સર્જરી થઈ શકે છે જેના પરીણામ બહુ સારા મળી શકે છે. આજના વિવિધ વર્કશોપમાં ખોપરી ખોલીને કરવામાં આવતા ઓપરેશનો વિશે કરાડના ડો. આઈપે ચેરીયન, સાઉથના ડો. સુરેશ દુગ્ગાની, મહારાષ્ટ્રના ડો. આશીષ ટંડન, એન્ડોસ્કોપીક સ્કલબેઝ ઓપરેશન વિશે ડો. આઈપે ચેરીયન, ડો. દેબાબ્રતા સહાના, ડો. વિનોદ ફેલીક્સ, રૂપીકેશના ડો. રજનીશ અરોરા, મણકાના સી1-સીર ગોયલ ફીક્સને સર્જરી વિશે મુંબઈના ડો. અતુલ ગોયેલ, ડો. અપુર્વ પ્રસાદ, ડો. સુશીલ પાટકર, ડો. શ્રધ્ધા મહેશ્વરી, ડો. સુમીત સિન્હા, ડો. પવન વર્મા, ડો. ચેંગ, એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી વિશે ડો. સુકુમાર સુરા, ડો. રાકેશ લુહાના, ડો. નિધિકુમાર પટેલ, ડો. હાર્દ વસાવડા, મીનીમલ ઈન્વેન્સીવ સ્પાઈન સર્જરી વિશે ડો. જેકબીસ પાર્થીબન, ડો. જયેશ સરધારા, ડો. આશીષ ટંડન, ડો. સુધીર દુબે, ડો. દીપક ભાંગલે, ડો. બટુક દિયોરા, ડો. અનીતા જગતીયા, ડો. સંજય ટીલાળા, ડો. ગૌરાંગ વાઘાણી, ડો. અશોક પિલ્લાઈ, ડો. અમીત ઘોષ, ડો. ચીરાગ સોલંકી સહિતના ન્યુરોસર્જનોની ટીમ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન વિશે પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી.
કોન્ફરન્સના ટ્રેઝરર અને જાણીતા ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ આજના વર્કશોપમાં કરવામાં આવેલ વિવિધ ઓપરેશનના નિદર્શન વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, મગજ અને કરોડરજ્જુ-મણકાની વિવિધ સર્જરી કરવામાં આવતી હોય છે તેમાં વર્તમાન મેડિકલ ક્ષેત્રે થયેલ વિવિધ આધુનીક શોધના કારણે હવે ઓછા જોખમ સાથે મોટા ઓપરેશન શક્ય બન્યા છે. એકઝોસ્કોપ સર્જરી માં થ્રીડી ઈમેજ સ્ક્રીન પર જોઈને વિવિધ સર્જરી જેવી કે ટ્યુમરની સર્જરી, મગજના જ્ઞાનતંતુના કેન્દ્રોમાં કરવામાં આવતા અમુક ઓપરેશન બહુ સરળતાથી અને સારી રીતે કરી શકાય છે, ઓપરેશનમાં જોખમ ઘટે છે અને પરીણામ ઝડપી અને સારા મળે છે. આ ઓપરેશનનું થ્રીડી રેકોર્ડીંગ પર કરી શકાય છે જેથી ભવિષ્યમા આના દ્વારા અનેક ન્યુરોસર્જનોની તાલીમ મળી શકે. કંપવા, શરીર ધ્રુજવુ, બેલેન્સ ન રહેતુ હોય, બોલવા-ચાલવામાં ક્ધટ્રોલ ન હોય વગેરે પ્રકારના રોગમાં પેસમેકર બેસાડી સર્જરી દ્વારા વ્યક્તિને સામાન્ય જીંદગી જીવતા કરી શકાય છે એ પ્રકારના ઓપરેશન વિશે પણ વર્કશોપમાં પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. બ્રેઈન સ્ટ્રોકના કારણે થતી તકલીફમાં લોહીની બંધ નળીને બહારની નળી સાથે જોડી મગજની મળતાં લોહીનું સરક્યુલેશન નોર્મલ કરવાની સર્જરી, કોમામા રહેલા અમુક પ્રકારના દર્દીને સાજા કરવા માટે ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન સારવાર, હાથ પગ કડક થઈ ગયા હોય ત્યારે તેને નોર્મલ કરવા માટેની સર્જરી વગેરે અનેક પ્રકારની સર્જરી વિશે વર્કશોપમાં દેશ-વિદેશના નામાંકીત ન્યુરોસર્જનો દ્વારા પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી છે.
કોન્ફરન્સના પ્રમુખ ડો. પ્રકાશ મોઢા, સેક્રેટરી ડો. હેમાંગ વસાવડા, ટ્રેઝરર ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. કાંત જોગાણી, ડો. વિકાંત જૈન, ડો. નિમિષ ત્રિવેદીની આગેવાનીમાં રાજકોટના ન્યુરોસર્જનોની ટીમ દ્વારા કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે.