ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૨ વર્ષ પૂર્ણ થતા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિશિષ્ટ આયોજન: પદયાત્રાનાં રૂટ પર મેડિકલ, ફુડ કેમ્પ અને ઈમરજન્સી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે : સવારે ૬:૩૦ કલાકે સરદાર ભવન ખાતે માં ખોડલની મહાઆરતી બાદ પદયાત્રાનું પ્રસ્થાન કરાવાશે
લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૨ વર્ષ પૂર્ણ થતા ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૦મીનાં વહેલી સવારે સરદાર પટેલ ભવન, રાજકોટથી ખોડલધામ મંદિર, કાગવડ સુધીની પદયાત્રામાં હજારો ભાવિકો જોડાઈને માં ખોડલનાં પોંખણા કરશે.
સમગ્ર લેઉવા પટેલ સમાજને એકતાંતણે બાંધવા માટે ખોડલધામ મંદિરનો વિચાર લેઉવા પટેલ સમાજના હૃદયસમ્રાટ નરેશભાઈ પટેલને આવ્યો હતો. આ વિચારની શરૂઆત ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ વર્ષ ૨૦૧૦ થી થઈ હતી. ૨૦૧૦થી નરેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ લેઉવા પટેલ સમાજે એક તાંતણે બંધાઈ અનેક રેકોર્ડો સ્થાપ્યા છે.
ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૦નાં રવિવારનાં રોજ વહેલી સવારે ૬:૩૦ વાગ્યે સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, માલવિયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ ખાતે માં ખોડલની મહાઆરતી કરીને પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.
પદયાત્રા સરદાર પટેલ ભવનથી શરૂ થઈ ૧૫૦ ફુટ રીગ રોડ, ગોંડલ ચોકડી થઈ બપોરે ૧૧ વાગ્યાની આસપાસ શાપર ખાતે પહોંચશે જયાં પદયાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રિકો ભોજન પ્રસાદ લીધા બાદ યાત્રા રીબડા થઈ સાંજે ૭ વાગ્યાના સુમારે ગોંડલ પહોંચશે જયાં પદયાત્રિકો માટે રાત્રી ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ રાત્રી વિશ્રામમાં ઠંડીના લીધે પદયાત્રિકો માટે ગરમ પાણી સહિતની ઉતમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિશ્રામ લીધા બાદ પદયાત્રા ગોંડલથી રાત્રે ૧૧ વાગ્યે ખોડલધામ તરફ પ્રયાણ કરશે. વીરપુર ખાતે વહેલી સવારે ૪ વાગ્યે પદયાત્રા પહોચશે જયાં પદયાત્રિકો માટે ચા-પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ વીરપુરથી પદયાત્રા કાગવડનાં પાટીયે સવારે ૬ વાગ્યે પહોંચ્યા બાદ શ્રી ખોડલધામ મંદિર ખાતે જય માં ખોડલના નાદ સાથે પદયાત્રિકો યાત્રાને વિરામ આપશે.
આ પદયાત્રામાં જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના પદયાત્રિકો રાજકોટથી આવેલી પદયાત્રાનું કાગવડનાં પાટીયે સ્વાગત કરી સાથે જોડાશે. રાજકોટથી લઈને ખોડલધામ સુધી પદયાત્રાનાં રૂટ પર આવતા ગ્રામજનો દ્વારા પણ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રાના સમગ્ર રૂટ પર સલામતી અને ટ્રાફિકને ધ્યાને લઈને વિદ્યાર્થી સમિતિ દ્વારા સ્વયંસેવકોની ફોજ તૈયાર કરવામાં આવી છે.
આ ઉપરાંત રૂટમાં મેડિકલ અને ઈમરજન્સી સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવનાર છે. સમગ્ર પદયાત્રાનાં આયોજનને સફળ બનાવવા માટે ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિ અને શહેરનાં દરેક વોર્ડનાં ક્ધવીનરોનો સહયોગ સાંપડી રહ્યો છે. સમગ્ર પદયાત્રાનું આયોજન અને વ્યવસ્થા નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. સમાજમાં વધુમાં વધુ લોકો આ પદયાત્રામાં જોડાઈ તેવો અનુરોધ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. આ પદયાત્રામાં જોડાવવા માટે મો.૭૪૦૫૪ ૬૯૨૩૯ ઉપર નામ નોંધાવવાનું રહેશે.