રાજકોટ શહેરનો વિકાસ અને વસતી દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે. એક જમાનામાં જે રોડ ખૂબ જ પહોળા લાગતા હતા તે હવે વધતા-જતા ટ્રાફિકના કારણે સાંકડા લાગવા માંડ્યા છે. શહેરના યાજ્ઞિક રોડ પર માલવીયા ચોકથી લઇ ત્રિકોણ બાગ સુધીનો રોડ ત્રણ મીટર સુધી પહોળો કરવા માટે વર્ષો પહેલા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી. હવે આ કોકડું ઉકેલાય તેવા સુખદ એંધાણ મળી રહ્યા છે.

હયાત 20 મીટરનો રોડ 23 મીટરનો થશે: કપાતમાં જતી બે સરકારી સહિત 20 મિલકત ધારકોને વળતર માટે અપાયા વિકલ્પો

કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તો સાથે ગઇકાલે કમિશનર દ્વારા હિંયરીંગ બેઠક યોજવામાં આવી હતી. જેમાં કપાતના વળતર માટે અલગ-અલગ ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. તમામ મિલકત ધારકોએ આવતા સપ્તાહમાં વિકલ્પ પસંદ કરી આપી દેશે. તેવી બાહેંધરી આપી છે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં દરખાસ્તને બહાલી મળતાની સાથે રોડ પહોળો કરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.7માં સર લાખાજીરાજ રોડને માલવીયા ચોકથી શરૂ કરી ત્રિકોણ બાગ સુધી પહોળો કરવા માટે ઘણા વર્ષો પહેલા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ વર્ષોથી આ કામગીરી આગળ ધપતી ન હતી. દરમિયાન ગઇકાલે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે બે સરકારી મિલકત અને 18 ખાનગી મિલકત જે કપાતમાં આવે છે તેના મિલકત માલિકો સાથે હિંયરીંગ બેઠક કરી હતી. કુલ 371 મીટર રોડની પહોળાઇ થાય છે. જે હયાત 20 મીટર છે. તેને 23 મીટરનો કરવામાં આવનાર છે.

આ માટે 1611.17 ચોરસ મીટર જમીન કપાતમાં લેવાની થાય છે. ગઇકાલે યોજાયેલી મિલકત ધારકો સાથેની બેઠકમાં કોર્પોરેશન દ્વારા કપાતના અસરગ્રસ્તોને કુલ ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. જેટલી જમીન કપાતમાં જાય છે. તેની સામે અન્ય જગ્યાએ તેટલી જ જમીનની ફાળવણી કરવી, રોકડ વળતરની ચુકવણી કરવી, ભવિષ્યમાં બિલ્ડીંગ મંજૂરી સમયે એફ.એસ.આઇ., માર્જીન તથા પાર્કિંગમાં વધારાની છૂટછાટ આપવી અને ટીડીઆર આપવા અંગેના વિકલ્પો આપવામાં આવ્યા છે. દરમિયાન તમામ અસરગ્રસ્તોએ આવતા સપ્તાહમાં કપાતનું વળતર અંગેના વિકલ્પ પૈકી કોઇ એક વિકલ્પની પસંદગી કરી કોર્પોરેશનને આપી દેવાની બાહેંધરી આપી છે. ત્યારબાદ મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે અને ત્યારબાદ જનરલ બોર્ડની મંજૂરી મળ્યા બાદ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.