- રોડના ડાયવર્ઝન અંગે કરાયેલી રજુઆત મામલે ફોન પર બોલાચાલી થયાં બાદ હુમલો કરાયો : ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
- તું કેમ મારા ભાઈ સાથે માથાકૂટ કરે છે
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. નજીવી બાબતોમાં મારામારી, હુમલો, ફાયરિંગ અંગે હત્યાના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લખતરમાં રોડના ડાયવર્ઝન અંગે રજુઆત કરનાર ગેસ્ટહાઉસ સંચાલક પર કોન્ટ્રાકટર સહીત બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ભરતસિંહ પરમારને એક ગોળી હાથના ભાગે વાગી હતી. જયારે અન્ય એક ગોળી દીવાલમાં ઘુસી જતાં બંને હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી ગયાં હતા. હાલ આ મામલે લખતર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર લખતરના સાંઈ ગેસ્ટ હાઉસના માલિક ભરતસિંહ પરમાર ઉપર દેવળીયાના અજયસિંહ ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણા એક અજાણ્યા શખસ મળી કુલ બે શખ્સો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરાતાં એમને હાથના ભાગે એક ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી.
આ ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્ત ભરતસિંહ પરમારને પ્રાથમિક સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરજ પરના હાજર તબીબ દ્વારા રીફર કરાતાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગેસ્ટહાઉસ માલિક સાથે સામાન્ય બોલાચાલીમાં અજયસિંહ અને અન્ય શખસ દ્વારા બે રાઉન્ડ ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટહાઉસ માલિક ઉપર અજયસિંહ રાણા દ્વારા ફાયરિંગ કરી અજાણ્યા શખસો સાથે નાસી છૂટ્યા હતા.
મળતી માહિતી મુજબ લખતરમાં હાલ રોડનું કામ ચાલી રહ્યું હોય અને યોગ્ય ડાયવર્ઝન નહિ હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય આ મામલે ગેસ્ટહાઉસ સંચાલક ભરતસિંહે કોન્ટ્રાકટરના માણસોને રજુઆત કરી હતી. જે બાબતે દેવળીયાના કોન્ટ્રાકટર ધર્મેન્દ્રસિંહ રાણાએ ભરતસિંહને ફોન કરતા બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ શનિવારે રાત્રે ભરતસિંહ પોતાના ગેસ્ટહાઉસ ખાતે હાજર હતા ત્યારે અજયસિંહ રાણા અને એક અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો અને તું કેમ મારા ભાઈ સાથે માથાકૂટ કરે છે તેમ કહી ફાયરિંગ કર્યું હતું.
આ ફાયરિંગની ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જેમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટનાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા વડા ડો. ગીરીશ પંડ્યાને થંતા ડીવાયએસપી, એસઓજી અને એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ આ ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ વિભાગ દ્વારા ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.