કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગે રોડ-શો માટે મંજુરી ન આપી
ગુજરાત વિધાનસભાની બીજા તબકકાની ચુંટણી માટે આવતીકાલે સાંજે પાંચ કલાકે પ્રચાર-પડઘમ શાંત થવાના છે ત્યારે અંતિમ ચરણના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આવતીકાલે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં રોડ-શો યોજાવાનો હતો જોકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતા અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા વડાપ્રધાન મોદી કે રાહુલ ગાંધીના રોડ-શોને મંજુરી આપવામાં ન આવતા ભારે આશ્ર્ચર્ય ફેલાઈ જવા પામ્યું છે.
બીજા તબકકાના ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમદાવાદ ખાતે આવતીકાલે મંગળવારે ધરણીધરથી બાપુનગર સુધીના વિસ્તારમાં અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જગન્નાથ મંદિરથી મેમ્કો વિસ્તાર સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોડ-શો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોલીસ વિભાગની મંજુરી આપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીના રોડ-શોને મંજુરી આપવામાં આવી નથી. પરીણામ ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાનો રોડ-શો રદ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.