રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ શહેરમાંથી ઉત્પન્ન થતા ધનકચરાનો નિકાલ સોખડા ગામના સર્વે નં. ૧૦ તથા ૧૧ ની કુલ-૧૭ એકર જેટલી જમીનમાં નિકાલ કરવામાં આવતો હતો. મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજનાં રોજ આ સાઈટની મુલાકાત લીધી હતી. આ સાઈટ પર એકત્ર થયેલ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે હાલમાં ચાલી રહેલી કામગીરી નિહાળતા મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આગામી બે માસ જેવા સમયમાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.
તેમણે વધુમાં એમ જણાવ્યું હતું કે, સોખડા ડમ્પિંગ સાઈટ પર અંદાજે ૧,૫૦,૦૦૦ M.T. (મેટ્રિક ટન) જેટલો વેસ્ટ ખુલ્લામાં પડેલ હતો. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ – ૨૦૧૬ની જોગવાઈ મુજબ જૂની ડમ્પિંગ સાઈટને સાઈન્ટીફીકલી ક્લોઝ કરવી જરૂરી છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામે ટેન્ડર તૈયાર કરી એજન્સી (ડેટોક્ષ કોર્પોરેશન પ્રા. લી. – સુરત )ની નિમણુંક કરવામાં આવેલ. આ કામની કુલ અંદાજીત કિમંત રૂ. ૮.૫૦ કરોડ જેટલી થાય છે. હાલ આ કામગીરી પૂર્ણ થવામાં છે. આ કામગીરીથી સોખડા ડમ્પ સાઈટ પર પ્રદુષણ ફેલાતું અટકશે, તેમજ રાજકોટ મહાનગરપાલિકાને અન્ય કામ માટે વધારાની ૧૦ એકર જેટલી જમીન ઉપલબ્ધ થશે.
તેમણે વિશેષ વાત કરતા કહ્યું કે, આશરે ૧૦ એકરમાં પથરાયેલા કચરાનો સાઈન્ટીફીકલી નિકાલ થતા આ જગ્યા પર નવી માટી પાથરવામાં આવશે. આ ઉપરાંત ચોક્કસ જગ્યામાં હરિયાળી ઉભી કરવા વિવિધ પ્રકારના છોડ વાવવામાં આવશે. મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીની સાઈટ વિઝિટ દરમ્યાન ડે. કમિશનરશ્રી ચેતન ગણાત્રા, વિજીલન્સ ઓફિસરશ્રી આર. બી. ઝાલા, ડે. એન્જિનિયરશ્રી અંબેશ દવે અને સાઈટ એન્જીનીયરશ્રી રાજેશ ભાલોડીયા વગેરે હાજર રહયા હતાં.