વેરા બિલમાં નામ ટ્રાન્સફર ફી માં તોતિંગ વધારો ઝીંકાયો
રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં નામ ટ્રાન્સફર અને નળ કનેક્શનમાં નામ ટ્રાન્સફરનો ચાર્જ રૂ. પાંચ થી વધારી રૂ. 500 થી લઈ 10,000 કરાયો: લેઈટ ફીની પણ જોગવાઈનો ઉમેરો
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આજે રજૂ કરેલા વર્ષ: 2024 -2025ના ડ્રાફ્ટ બજેટમાં મિલકત વેરામાં નામ ટ્રાન્સફર ચાર્જ અને અનલિંક નળ કનેક્શનમાં નામ ટ્રાન્સફર ચાર્જમાં તોતિંગ વધારો કરવાનું દરખાસ્ત કરી છે. આ ઉપરાંત લેઇટ ફીની પણ જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે.
હાલ રહેણાંક હેતુની મિલકતમાં નામ ટ્રાન્સફર માટે રૂપિયા પાંચ ફી વસૂલવામાં આવે છે અને ડિપોઝિટ રૂપિયા 250 વસૂલ કરવામાં આવે છે. દરમિયાન હવે 50 ચોરસ મીટર સુધીની મિલકતમાં નામ ફેર કરવા માટે રૂ. 500,50 થી 100 ચોરસ મીટરની મિલકતમાં નામ ટ્રાન્સફરના રૂ. 750,100 થી 200 ચોરસ મીટરની મિલકતમાં નામ ટ્રાન્સફરના રૂ. 1000, 200 થી 400 ચોરસ મીટરની મિલકતમાં નામ ટ્રાન્સફરના રૂ.1250 ,400 થી 500 ચોરસ મીટર સુધીની મિલકતમાં નામ ટ્રાન્સફરના રૂપિયા 2500 અને 500થી વધુ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી રહેણાંક હેતુની મિલકત વેરા બીલમાં નામ ટ્રાન્સફર કરાવવાના રૂ. 3000 કરવા સૂચવવામાં આવ્યું છે.
જ્યારે બિન રહેણાંક હેતુમાં પણ હાલ પ્રતિ નામ ફેરના રૂપિયા પાંચ અને ડિપોઝિટ રૂપિયા 250 એમ કુલ મળીને રૂપિયા 255 વસૂલ કરવામાં આવે છે.જેમાં હવે પછી 50 ચોરસ મીટરની મિલકતમાં રૂ. 1 હજાર, 50 થી 100 ચોરસ મીટરમાં રૂ. 1500, 100 થી 200 ચોરસ મીટરમાં રૂપિયા 2000, 200થી 400 ચોરસ મીટરમાં રૂ.5000,400થી 500 ચોરસ મીટરના ₹7,000 અને 500થી વધુ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી બિન રહેણાંક મિલકતોમાં વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરાવવાનો ચાર્જ રૂપિયા 10,000 કરવામાં સૂચવવામાં આવ્યું છે.90 દિવસ સુધીમાં નામ ટ્રાન્સફર કરાવવામાં આવે તો લેઇટ ફીનો કોઈ ચાર્જ રહેશે નહીં.મિલકતની ખરીદ વેચાણના 90 દિવસ પછી જો મિલકત વેરાના બિલમાં નામ ટ્રાન્સફર કરાવવું હશે તો રૂપિયા 2000 લેટ ફી ચૂકવવી પડશે.આ ઉપરાંત અનલિંક નળ કનેક્શનમાં પણ નામ ટ્રાન્સફર ના ચાર્જમાં વધારો સૂચવવામાં આવ્યો છે
હાલ રહેણાંક હેતુના અનલિંક નળ કનેક્શનમાં નામ ટ્રાન્સફર માટે રૂપિયા પાંચ પ્રતિ નામ ફેર અને ડિપોઝિટના રૂપિયા 250 એમ વસૂલ કરવામાં આવે છે.જેમાં દસ્તાવેજના 90 દિવસ ની અંદર નામ ટ્રાન્સફર કરાવવામાં આવે તો રૂપિયા 250 નામ ફેરના વસૂલવા અને દસ્તાવેજના 90 દિવસ પછી નામ ટ્રાન્સફર કરાવવામાં આવે તો પ્રતિ નામ ફેર રૂપિયા 1000 વસૂલવાનું સૂચવવામાં આવ્યું છે. જ્યારે બિન રહેણાંક હેતુની અનલિંક નળ જોડાણ કનેક્શનમાં વેરાબીલમાં નામ ફેરના હાલ ₹5 અને ડિપોઝિટના રૂપિયા 250 વસૂલ કરવામાં આવે છે જેમાં વધારો કરવાનું સૂચવવામાં આવ્યું છે હવે રૂપિયા 500 પ્રતિ નામ ફેર અને દસ્તાવેજના 90 દિવસ પછી જો નામ ફેર માટે અરજી આવે તો ₹2,000 વસૂલવાનું મંજૂર કરવા બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે.
બિલ્ડીંગ પ્લાન મંજૂર કરાવવા હવે વોટર રિચાર્જ ગ્રે વોટર અને વ્હીકલ લીફ્ટ ડિપોઝીટ ભરવી પડશે
નિયમોનું પાલન કરનારને બે વર્ષમાં ડિપોઝીટ પરત કરી દેવાશે
મ્યુનિ.કમિશનર દ્વારા આજે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં બિલ્ડીંગ પ્લાન મંજૂર કરાવનારે હવે વોટર રિચાર્જ ડિપોઝીટ, ગ્રે વોટર ડિપોઝીટ અને વ્હીકલ લીફ્ટ ડિપોઝીટ ભરપાઇ કરવી પડશે. જેમાં 800 ફૂટથી લઇ 10,000 ફૂટ સુધીના બાંધકામમાં પ્રતિ યુનિટ રૂ.1000, 100 થી 200 ચોરસ મીટરમાં પ્રતિ યુનિટ રૂ.2000, 200 થી 300 ચોરસ મીટરમાં પ્રતિ યુનિટ રૂ.3000, 300થી લઇ 400 ચોરસ મીટરમાં પ્રતિ યુનિટ રૂ.4000, 400 થી 500 ચોરસ મીટરમાં પ્રતિ યુનિટમાં રૂ.5000 અને 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા બિલ્ડીંગમાં પ્લાન પાસ કરાવતી વેળાએ વોટર રિચાર્જ ડિપોઝીટ પેટે રૂ.10,000 લેવામાં આવશે.
નિયમોનું પાલન કરનારને કમ્પ્લીશનના એક વર્ષ પછી રૂ.50 ટકા અને બે વર્ષ પછી બાકી રહેતા 50 ટકા રકમ પરત આપવામાં આવશે. જો બે વર્ષમાં કમ્પ્લીશન લેવામાં નહિં લેવામાં આવ્યું હોય તો ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રે વોટર ડિપોઝીટની પણ જોગવાઇ કરવામાં આવી છે. જેમાં 5,000 થી 10,000 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા બિલ્ડીંગ એરિયામાં પ્રતિ યુનિટ રૂ.50,000 અને 10,000 ચોરસ મીટરથી વધુનું ક્ષેત્રફળ ધરાવતા બિલ્ડીંગ એરિયા પાસેથી પ્રતિ યુનિટ રૂ.1,00,000 ડિપોઝીટ વસૂલ કરવામાં આવશે. જે કમ્પ્લીશન મળ્યાના બે વર્ષમાં પરત કરવામાં આવશે. આ ઉપરાંત વ્હીકલ લીફ્ટ ડિપોઝીટમાં પણ પ્રતિ યુનિટ રૂ.1,00,000 વસૂલવાનું સૂચવવામાં આવ્યું છે.
પ્રદૂષણ ઓકતી ડીઝલ સિટી બસ ટૂંક સમયમાં બંધ: 100 સીએનજી બસ દોડશે
ઇ-બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સીએનજી બસ માટે પંપ બનાવવાની પણ બજેટમાં જાહેરાત
પ્રદૂષણ ઓકતી ડિઝલ સંચાલિત સિટી બસ ટૂંક સમયમાં રાજકોટના રાજમાર્ગો પર દેખાતી બંધ થઇ જશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને 175 ઇલેક્ટ્રીક બસ ફાળવવામાં આવશે. જે પૈકી 50 ઇલેક્ટ્રીક બસ છેલ્લા દોઢ વર્ષથી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે 100 ઇલેક્ટ્રીક બસની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જે પૈકીની 25 બસની ફાળવણી કરી દેવામાં આવી છે અને 75 બસ ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. આ ઉપરાંત પરિવહનની સેવાને વધુ મજબૂત બનાવવા માટે 100 સીએનજી બસની ખરીદી કરવામાં આવશે.
નવા નાણાકીય વર્ષમાં રાજકોટના રાજમાર્ગો પર 100 સીએનજી બસ દોડતી થઇ જાય તેવું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઇ-બસ સેવા અંતર્ગત રાજકોટને વધુ 100 ઇલેક્ટ્રીક બસ ફાળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય જેના ચાર્જિંગ માટે સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની બાજુમાં ચાર્જિંગ સ્ટેશન અને ડેપો બનાવવામાં આવશે. આ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે 100 સીએનજી બસ માટે 8 કરોડના ખર્ચે ડેપો બનાવવામાં આવશે.
કોટેચા ચોકથી એસએનકે સુધીનો રોડ પહોળો કરાશે
હયાત 20 મીટરના રોડને 24 મીટરનો કરવા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરાશે
રાજકોટમાં ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વિવિધ રાજમાર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે. શહેરના કોટેચા ચોકથી એસએનકે સ્કૂલ સુધીના યુનિવર્સિટી રોડને પહોળાઇ 20 મીટરથી વધારી 24 મીટર સુધીની કરવામાં આવશે. આ માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવશે. હાલ કેકેવી હોલથી મોટા મવા સ્મશાન સુધીનો ગૌરવ પથ કાલાવડ રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ મોટા મવા સ્મશાનથી ન્યારી ડેમ એપ્રોચ રોડ સુધીના રસ્તાને 30 મીટરમાંથી વધારી 45 મીટર સુધી પહોળો કરવા માટે સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ટૂંક સમયમાં અમલવારી કરવામાં આવશે. જંક્શન રોડ, ત્રિકોણ બાગથી માલવીયા ચોક સુધીનો રસ્તો પણ પહોળો કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.
ટેક્સની આવકમાંથી હવે પગાર ખર્ચ પણ નહીં નિકળે
ટેક્સ બ્રાન્ચને રૂ.426 કરોડનો લક્ષ્યાંક: જમીન વેંચાણનો 450 કરોડ અને એફએસઆઇનો 175 કરોડનો ટાર્ગેટ
કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી એકમાત્ર આવક ટેક્સની રહી છે. ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે. જેની સામે આવકમાં વધારો થતો નથી. હવે એવા દિવસોમાં આવ્યા છે કે ટેક્સની આવકમાંથી કોર્પોરેશનના કર્મચારીઓનો પગાર ખર્ચ પણ નીકળે તેમ નથી. બજેટ અને વિકાસ સંપૂર્ણપણે ગ્રાન્ટ પર નિર્ભર છે. નવા નાણાકીય વર્ષમાં ટેક્સ બ્રાન્ચને રૂ.426.27 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે પગારનો ખર્ચ રૂ.462 કરોડે પહોંચી જશે. રાજ્ય સરકાર દ્વારા જમીન વેંચવાની મંજૂરી આપવામાં આવતી નથી. છતાં બજેટમાં આવક-જાવકના ટાંગામેળ કરવા જમીન વેંચાણનો ટાર્ગેટ રૂ.450 કરોડ રાખવામાં આવ્યો છે. જ્યારે એફએસઆઇ વેંચાણથી થતી આવકનો ટાર્ગેટ 175 કરોડ અને હોર્ડિંગ્સ બોર્ડથી થનારી આવકનો લક્ષ્યાંક 11.50 કરોડ રાખવામાં આવ્યો છે.
રસ્તા કામ માટે રૂ.312.18 કરોડની ફાળવણી
પેડક રોડને અમદાવાદના સીજી રોડની માફક ડેવલપ કરાશે
કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં સંર્વાંગી વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનના જુદા-જુદા વિસ્તારોમાં મેટલીંગ રસ્તા, કાર્પેટ, રિ-કાર્પેટ, ડિઝાઇન રસ્તા, સિમેન્ટ-ક્રોકીંટ માટે રૂ.312.18ની માતબર જોગવાઇ કરવામાં આવી છે. વોર્ડ નં.15માં અમૂલ સર્કલથી નેશનલ હાઇવે સુધીનો 80 ફૂટનો રોડને ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.4માં ભગવતીપરા મેઇન રોડ અને વોર્ડ નં.12માં વાવડીથી ગોંડલ રોડ કીચ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારને લાગૂ મુખ્ય વિસ્તારને ડેવલપ કરવાના કામનો સમાવેશ થાય છે.
પેડક રોડને ગૌરવ પથ-2 અન્વયે ડેવલપ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બે કિલોમીટરના રસ્તાને શહેરીવિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન મુજબ અમદાવાદના સીજી રોડની ડિઝાઇન મુજબ ડેવલપ કરવાનું આયોજન છે. જેમાં રોડની બંને બાજુ ફૂટપાથ, પાર્કિંગની સુવિધા માટે જગ્યા એકબીજામાં મર્જ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બંને બાજુ 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવશે. કમ્પ્લીટ સ્ટ્રીટ તરીકે સેન્ટ્રલ ઝોનમાં પેડક રોડ તથા ભક્તિનગર સર્કલથી જલારામ ચોક સુધીના રસ્તાને લોકોની સુખાકારી તથા હરવા-ફરવાની સુંગમતાને ધ્યાનમાં રાખી ખાસ ડિઝાઇન કરવામાં આવશે. આ કામ માટે રૂ.23.30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વોર્ડ નં.3 અને 17માં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે: ત્રણેય ઝોનમાં યોગા સ્ટુડીયો
વોર્ડ નં.3માં માધાપર વિસ્તારમાં જ્યારે વોર્ડ નં.17માં પારડી રોડ પર સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની બજેટમાં જાહેરાત
શહેરના વોર્ડ નં.12માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું અને 1200 લોકોની ક્ષમતાવાળુ સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવી રહ્યું છે. જેનું કામ હાલ પૂર્ણતાના આરે છે. શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં અંદાજે 14 કરોડના ખર્ચે વોર્ડ નં.17માં પારડી રોડ પર સ્પોર્ટ્સ સંકુલ ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોર્ડ નં.3માં માધાપર વિસ્તારમાં પણ દોઢ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની ઘોષણા બજેટમાં કરાવવામાં આવી છે.
આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ત્રણેય ઝોનમાં એક-એક યોગ સ્ટુડીયો બનાવવાનું પણ આયોજન કરાયું છે. જેમાં યોગાના કોચનું માર્ગદર્શન આપવામાં આવશે તથા યોગને અનુરૂપ તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્ષમાં ઇસ્ટ ઝોનમાં નવી લાયબ્રેરી ખાતે અને વેસ્ટ ઝોન ખાતે નિર્માણાધીન સ્પોર્ટ્સ સંકુલમાં આધુનિક યોગ સ્ટુડીયો બનાવવા માટે રૂ.1.11 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રેસકોર્ષ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમમાં નવી લાઇટીંગ નાંખવામાં આવશે.
આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફરી બજેટમાં દેખાયો
વર્ષોથી કોર્પોરેશન દ્વારા બજેટમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવે છે પરંતુ તે સાકાર થતો નથી. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ 11.10 કિ.મી.ની લંબાઇનું નક્કી કરવામાં આવ્યું હતું. સરકારમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયા બાદ રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ.187 કરોડની ગ્રાન્ટ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. રામનાથ મંદિરનું ર્જીણોધ્ધારનું કામ હાથ ધરવામાં આવશે. ચોમાસાની ઋતુમાં ગંદા પાણીથી મહાદેવનો અભિષેક થતા અટકાવવા માટે ઘાટનું નિર્માણ કરવામાં આવશે. રામનાથ મહાદેવ મંદિરની ઉત્તર તથા દક્ષિણની એમ બંને બાજુ 500-500 મીટર મળી કુલ 1.1 કિ.મી.ની લંબાઇમાં આ કામને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત બ્યૂટીફિકેશનનું કામ પણ શરૂ કરવામાં આવશે.
વફાદાર કરદાતાઓ માટે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ
નિયમિત વેરો ભરી શહેરના વિકાસમાં સહભાગી થતા વફાદાર કરદાતાઓ માટે કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટની બજેટમાં ઘોષણા કરવામાં આવી છે. જેમાં એડવાન્સ ટેક્સ ભરતા કરદાતાઓને 10 ટકાથી લઇ 22 ટકા સુધીનું વળતર આપવામાં આવશે. જૂન માસમાં આ વળતરની ટકાવારી 5 થી 17 ટકા થઇ જશે. દરમિયાન ડિજિટલ પેમેન્ટ કરનારાઓને પણ ઓછામાં ઓછું 50 રૂપિયા અને વધુમાં વધુ 250 રૂપિયા વળતર આપવામાં આવશે. આજ સુધીમાં ચાલુ વર્ષે 2,22060 કરદાતાઓએ ઓનલાઇન વેરો ભર્યો છે. દરમિયાન સતત ત્રણ વર્ષથી નિયમિત એડવાન્સ ટેક્સ ભરતા કરદાતાઓને અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેમાં વેરા વળતર યોજના અંતર્ગત મળતું ડિસ્કાઉન્ટ ઉપરાંત વધારાનું 1 ટકો ડિસ્કાઉન્ટ મળશે.
ધારાસભ્યોની ગ્રાન્ટના કામોના મોનિટરીંગ માટે ઇનહાઉસ કોમ્પ્યૂટર રાઇઝ્ડ મોડ્યુલ તૈયાર કરાશે
નવા નાણાકીય વર્ષમાં ધારાસભ્યોની ગ્રાન્ટના કામોના મોનિટરીંગ માટે કોર્પોરેશન દ્વારા એક ઇનહાઉસ કોમ્પ્યૂટર રાઇઝ્ડ મોડ્યુલ તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું ઇનહાઉસ કોમ્પ્યુટરાઇઝડ મોડયુલ આઇ.ટી વિભાગ દ્વારા ડેવલપ કરાવી તેની વર્ષ 2024-25માં અમલવારી કરવાનું આયોજન કરવામાં આવનાર છે. આ મોડ્યુલની અમલવારી કરવાથી નીચે મુજબના વહીવટી લાભો થશે.
ધારાસભ્યોના ગ્રાન્ટના કામોનું મોનીટરીંગ વધુ સુદ્રઢ રીતે થઇ શકશે. ધારાસભ્ય દ્વારા કામોનું સ્ટેટસ, સુચવેલ કામો કયા સ્ટેજે છે તે સરળતાથી જોઇ શકાશે. ધારાસભ્યો દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ, વહીવટી મંજુરી આપેલ ગ્રાન્ટ, બચત રકમ વિગેરે હિસાબી બાબતો અંગેની વિગતો વધુ ચોકસાઇ પુર્વક અને ક્ષતિરહિત રીતે મેળવી શકાશે તેમજ જરૂરીયાત મુજબના રીપોર્ટસ સરળતાથી મળી રહેશે.