કટારિયા ચોકડીએ આઇકોનિક બ્રિજનું નિર્માણ કરાશે
પીડીએમ ફાટક પાસે અન્ડરબ્રિજ, વોર્ડ નં.18માં કોઠારિયા સ્મશાન પાસે ખોખડદળ નદી પર સ્પ્લીટ બ્રિજ અને સ્માર્ટ સિટીને જોડતા રૈયા રોડ પર ફોરલેન બ્રિજ બનાવવાનું આયોજન: 92.45 કરોડની જોગવાઇ
મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા આજે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં શહેરના કાલાવડ રોડ પર સતત ટ્રાફિકથી ધમધમતા અને ન્યૂ રાજકોટના મુખ્ય પ્રવેશ દ્વાર સમા કટારિયા સર્કલ ખાતે નવો આઇકોનિક બ્રિજ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. આ માટે ટ્રાફિક સર્વે તથા પ્રિફીઝીબિલીટી રિપોર્ટની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ટૂંક સમયમાં બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.
આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલએ જણાવ્યું હતું કે કોઇપણ મહાનગરમાં ટ્રાફિકના સુચારૂં આયોજન માટે બ્રિજ એક મહત્વપૂર્ણનું પરિબળ હોય છે. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં પાંચ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંઢીયા બ્રિજની કામગીરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છે.
પીડીએમ ફાટક ઉપર રેલવે અન્ડરબ્રિજ બનાવવા માટે ડીઝાઇન ફાઇનલ કરવામાં આવી છે અને સરકારની મંજૂરી મળ્યે આ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં પણ આ પરંપરાને આગળ વધારતા વર્ષ-2024-2025ના બજેટમાં કાલાવડ રોડ પર કટારિયા ચોકડી ખાતે આઇકોનિક બ્રિજ બનાવવાનું આયોજન રાખવામાં આવ્યું છે. જેના માટે ટ્રાફિક સર્વે અને પ્રિફીઝીબીલીટીની રિપોર્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રૈયા ટેલીફોન એક્ષચેન્જ માટે પણ પ્રિફીઝીબીલીટી રિપોર્ટ અને ટ્રાફિકની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અહિં પણ બ્રિજ બનાવવાનું આયોજન છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત ચાલુ વર્ષે શહેરના વોર્ડ નં.18માં કોઠારિયા સ્મશાન પાસે ખોખડદળ નદી પર સ્પિટ બ્રિજ તથા વોર્ડ નં.1માં રૈયા રોડ પર સ્માર્ટ સિટીને જોડતા રસ્તા પર ફોરલેન બ્રિજ બનાવવાનું પ્લાનિંગ છે. ગોંડલ રોડ પર રાજકમલ ફાટક પાસે રેલવે બ્રિજ બનાવવા માટે ટૂંક સમયમાં પ્રિફીઝીબીલીટી રિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રિજના કામો માટે નવા નાણાકીય વર્ષના બજેટમાં રૂ.92.45 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વોંકળા પર વર્ષો જૂના કલવર્ટના કામો માટે રૂ.31.58 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.18માં કોઠારિયા મેઇન રોડ રણુજા મંદિર પાસે સ્લેબ કલવર્ટ બનાવાશે. વોર્ડ નં.2માં ભોમેશ્ર્વર ફાટક પાસે હયાત સ્લેબ કલવર્ટનું વાઇડીંગ કરાશે. વોર્ડ નં.7માં મનહર પ્લોટમાં કલવર્ટ બનાવાશે. વોર્ડ નં.3માં પોપટપરા જેલ પાસે તથા વાલ્મિકી આવાસ પાસે નાલાનું કામ હાથ ધરાશે. વોર્ડ નં.15માં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં જુનું નાલું દૂર કરી નવું નાલું બનાવવામાં આવશે. જ્યારે વોર્ડ નં.7માં સર્વેશ્ર્વર ચોક વોંકળાનો સ્લેબ હટાવી ત્યાં નવો સ્લેબ બનાવવામાં આવશે.
રીંગ રોડ-2નું કામ પુરૂં કરવા માતબર રૂ.150 કરોડની જોગવાઇ
કોર્પોરેશનની હદ સિવાયના એરિયામાંથી પસાર થતા રીંગ રોડ-2ના વિકાસ માટે રૂડા સાથે સંયુક્ત એસપીવી બનાવી પ્રોજેક્ટ આગળ ધપાવાશે
રાજકોટનો વિકાસ અને વસતી સતત વધી રહ્યા છે. મેટ્રો સિટીની માફક રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં ટ્રાફિકનો ભારણ ઘટાડવા માટે રીંગ રોડ-2નું કામ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે બજેટમાં રૂ.150 કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એમ બંનેની હદમાં આવતા ઘંટેશ્ર્વરથી કાલાવડ રોડ અને કાલાવડ રોડથી ગોંડલ ચોકડી નેશનલ હાઇવે તેમજ નેશનલ હાઇવેથી ભાવનગર રોડ તથા માલિયાસણ પાસે કુવાડવા રોડને જોડતા અંદાજિત કુલ 41.08 કિલોમીટરના રીંગ રોડ-2 પૈકી 29.10 કિ.મી. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા અને 2.50 કિ.મી.નો રોડ સ્માર્ટ સિટી દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે. મહાપાલિકાની હદમાં વેસ્ટ ઝોન વિસ્તારમાં આવતા આ રસ્તાને ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ કામ માટે સરકારની સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત રોડને ડેવલપ કરવા માટે 2024-2025ના વર્ષમાં 150 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સીઆરઆઇએફ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેવી અપેક્ષાએ માતબર જોગવાઇ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની હદ સિવાયના એરિયામાંથી પસાર થતા રીંગ રોડ-2ના વિકાસ માટે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) સાથે સંયુક્ત રીતે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (એસપીવી) બનાવી પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રીંગ રોડ-2નું કામ જો આ વર્ષે પુરૂં થઇ જશે તો રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મહદ્અંશે હલ થઇ જાય તેવા પણ ઉજાળા સંજોગો દેખાઇ રહ્યા છે.
બગીચામાં પુસ્તકાલય: ગ્રીન લાયબ્રેરીનો નવો વિચાર
વોર્ડ નં.12માં વાવડી વિસ્તારના બગીચામાં નવી આધુનિક ગ્રીન લાયબ્રેરીનું નિર્માણ કરાશે
રાજકોટવાસીઓની વાંચન ભૂખ સંતોષાય તે માટે કોર્પોરેશન દ્વારા પુસ્તકાલયો બનાવવામાં આવી રહ્યા છે. બજેટમાં એક નવો જ વિચાર મુકવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં.12માં વાવડી વિસ્તારમાં બગીચા હેતુના પ્લોટમાં બગીચાની સાથે નવી આધુનિક ગ્રીન લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે. આ માટે બજેટમાં રૂ.1 કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે શહેરીજનોને વાંચન માટે વધુને વધુ સુવિધા પ્રાપ્ત થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે વોર્ડ નં.6માં ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે અને વોર્ડ નં.7માં કરણપરા ચોક પાસે આધુનિક લાયબ્રેરીનું કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. જે ટૂંક સમયમાં શહેરીજનો માટે ખૂલ્લી મુકવામાં આવશે.
આ ઉપરાંત ઝુંપડાપટ્ટીમાં પુસ્તકાલયોનું નિર્માણ કરી બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. રાજકોટના સ્લમ વિસ્તારોમાં શિક્ષણ પોકેટ્સ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ માટે લાયબ્રેરી બનાવવાની જરૂરિયાત છે. જરૂર પડ્યે એનજીઓની પણ મદદ લેવામાં આવશે. સ્લમ વિસ્તારોમાં લાયબ્રેરી બનાવવા માટે રૂ.5 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
280 આંગણવાડીમાં વુડન રમકડાં અને 100 પ્રાથમિક શાળાઓમાં બાળ સાહિત્યની સુવિધા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 180 આંગણવાડીઓમાં બાળકોને મોન્ટેસરી એજ્યુકેશન માટે વુડન રમકર્ડા મળી રહે તે આશ્રય સાથે બજેટમાં 28 લાખની જોગવાઇ કરવામાં આવી છે. એક લાયબ્રેરીમાં અંદાજે 10,000ના વુડનના રમકડાં મૂકવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાં અંદાજે 35,000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેઓને ઉત્તમ બાળ સાહિત્ય પુરૂં પાડવા માટે બજેટમાં 10 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
25 કરોડના ખર્ચે રાજકોટમાં લાગશે વધુ 750 સીસીટીવી કેમેરા
કોર્પોરેશનના 104 અનામત પ્લોટ, 127 રાજમાર્ગો પર 106 લોકેશન, રામવન અને સેન્ટ્રલ ઝોન કચેરી સહિતની જગ્યાઓ પર રખાશે બાજ નજર
હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં 1000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના થકી જાહેરમાં કચરો ફેંકતા, રોડ પર રહેલો કચરો સળગાવનાર, જાહેરમાં રખડતા પશુઓને છોડી મુકનાર અને દબાણ કરનારને નજર રાખવામાં આવી રહી છે. હવે આગામી દિવસોમાં 25 કરોડના ખર્ચે શહેરમાં વધુ 750 સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. કોર્પોરેશનના 104 અનામત પ્લોટને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત શહેરના 127 રાજમાર્ગો પૈકી 106 લોકેશનનો પણ આમા સમાવેશ થશે. રામવન અર્બન ફોરેસ્ટ, કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી, જુદા-જુદા ફિલ્ટર પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન, કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અને ટ્રાફિક નિયમન માટે 10 સ્થળોએ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.
એ.આઇ. સિસ્ટમથી રોડનું મોનિટરીંગ કરાશે
સમયની સાથે રાજકોટ મહાનગરપાલિકા હંમેશા તાલ મીલાવે છે. શહેરીજનોની સુવિધા માટે રોડ ઇન્ફ્રસ્ટ્રક્ચર સુદ્રઢ હોવું ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડનું એ.આઇ. આધારિત રોડ મોનીટરીંગ થઇ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે. એ.આઇ. આધારીત રોડ મોનિટરીંગ સીસ્ટમમાં રોડની કંડીશન ઓટોમેટીક વિડીયો એનાલીટીક્સ વડે નક્કી થશે અને તે મુજબ રોડની હાલની સ્થિતિ અને રીપેરીંગ અંગે નિર્ણય લેવામાં મદદરૂપ થશે.
સ્માર્ટ સિટી એરિયામાં બનાવાશે શહીદ પાર્ક
વોર્ડ નં.12માં સ્મોન્ઝ સિટી પ્રોજેક્ટ પણ મૂકાયો
શહેરના સ્માર્ટ સિટી એરિયામાં ગુજરાતના દેશભક્તો અને શહીદોને સમર્પિત એક શહીદ પાર્ક બનાવવાની ઘોષણા પણ આજે બજેટમાં કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે 5 કરોડની જોગવાઇ કરાઇ છે. શહેરીજનો તથા વિદ્યાર્થીઓ ગુજરાત સહિત દેશના ઇતિહાસ વિશે માહિતગાર થાય અને સૌરાષ્ટ્રના તમામ નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવાંજલિ અર્પી શકે તે માટે પાર્ક બનાવવામાં આવશે. જેમાં ગુજરાતના નાયકોની વસ્તુઓ, ઇતિહાસ દર્શાવતી ગેલેરી, સંગ્રાલય, શહીદોની દિવાલ સાથે સ્મારક હોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માટે એક એમ્ફી થિયેટર બનાવવામાં આવશે.
આ ઉપરાંત વોર્ડ નં.12માં ગાર્ડન હેતુના પ્લોટમાં સ્મોન્ઝ સિટી ક્ધસેપ્ટ અંતર્ગત વરસાદી પાણી રોકી તેને જમીનમાં ઉતારવા માટે જળ સંચય કરી સ્મોન્ઝ ગાર્ડન બનાવવા માટે રૂ.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.