લાંબા સમયથી બિમારીથી પિડાતા આર.કે.ધવને બી.એલ.કપુર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા: ઈમરજન્સી સમયે ઈન્દિરા ગાંધીના આંખ અને કાન માનવામાં આવતા હતા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજેન્દ્રકુમાર ધવન (આર.કે.ધવન)નું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના અંગત સચિવ હતા અને એક સમયે તેમણે ભારતના સૌથી શક્તિશાળી લોકો પૈકી એક માનવામાં આવતા હતા. આર.કે.ધવનને દિવંગત ઈન્દિરા ગાંધીના આંખ અને કાન ગણવામાં આવતા હતા.
ગઈકાલે આર.કે.ધવને ડી.એલ.કપુર હોસ્પિટલ ખાતે સાંજે ૭ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. ધવનના નિધન અંગે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દુ:ખ વ્યકત કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર.કે.ધવન ઈન્દિરા ગાંધીની હત્યાના પ્રત્યેક્ષદર્શી હતા. ઈમરજન્સી દરમિયાન તેઓ સત્તાના મહત્વના અંગો પૈકી એક બનીને ઉભર્યા હતા. તે સમયે તંત્રની નિયુક્તિમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળતો હતો. અલબત ઈન્દિરા ગાંધીના અવસાન બાદ રાજીવ ગાંધીને ધવન પર ભરોસો નહોતો તેવું ચર્ચાતુ હતું. માટે તેમને તમામ મહત્વના પદ પરી હટાવી દેવાયા હતા.
ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સીનો આર.કે.ધવને હમેશા બચાવ કર્યો હતો. તેમણે ઈન્દિરા ગાંધીનો બચાવ કરતા કહ્યું હતું કે, ઈતિહાસે તેમની સાથે ન્યાય નથી કર્યો તેઓ ઈમરજન્સી દરમિયાન થયેલા અન્યાય માટે સંજય ગાંધીની દોષી ઠેરવતા હતા. ધવને ૭૪ વર્ષની ઉંમરમાં અચલા મોહન સાથે લગ્ન કર્યા હતા.