જેતપુરના દેવકી ગલોલમાં અનરાધાર ૮ ઈંચ અને રાજકોટના શાપરમાં ૭ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ
કોડીનારમાં ૮, વડીયામાં ૭ ઈંચ, રાજુલા, ઉના, ભેંસાણ, બગસરામાં ૬ ઈંચ, જુનાગઢ, વંથલી, સાવરકુંડલામાં ૫ ઈંચ વરસાદ
ગુજરાત પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે વરૂણદેવ સોરાષ્ટ્ર પર રીઝયા હતા. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રભરમાં ૧ થી લઈ અનરાધાર ૮ ઈંચ સુધી વરસાદ વરસી જતા ખેડુતોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓ પર અંતે વરૂણદેવે મહેર ઉતારી છે. જેતપુરના દેવકી ગલોલ ગામમાં ૮ કલાકમાં મુશળધાર ૮ ઈંચ અને રાજકોટના શાપરમાં ૭ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. જુનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જીલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી ઝરમર વરસાદ ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રાજકોટ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ જિલ્લામાં ગઈકાલે અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેતપુરના દેવકી ગલોલ ગામે ૮ કલાકમાં ૮ ઈંચ જેટલો વરસાદ વરસી જતા ગામ રીતસર બેટમાં ફેરવાઈ ગયું છે. રાજકોટના શાપરમાં પણ મુશળધાર ૭ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ધોરાજી તાલુકામાં ૭૦ મીમી, ગોંડલમાં ૨૮ મીમી, જામકંડોરણામાં ૪૬ મીમી, જસદણમાં ૭૭ મીમી, જેતપુરમાં ૭૦ મીમી, કોટડાસાંગાણીમાં ૫૦ મીમી, લોધીકામાં ૧૩૮ મીમી, ઉપલેટામાં ૬૫ મીમી અને વિંછીયામાં ૮ મીમી વરસાદ વરસ્યો હતો.
પોરબંદર
પોરબંદર જિલ્લામાં પણ ગઈકાલે વરૂણદેવે કૃપા વરસાવી હતી. કુતિયાણામાં તાલુકામાં ૪૩ મીમી, પોરબંદરમાં ૧૫ મીમી અને રાણાવાવમાં ૨૩ મીમી વરસાદ વરસી જતા ખેડુતોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. જગતાત હોંશભેર વાવણીકાર્યમાં પોરવાય ગયા છે.
જુનાગઢ
સોરઠ પંથકમાં ગુરુવારે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ૧ થી લઈ ૬ ઈંચ સુધી વરસાદ વરસી જતા લોકોમાં ભારે ખુશાલી વ્યાપી ગઈ છે. જિલ્લાના ભેંસાણમાં ૧૫૨ મીમી, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૧૧૭ મીમી, કેશોદમાં ૨૬ મીમી, માળીયા હાટીનામાં ૨૧ મીમી, માણાવદરમાં ૮૨ મીમી, માંગરોળમાં ૧૨ મીમી, મેંદરડામાં ૮૨ મીમી, વંથલીમાં ૧૧૨ મીમી અને વિસાવદરમાં ૫૭ મીમી વરસાદ વરસ્યો છે.
ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ગીર-ગઢડા તાલુકામાં ૧૧૪ મીમી, કોડીનારમાં ૧૯૫ મીમી, સુત્રાપાડામાં ૫૮ મીમી, તાલાલામાં ૯૫ મીમી, ઉનામાં ૧૪૩ મીમી અને વેરાવળમાં ૩૪ મીમી વરસાદ વરસ્યો છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં પણ ગુરુવારે શ્રીકાર વર્ષા થવા પામી હતી. અમરેલી શહેરમાં ૭૦ મીમી, બાબરામાં ૪૨ મીમી, બગસરામાં ૧૫૯ મીમી, ધારીમાં ૮૨ મીમી, જાફરાબાદમાં ૧૧૭ મીમી, ખાંભામાં ૯૭ મીમી, લાઠીમાં ૩૯ મીમી, લીલીયામાં ૫૫ મીમી, રાજુલામાં ૧૫૪ મીમી, સાવરકુંડલામાં ૧૧૪ મીમી અને વડીયામાં ૧૭૯ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં પણ હળવા ઝાપટાથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. જિલ્લાના ગારીયાધારમાં ૧૦ મીમી, ઘોઘામાં ૭ મીમી, જેસરમાં ૮૧ મીમી, મહુવામાં ૯૬ મીમી, પાલિતાણામાં ૨૪ મીમી, સિંહોરમાં ૬ મીમી, તળાજામાં ૧૨૦ મીમી અને વલ્લભીપુરમાં ૧૧ મીમી વરસાદ વરસયો હોવાનું નોંધાયું છે.
બોટાદ
બોટાદ જિલ્લામાં પણ ગુરુવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરમાં ૧૭ મીમી, બરવાળામાં ૩૬ મીમી, ગઢડામાં ૧૮ મીમી અને રાણપુરમાં ૧ મીમી વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે મેઘરાજાએ હેત વરસાવવામાં કરકસર દાખવી હતી. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં સૌરાષ્ટ્રમાં આજસુધી ૧૯.૫૯ ટકા વરસાદ વરસી ગયો છે.
સૌરાષ્ટ્રમાં કયાં કેટલો વરસાદ
કોડીનાર | ૮ ઈંચ |
વડીયા | ૭ ઈંચ |
રાજુલા | ૬ ઈંચ |
બગસરા | ૬ ઈંચ |
ઉના | ૬ ઈંચ |
ભેંસાણ | ૬ ઈંચ |
લોધીકા | ૬ ઈંચ |
તળાજા | ૫ ઈંચ |
સાવરકુંડલા | ૫ ઈંચ |
વંથલી | ૫ ઈંચ |
જુનાગઢ | ૫ ઈંચ |
ગીર-ગઢડા | ૫ ઈંચ |
તાલાલા | ૪ ઈંચ |
ખાંભા | ૪ ઈંચ |
મહુવા | ૪ ઈંચ |