દરિયામાં પ્રદુષણનું સ્તર અને મરીન સિસ્ટમ કેવી રીતે બદલાય છે તેનો આ ઓટોમેટેડ સિસ્ટમથી સચોટ અભ્યાસ કરાશે : સો કરોડના ઓટોમેટેડ ઓશન પ્રોલ્યુશન પ્રોજેકટ અંતર્ગત દરીયામાં પ્રદુષણ ઘટાડવા સરકારની કવાયત
મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નદી, નાલાઓની સાફ-સફાઈ કરવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. ત્યારે હવે દરિયાને પણ ઓટોમેટીક ચોખ્ખો કરવા સરકાર એપ્રિલ માસથી એક સિસ્ટમ લગાવશે.
ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસના ડાયરેકટર એસએસસી સેનોઈએ આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, ઘી ઓટોમેટેડ ઓસન પોલ્યુશન પ્રોજેકટ અંતર્ગત એપ્રિલ, ૨૦૧૮માં દરિયામાં એક સિસ્ટમ લગાવાશે. જેનાથી સમુદ્રમાં થતું પ્રદુષણનું સ્તર ઘટાડી શકાશે. આ પ્રોજેકટ અંતર્ગત રૂ.૧૦૦ કરોડનો ખર્ચ થશે. જણાવી દઈએ કે, ઈન્ડીયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસ- આઈએનસીઓઆઈએસએ અર્થ સાયન્સ મંત્રાલય હેઠળ કામ કરતી બોડી છે.
ડાયરેકટર સેનોઈએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે, નવી ઓસન ડેટા એકિવઝીશન સિસ્ટમ કે જેને ઓટોમેટેડ મુરીંગ્સ કહેવાય છે. આ સિસ્ટમથી ઓટોમેટીક એટલે કે આપમેળે દરિયો ચોખ્ખો થશે. અત્યાર સુધી એવું થતું હતું કે, દરિયામાંથી પાણી સેમ્પલ લેવાતું અને ત્યારબાદ તેના અભ્યાસ થકી ખબર પડતી કે દરિયામાં પ્રદુષણનું સ્તર કેટલું છે પરંતુ હવે આ સિસ્ટમથી ઓટોમેટીક પ્રદુષણ નિયંત્રિત થશે. ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારે કોઈ સિસ્ટમ લગાવાશે. જયારે અમેરિકામાં પહેલેથી જ આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. દરિયામાં પ્રદુષણનો અભ્યાસ કરવામાં આ સિસ્ટમ ખુબ જ ઉપયોગી નિવડશે અને દરિયાનાપાણીની ગુણવતા પણ ચકાસી શકાશે તેમ ડાયરેકટર સેનોઈએ જણાવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી આદેશ મળ્યા બાદ આ સિસ્ટમ એપ્રિલમાં શરૂ કરી દેવાશે.
ઘણા ખરા અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે, દરિયાનું પાણી એનોક્ષીક બની રહ્યું છે અને પ્રદુષણને કારણે દરિયાઈ સિસ્ટમબદલાઈ રહી છે અને તે ચિંતાજનક છે. આથી સરકારે આ ઓપોમેટેડ મુરીંગ્સ સિસ્ટમની કવાયત હાથધરી છે. જે દરિયામાં પ્રદુષણના સ્તરનો અભ્યાસ કરશે અને મરીન સિસ્ટમ કેવી રીતે બદલાય છે તેનો ખ્યાલ આપશે. આ પ્રોજેકટ માટે બેકગ્રાઉન્ડનું વર્ક પૂર્ણ થઈ ગયું છે તેમ ડાયરેકટ સેનોઈએ જણાવ્યું હતું.