આટલી મોટી ગોળ પૃથ્વી પર અનેક એવી જગ્યાઓ હશે કે જેનું નિર્માણ કે અસ્તિત્વ તમારા અને મારા મગજમાં પ્રશ્ર્નોનું વાવંટોળ લાવવાની ક્ષમતા રાખે છે. આજે આપણે આવા જ એક તળાવ વિશે વાત કરીશું કે જેનું પાણી મૅગ્મેટિક એટલે કે તરલ પદાર્થો ધરાવે છે અને આ પદાર્થ જ્યારે એક જ્વાળામુખી ફાટે ત્યારે બહાર આવે છે. વૈજ્ઞાનિકોને દક્ષિણ અમેરિકામાં એક એવું વિશાળકાય તળાવ મળી આવ્યું છે.

હવે તળાવ મળી આવ્યું તેમાં શું મોટી ધાડ મારી એવો પ્રશ્ર્ન થાય એ સ્વાભાવિક છે. પરંતુ ખાસિયત તો તળાવના પાણીમાં છે. તળાવનું પાણી મેગ્મેટિક છે અને આ પદાર્થ જ્યારે કોઈ જ્વાળામુખી ફાટે ત્યારે જ બહાર આવે છે. એક નિષ્ક્રિય જ્વાળામુખીની લગભગ ૧૫ કિમી નીચે ઉંડાણમાં આ તળાવ હોવાનું વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યું હતું અને તેમનું માનવું છે કે આ શોધને કારણે તેમને આખરે જ્વાળામુખી કેમ અને કઈ રીતે ફાટે છે તેનો અભ્યાસ કરવામાં મદદ મળી શકે છે.

ખૅર એ વાતો તો એ લોકો જ કહી શકે. પરંતુ આપણે વાત કરીએ આ તળાવ વિશે અને તેની શોધ કોણે કરી એ વિશે. બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીના સંશોધકોએે આ તળાવ શોધ્યું છે અને આ શોધ અંગે વાત કરતાં પ્રોફેસર જૉન બ્લંડીએ જણાવ્યું હતું કે બોલિવિયા આલ્ટીપ્લાનો છેલ્લાં એક કરોડ વર્ષથી જ્વાળામુખી વ્યાપક ક્ષેત્ર રહ્યું છે. જોકે વર્તમાનકાળમાં અહીં કોઈ સક્રિય જ્વાળામુખી જોવા મળ્યું નથી.

આલ્ટીપ્લાનો જ્વાળામુખી નીચેના પર્વતો પૂર્ણપણે ઓગળી જતાં નથી અને માત્ર ૧૦થી ૨૦ ટકા પર્વતો જ તરલરૂપમાં જોવા મળે છે. આ ઊંડાણમાં તાપમાન આશરે ૯૭૦ ડિગ્રી સેલ્સિયલ જેટલું હોય છે અને આવા જ તળાવ જો અન્ય નિષ્ક્રિય જ્વાળામુખી નીચે પણ જોવા મળે તો વૈજ્ઞાનિકોને આખરે આ જ્વાળામુખી કેમ અને કઈ રીતે ફાટે છે તેનો અભ્યાસ કરવામાં ખૂબ મદદ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.