સૌરાષ્ટ્રના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતી મહારાષ્ટ્રને બેટીંગમાં ઉતાર્યું
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આજથી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ-બીના ચાર દિવસીય મેચનો આરંભ થયો છે. જેમાં સૌરાષ્ટ્રના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતી મહારાષ્ટ્રને બેટીંગ માટે આમંત્રિત કર્યું હતું. ઓપનર ઋતુરાજ ગાયકવાડની આક્રર્ષક અડધી સદીની મદદથી ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રની ટીમે 47 ઓવરમાં બે વિકેટના ભોગે 118 રન બનાવી લીધાં છે.
આજથી ખંઢેરી ખાતે શરૂ થયેલાં મહારાષ્ટ્ર સામેની ચાર દિવસીય રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રના સુકાનીએ ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઋતુરાજ ગાયકવાડ અને રાહુલ ત્રિપાઠીની જોડીએ મહેમાન ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંને ઓપનર વચ્ચે પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાઇ હતી. રાહુલ ત્રિપાઠી અંગત 34 રને પહોંચ્યો ત્યારે તેને દેવાંગ કરમટાએ એલ.બી.ડબલ્યૂ. કરી મહારાષ્ટ્રની પ્રથમ વિકેટ ખેડવી હતી. ત્યારબાદ સ્કોરબોર્ડ પર વધુ 25 રન ઉમેરાયા હતા ત્યાં મહારાષ્ટ્રને બીજો ફટકો પડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડને 65 રનના સ્કોરે ચિરાગ જાનીએ વિકેટ કીપર સ્નેલ પટેલના હાથે ઝીલાવી દીધો હતો. ગાયકવાડે 123 બોલનો સામનો કરી 9 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યાં હતાં. હાલ નૌશાદ શેખ 11 રન અને અંકિત બાવને 8 રન સાથે રમતમાં છે. સૌરાષ્ટ્રવતી દેવાંગ કરમટાએ 21 રન આપી એક અને ઓલ રાઉન્ડર ચિરાગ જાનીએ 31 રન આપીને એક વિકેટ ખેડવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના નિયમિત સુકાની જયદેવ ઉનડકટની પસંદગી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે કરવામાં આવી હોય છેલ્લાં બે મેચથી સુકાની પદ અર્પિત વસાવડા નિભાવી રહ્યો છે. એલીટ-બી ગ્રુપમાં હાલ સૌરાષ્ટ્રની ટીમ ત્રણ પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. જ્યારે મહારાષ્ટ્રની ટીમ 6 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જો સૌરાષ્ટ્રે પોઇન્ટ ટેબલ પર પોતાની સ્થિતિ સુધારવી હશે તો મહારાષ્ટ્ર સામેની મેચ ફરજિયાતપણે જીતવી પડશે.
આજથી રણજી ટ્રોફીના અલગ-અલગ મેચોનું આરંભ થયો છે. જેમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે મેચ રમાઇ રહ્યો છે. આ ઉપરાંત જમશેખપુર ખાતે ઝારખંડ અને ગોવા વચ્ચે, અમદાવાદ ખાતે ગુજરાત અને જમ્મુ-કાશ્મિર વચ્ચે મેચ રમાઇ રહી છે. સૌરાષ્ટ્રની ટીમ પોતાનો પ્રથમ રણજી મેચ આસામ સામે રમી હતી. આ મેચ ડ્રોમાં પરિણમ્યો હતો. પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રને ત્રણ પોઇન્ટ આપવામાં આવ્યા હતાં. પોતાના ડેબ્યૂ મેચમાં જય ગોહિલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. આવું કારનામું કરનાર તે સૌરાષ્ટ્રનો પ્રથમ અને ભારતનો 13મો બેટ્સમેન બન્યો હતો. આજે સૌરાષ્ટ્રના સુકાનીએ ટોસ જીતી બેટ્સમેનોને યારી આપતી ખંઢેરીની વિકેટ પર પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લેતાં થોડું આશ્ર્ચર્ય ફેલાયું હતું.