લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ ખોટુ સોગંદનામુ કરનાર રાજકારણીને છ માસની સજા અને સામાન્ય માણસ ખોટુ સોગંદનામું કરે તો ત્રણ વર્ષની સજા!
મા લોહી…લોહી… બીજાનું પાણી…??
ખોટુ સોગંદનામું કરવા અંગે સામાન્ય માણસ અને ચૂંટણી લડતા ઉમેદવારોને સજામા રહેલી વિસંગતતા દૂર કરવા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૫ (એ) દૂર કરવા માંગણી કરી આઈપીસી કલમ ૧૮૦ મુજબ સામાન્ય નાગરીક અને રાજકારણીઓને એક સરખા ગણવા માંગ કરવામાં આવી છે.
શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં લોકપ્રતિનિધિત્વ દ્વારા કલમ ૧૨૫એ રદ કરવા અંગે દાખલ થયેલી જાહેર હિતની અરજી સંદર્ભ દલીલો કરતા એડવોકેટ કે.આર. કોશીએ જણાવ્યું હતુ કે ચૂંટણી લડતા ઉમેદવારો સોગંદનામાના વિગતો છુપાવે કે ખોટુ સોગંદનામું કરેતો આર.પી. એટલે કે. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૫ એનો ભંગ ગણી માત્ર છ માસની સજાની જોગવાઈ છે. પરંતુ જો સામાન્ય માણસ ખોટુ સોગંદનામું કરે કે વિગતો છુપાવે તો આઈપીસીની કલમ ૧૮૦ મુજબ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. તો એક જ સરખા કૃત્ય માટે અલગ અલગ સજા શા માટે ?
વધુમાં હાઈકોર્ટમાં અરજી કર્તા દ્વારા બંધારણની જોગવાઈને સર્વોચ્ચ ગણાવી એ વિધેયો વચ્ચે રહેલો ભેદભાવ દૂર કરવા લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૫ (એ) દૂર કરી એક સમાન કૃત્ય માટે એક સરખી જોગવાઈ કરવા માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ચૂંટણી લડતા ઉમેદવારો ખોટા સોગંદનામા, નકલી, ડીગ્રી, મહત્વની માહિતી છુપાવવી જેવા અનેક કિસ્સાઓ સામે આવે છે. અને ચૂંટણી કાયદાનાં ભંગ બદલ અસંખ્ય મુકદમાં થયા છે. આવું યોગ્ય કારણ રજૂ કરી નામાંકન પત્રની ચકાસણી દરમિયાન ઉમેદવારો પાસેથી જરી સહાયક દસ્તાવેજોની માંગણી નહી કરવાના નિયમોનાં અભાવે ખોટા સોગંદનામા થઈ રહ્યા હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતુ. જોકે હાઈકોર્ટ આ કેસની સુનાવણી પૂર્ણ કરી ચૂકાદો અનામત રાખ્યો છે. ત્યારે હવે હાઈકોર્ટ લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૨૫ (એ) અન્વયે કેવો ખ અપનાવે છે. તે જોવું રહ્યું.