કોરોના મહામારી હજુ સમી નથી. હજુ ત્રીજી લહેરની ભીતી છે એવામાં હવે બાકી રહી ગયું હતું તો તૌકતે વાવાઝોડું ત્રાટકે એવી ભીતિ ઉભી થઇ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં સંભવીત આવનાર આ વાવાઝોડા સામે બચાવ અને રાહતી આગોતરી તૈયારીમાં તંત્ર જુટાઈ ગયું છે. ચોમાસાની ઋતુ સમયે આગોતરા આયોજન સંદર્ભે રાજકોટ કલેકટર કચેરી ખાતે સભાખંડમાં સમિક્ષા બેઠક અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાના અધ્યક્ષસ્થાને યેાજાઈ હતી.
અધિક નિવાસી કલેકટર પંડયાએ ભારે વરસાદ, અતિ ભારે પવન ફૂંકાવા સમયે અસરગ્રસ્ત થનાર વિસ્તારમાં જાન-માલની સલામતી અર્થે સુરક્ષિત સ્થળાંતર સાથે સાથે બચાવ અને રાહતના સાધનો તૈયાર રહે તે સુનિશ્ચીત કરવા જણાવાયું છે. સાથે આકસ્મિક સંજોગોને ધ્યાને લઇને તાલુકા કક્ષાએ નિમણુંક કરાયેલ દરેક લાયઝન અધિકારીઓ અને ડિઝાસ્ટર સબંધીત વિભાગો દ્વારા કરાયેલ આયોજનની વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી.
અધિક કલેકટર પંડયાએ ચોમાસામા ભારે વરસાદના કારણે ઉભા થનાર આકસ્મિક સંજોગો વિશે દિશા-નિર્દેશ આપતા જણાવ્યું કે તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સલામત પરિવહન માટે વાહનોનું આગોતરૂ આયોજન કરવું, નાના મોટા ડેમ સાઇટના વિસ્તારમાં હેઠવાસના વિસ્તારના લોકોને તથા પશુઓને સાલમત સ્થળે ખસેડવા, તેઓ માટે આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવું, ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓની ટુકડીઓ સાથે બચાવ અને રાહતના હોડી-રસ્સા સહિતના સાધનો તૈયાર રાખવા, ભારે વરસાદમાં જોખમી નાળા પુલીયા પાસે સાઇન બોર્ડ તથા પોલીસ કે હોમગાર્ડના જવાનને રાખી સંભવિત જોખમને નિવારવું, ભારે વરસાદના સમયે સંપર્કના માધ્યમો જેવા કે ટેલીફોન-વાયરલેશ સેટ વગેરે તૈયાર રાખવા, સ્ટેટ કે નેશનલ હાઇવે કે એપ્રોચ રોડ રસ્તા પર ઝાડ કપાઇને પડે તેવા સંજોગોમાં વાહન પરીવહન ન અટકે તથા પુર જેવી પરીસ્થીતીમાં સંપર્ક વિહોણા ગામોમાં અનાજ કે ખાદ્ય સામાગ્રીનો પુરવઠો અગાઉથી જ સંગ્રહ કરવા સાથેની વિવિધ બાબતની તકેદારી રાખવા સુચનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું તૌકતે ત્રાટકવાનું છે. આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું હતું. જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા તૌક્તેનું તોફાન શરૂ થઈ ગયું છે. આગામી થોડાં કલાકોમાં સાયક્લોન (Tauktae cyclone)માં તબદીલ થશે. ગુજરાતના દરિયાઈ વિસ્તાર ખાતે 18મી તારીખે સવારે વાવાઝોડું પહોંચશે તેવી સંભાવના છે. જ્યારે આ વાવાઝોડું કચ્છ બાજુ પ્રવેશસે ત્યારે દિશા નક્કી થશે કે ગુજરાતમાં ત્રાટકશે કે કેમ ?? જો કે આગવી તૈયારીઓના ભાગરૂપે રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. તેમજ દરિયાખેડુઓને સૂચના આપી દેવાઇ છે.