ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા બેફામ બનતા પક્ષોને અટકાવવા જરૂરી છે. આ મામલાને સુપ્રીમે પણ ગંભીરતાથી લીધો છે. આડેધડ જાહેરાતો કરનારી પાર્ટીઓ ઉપર હવે જોખમ તોળાઈ રહ્યું છે. કારણકે સુપ્રીમ આવી કરતૂતથી લાલઘૂમ થઈ છે.
ચૂંટણી પૂર્વે પક્ષોને બેફામ બનતા પહેલા અટકાવવા જરૂરી
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા મતદારોને મફત ભેટ આપવાના વચન અંગે સુનાવણી હાથ ધરી હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતા સીજેઆઈ એનવી રમણાએ કહ્યું કે નિઃશંકપણે આ ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ભૂતકાળમાં ઘણી વખત કહ્યું છે કે આ રમતનું મેદાન નથી. ચૂંટણી જીતવા માટે પક્ષો વધુ વચનો આપે છે. ખોટા વચન આપી મતદારોને ભ્રમિત કરે છે.
ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારા મર્યાદિત કાર્યક્ષેત્રમાં અમે ચૂંટણી પંચને માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્યું છે. અમારી સૂચનાઓને પગલે ચૂંટણી પંચે પક્ષકારો સાથે માત્ર એક જ બેઠક યોજી હતી. તેમણે રાજકીય પક્ષો પાસેથી મંતવ્યો માંગ્યા હતા. આપણે પણ જાણીએ છીએ, પરંતુ તે પછી શું થયું તે અંગે ખબર નથી.
સુપ્રીમ કોર્ટે અરજદાર અશ્વિની ઉપાધ્યાયને કહ્યું કે તેમણે માત્ર પક્ષકારોને જ શા માટે સામેલ કર્યા છે, જ્યારે આ નીતિ નિર્માણમાં તમામ હિતધારકોની ભાગીદારી જરૂરી છે. આટલું જ નહીં, કોર્ટે અરજદાર અશ્વિની ઉપાધ્યાયને પૂછ્યું કે જો તમામ રાજકીય પક્ષો વચનો આપી રહ્યા છે તો તમે તમામ પક્ષોને બદલે માત્ર બે પક્ષોનો જ ઉલ્લેખ કેમ કર્યો? અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે તેઓ અન્ય પક્ષકારોને પણ સામેલ કરવાનો પ્રયાસ કરશે.