ઝાલાવડમાં 80 ટકા ગામોમાં પીવાના પાણીમાં બેકટેરીયાનું પ્રમાણ ચિંતાજનક
ઝાલાવાડના મૂળી, વઢવાણ, ધ્રાંગધ્રા અને હળવદમાં ફ્લોરાઇડનું પ્રમાણ પ્રતિ લિટર 2 મિલીગ્રામ જેટલું જોવા મળે છે. જેનાથી ફ્લોસીસ નામનો રોગ અને સ્નાયુઓનો દુ:ખાવો, કેડ વળી જવી અને ઊભા ન થઇ શકવું જેવી વિવિધ બિમારીઓ લાગુ પડે છે. જ્યારે ઝાલાવાડના સાયલા પથંકમાં પીવાના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ 100થી પણ વધારે જોવા મળે છે. જેનાથી બાળકોમાં બ્લ્યુ બેબી નામનો ગંભીર રોગ થઇ શકે છે. આ રોગમાં ભુલકાઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી જાય છે.
ઝાલાવાડમાં સામાન્ય રીતે 80% ગામોમાં પીવાના પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ ચિંતાજનક જોવા મળ્યું છે. જ્યારે સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં ટીડીએસનું પ્રમાણ પ્રતિ લિટર બે હજાર મિલિગ્રામથી પણ વધારે જોવા મળે છે. જેનાથી પથરી, બીપી અને કિડની જેવા રોગો થાય છે.
તંત્રના જણાવ્યાનુસાર રણકાંઠામાં પીવાના પાણીમાં ટીડીએસનું પ્રમાણ પ્રતિ લિટર 2 હજાર મિલિગ્રામથી વધારે હોવાથી આ વિસ્તારના લોકોએ પીવાના પાણીમાં ક્લોરિનની ટીકડીઓ નાખવાની સાથે પાણી ઊકાળ્યા બાદ ઠંડુ કરીને પીવું જોઇએ.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના છેવાડે આવેલા આદરિયાણામાં ટીડીએસનું પ્રમાણ પ્રતિ લિટર 2400 મિલીગ્રામ જોવા મળી રહ્યું છે જ્યારે વઘાડામાં આ પ્રમાણ 2500 મિલીગ્રામ છે. જ્યારે પાટડી તાલુકાના ખેરવા અને ભલગામમાં પીવાના પાણીમાં બેક્ટેરીયાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે જ્યારે ગોરૈયામાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. અગાઉ વાસ્મો દ્વારા કરાયેલા ટેસ્ટિંગમાં ખારાઘોઢામાં ટીડીએસનું પ્રમાણ 3100થી પણ વધારે આવ્યું હતું આથી ગ્રામજનોએ વાસ્મો સાથે 90:10ની યોજનામાં લોક ભાગીદારી થકી આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. હાલમાં જૂનાગામ, નવાગામ અને સ્ટેશન એમ 3 ગામોમાં વહેચાયેલું ખારાઘોઢા ગામ માત્ર 20 પૈસે લિટર છઘનું શુદ્ધ પાણી પીવે છે.