હાઇવે પર પુરઝડપે ચાલતા વાહનોને લીધે શાળાએ જતા બાળકોને રોડ ક્રોસ કરવામાં અતિ મુશ્કેલી: ગ્રામજનો ચિંતિત
ગીર સોમનાથ ના ઉના તાલુકાનું માઢગામ નેશનલ હાઇવે ૮-ઈ પર આવેલું ગામ છે. ઉના-કોડીનાર વચ્ચે કેશરીયા નજીક નું આ ગામ ૧૫૦૦ ની વસ્તી ધરાવે છે. અહીંની પ્રાથમિક શાળાના બાળકો ને શાળાએ જવા માટે આ હાઇવે પાર કરવો પડે છે.સોમનાથ-ભાવનગર ફોર લેન રોડનું કામ શરૂ થયું છે ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ ઉભું થયું છે.
કેન્દ્રની અને ગુજરાતની ભાજપી સરકાર વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતા ભૂલતી હોય તેવું લાગી રહ્યું છે. સોમનાથ-ભાવનગર ફોર ટ્રેક હાઇવે નિર્માણનું કામ ચાલુ છે. જેમાં કોડીનાર-ઉના વચ્ચે આવેલા કેશરીયા નજીકના માઢગામનાં લોકો અતિ ચિંતિત બન્યા છે.
આ ગામમાં આવેલી શાળા રોડનાં એક છેડે છે. અને ગામ બીજા છેડે. પહેલા રોડ ડબલ ટ્રેક હતો. હાલમાં ફોરટ્રેક બની રહ્યો છે.ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ જેટલા બાળકોને ૩૦૦ ફૂટ પહોળો નેશનલ હાઇવે ૮-ઈ પાર કરીને શાળા સુધી પહોંચવું પડે છે. આ હાઇવે પરથી રોજના હજ્જારો વાહનો પસાર થાય છે. ટ્રક, બસ, ક્ધટેનર ટ્રોલી જેવા હેવી વાહનો ની સાથે અનેક ફોરવ્હીલ વાહનો અહીંથી ફૂલ સ્પીડ એ ચાલે છે.ત્યારે શાળાએ જતા બાળકો આ રોડ ક્રોસ કરવામાં અતિ મુશ્કેલી અનુભવે છે.
ગીર સોમનાથ જિલ્લાનાં આ ગામનાં લોકો મોટે ભાગે ખેતમજૂરી કરે છે. કેટલાક લોકો માછીમારીનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. મહદઅંશે વિદ્યાર્થીઓએ એકલાજ શાળાએ આવવું પડે છે. દિવસ દરમિયાન પરિવારજનો વ્યવસાય અર્થે બહાર હોય છે. ત્યારે આ નાના ભુલાકાઓને ક્યારેક કોઈ કાળ મુખો ટ્રક અથવા અન્ય વાહન ચાલક કચડી ને નાખે તો જવાબદારી કોની?. તો સાથે સવાલ એ પણ થાય છે કે શું નેશનલ હાઈવે ઓથીરિટી દ્વારા રોડનું કામ ચાલુ કરતા પહેલા કોઈ સર્વે નહીં કરાયો હોઈ? શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. માત્ર રોડ રસ્તા મોટા કરવા એજ વિકાસ નથી. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે પાયાની સુવિધા આપવી એ પણ સરકારનું કર્તવ્ય છે. જીવન હશે તો શિક્ષણ આવશે અને શિક્ષણ આવશે તો જ દેશનો વાસ્તવિક વિકાસ થશે તે સમજવા ની તાકીદે જરૂર છે. દેશના ભાવિ નાગરિકનો જીવ જોખમમાં મુકાય તે કેટલે અંશે યોગ્ય..? બાળકોના ભવિષ્ય અને શિક્ષણનાં ભોગે વિકાસ શા કામનો..? માઢગામ ની આ સમસ્યા બાબતે સરકાર તાકીદે ઉકેલ લાવે તે અનિવાર્ય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com