વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ કરેલી અરજીને આધારે શહેરી વિભાગ સચિવે વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇએ પાંચમી ઓગસ્ટે હાજર રહેવા આદેશ
વર્ષ-2021માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં.15માં કોંગ્રેસના પરથી વિજેતા બનેલા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ ગત 13 એપ્રીલે પક્ષપલ્ટો કરી આપનો સાવરણો પકડી લીધો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા વિના જ પક્ષપલ્ટો કરી લેનાર બંને નગરસેવકોને ગેરલાયક ઠેરવવા માટે વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્રસચિવને અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખી આ બંનેને આગામી પાંચમી ઓગસ્ટે હાજર રહેવા માટે તેડું મોકવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા આજે પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂત, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા અને ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાયેલા વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા વિના જ આપનો ખેસ ધારણ કરી લીધો છે. તેઓની સામે પક્ષાત્તર ધારાની જોગવાઇ લાગૂ કરી શકાય કે કેમ તે અંગે છેલ્લા ત્રણ મહિના સુધી વિવિધ કાનૂની પ્રક્રિયાની જાણકારી મેળવ્યા બાદ તાજેતરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના સચિવને એક અરજી કરવામાં આવી હતી. જેમાં બંનેને ગુજરાત પક્ષાત્તર ધારા 1986ની કલમ-3 હેઠળ મહાપાલિકાના સભ્યપદે ગેરલાયક ઠેરવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. આ અરજીને ધ્યાનમાં રાખી સચિવ દ્વારા સાગઠીયા અને ભારાઇને જરૂરી આધાર-પૂરાવા સાથે આગામી પાંચ એપ્રીલના રોજ બપોરે 4.30 કલાકે હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. તેઓ રૂબરૂ અથવા તેમના પ્રતિનિધિ કે વકીલને પણ હાજર રાખી શકશે. જો હાજર નહીં રહે તો પક્ષાત્તર ધારા સંબંધિત જોગવાઇ અન્વયે એક પક્ષીય કાર્યવાહી કરવામાં આવશે. તેવી પણ ટકોર કરવામાં આવી છે. પક્ષાત્તર ધારા જો 33 ટકાથી ઓછા ચૂંટાયેલા પ્રતિનિધિ જે પક્ષમાંથી ચૂંટાયા હોય તેને છોડીને બીજા પક્ષમાં જતા રહે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે. મહાપાલિકામાં કોંગ્રેસના માત્ર ચાર કોર્પોરેટર જ ચૂંટાયા છે. જે પૈકી વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ પક્ષપલ્ટો કરી લીધો છે. પક્ષ પલ્ટો કરનાર સભ્યની સંખ્યા 50 ટકા થવા પામતી હોવાના કારણે તેઓને ગેરલાયક ઠેરવી શકાય કે કેમ તે અંગેનો નિર્ણય હવે શહેરી સચિવ લેશે.
જો કે, આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનોએ એવી પણ ટકોર કરી હતી જો શહેરી સચિવ સાગઠીયા અને ભારાઇની તરફેણમાં ચુકાદો આપશે તો અમે હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું.