સેન્સેકસે 54796 અને નિફટીએ 16359નો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો: રૂપિયો ડોલર સામે 15 પૈસા તુટ્યો
ભારતીય શેરબજારમાં એકધારી તેજી ચાલી રહી છે. આજે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટીએ નવી લાઈફટાઈમ સપાટી હાસલ કરી લીધી હતી. જો કે, અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં 15 પૈસાનું ધોવાણ થયું હતું.
આજે સપ્તાહના બીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સેન્સેકસે 54779.96ની નવી લાઈફટાઈમ હાઈ સપાટી હાસલ કરી હતી તો બીજી તરફ નિફટીએ પણ 16359.25નો નવો હાઈ બનાવ્યો હતો. શેરબજારમાં સતત તેજીના પગલે રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. બેન્ક નિફટી અને નિફટી મિડકેપમાં રેડઝોનમાં કામકાજ કરતા નજરે પડ્યા હતા. આજની તેજીમાં ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા અને એચડીએફસી જેવી કંપનીના શેરના ભાવમાં 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
જ્યારે શ્રી સિમેન્ટ, જે ડબલ્યુએસ સ્ટીલ, ટાટા સ્ટીલ અને હિન્દાલકોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ થયું હતું. બુલીયન બજારમાં સામાન્ય તેજી વર્તાઈ હતી. આ લખાય છે ત્યારે સેન્સેકસ 132 પોઈન્ટના ઉછાળા સાથે 54534 અને નિફટી 13 પોઈન્ટના ઉછાળા સાથે 16271 પર કામકાજ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસાની નરમાશ સાથે 74.41 પર ટ્રેડ કરી રહ્યો છે.