બજારમાં તેજી આવતા ઘણાં ક્ષેત્રે કાચા માલથી માંડી તૈયાર ચીજવસ્તુઓની વેચાણ કિંમતમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બજારનું રૂખ પલટાતા દરેક ચીજવસ્તુના કાચા માલના ભાવમાં વધારો થયો છે. ત્યારે વાત કરીએ પોલાદી ક્ષેત્રની તો સ્ટીલના ભાવમાં વધારો થતાં અન્ય ઉત્પાદનો પર પણ અસર થઈ છે. સ્ટીલના એક ટનના ભાવમાં રૂપિયા 900નો વધારો થતાં તેની કીંમત 4000થી 4900એ પહોંચી ગઈ છે.
અગ્રણી સ્થાનિક સ્ટીલ ઉત્પાદકો માટે હોટ રોલ્ડ કોઇલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઇલ (સી.આર.સી.) ભાવમાં વધારો થયો છે. આ ભાવ સુધારણા પછી, એક ટન એચઆરસીનો ખર્ચ રૂ.70,000-71,000 થશે. જ્યારે સીઆરસી ટન દીઠ રૂપિયા 83,000-84,000માં પડશે. જણાવી દઈએ કે એચઆરસી અને સીઆરસીએ ફ્લેટ સ્ટીલ છે જેનો ઉપયોગ ઓટો, ઉપકરણો અને બાંધકામ
જેવા ઉદ્યોગોમાં થાય છે. તેથી, સ્ટીલના ભાવમાં થયેલા વધારાથી વાહનો, ગ્રાહક માલ અને બાંધકામના ભાવ પર અસર પડશે. કારણ કે આ સ્ટીલ આ ક્ષેત્રો માટે કાચો માલ છે. સેલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, જેએસપીએલ અને એએમએનએસ ભારત દેશની સ્ટીલ ઉત્પાદકની અગ્રેસર કંપનીઓ છે. જે સંયુક્તપણે ભારતના કુલ સ્ટીલ ઉત્પાદનમાં લગભગ 55% યોગદાન આપે છે.