હાલ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ૧૦૦૦ લીટર નર્મદા નીરના રૂ.૬ વસુલવામાં આવે છે : માર્ચ માસથી ૧૦૦૦ લીટરના ભાવમાં ૩૮ પૈસાનો વધારો
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની અલગ અલગ મહાપાલિકા, નગરપાલિકાઓને અપાત નર્મદાના નીરમાં ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો નવા નાણાકીય વર્ષ એટલે કે માર્ચ મહિના પછી અમલમાં આવશે. રાજકોટવાસી ઓ જેના પર નિર્ભર છે તે નર્મદા નીરના ભાવ વધતા કોર્પોરેશનની તિજોરી પર વાર્ષિક રૂા.૧ કરોડથી પણ વધુનું ભારણ આવશે. કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ મહાપાલિકા અને રાજ્ય સરકારના જીડબલ્યુઆઈએલ વચ્ચે શહેરને રોજ ૧૧૦ એમએલડી નર્મદાનું પાણી આપવાના કરાર થયા છે. પ્રતિ એમએલડી ભાવ રૂા.૬ હજાર છે. એટલે કે ૧૦૦૦ લીટર પાણીનો ભાવ રૂા.૬ લેખે કોર્પોરેશનને આપવામાં આવે છે. મેઘરાજાએ મહેર કરતા શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો હાલ પુરતું પાણી ઉપલબ્ધ છે. આવામાં ૧૧૦ એમએલડીના કરાર સામે મહાપાલિકા દ્વારા રૈયા ધાર અને બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે સરેરાશ દૈનિક ૮૦ એમએલડી પાણી લેવામાં આવે છે. હાલના ભાવ અને ઉપાડ મુજબ રોજનું નર્મદા નીરનું બીલ રૂા.૮.૮૦ લાખ જેવું થવા પામે છે. એટલે કે, માસીક આશરે દોઢ કરોડ જેવું થવા પામે છે. જો કરાર મુજબ રોજ ૧૧૦ એમએલડી પાણી લેવામાં આવે તો માસીક રૂા.૧.૮૦ કરોડ જેવું બીલ આવે છે અને વાર્ષિક આશરે ૨૦ થી ૨૨ કરોડ જેવું બીલ થાય છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદાનું નીર જે પીવા માટે આપવામાં આવે છે તેને ભાવમાં ૩૮ પૈસાનો વધારો કર્યો છે. અને ઉદ્યોગોને અપાતા નર્મદા નીરના ભાવમાં ૩.૧૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો ચાલુ નાણાકીય વર્ષથી લાગુ નહીં થાય પરંતુ માર્ચ ૨૦૨૧ પછી અમલમાં આવશે. નર્મદાના નીર વધતા હાલના ઉપાડ મુજબ ગણતરી કરવામાં આવે તો મહાપાલિકાની તિજોરી પર દૈનિક રૂા.૩૦૪૦૦, માસીક રૂા.૯ લાખ અને વાર્ષિક રૂા.૧.૦૮ કરોડનો બોજ વધશે. જો કરાર મુજબ રોજ ૧૧૦ એમએલડી પાણી ઉપાડવામાં આવે તો નવા ભાવ વધારા મુજબ દૈનિક રૂા.૪૧૮૦૦, માસીક રૂા.૧૨.૫૦ લાખ અને વાર્ષિક રૂા.૧.૫ કરોડ જેવો બોજ મહાપાલિકાની તિજોરી પર પડશે. હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં ૨ ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ભવિષ્યમાં મહાપાલિકા દ્વારા નર્મદાના નીરની વધુ માંગણી કરવા માટે કરાર વધારવામાં આવશે તો નર્મદાનું પાણીનું બીલ આસમાને આંબી જશે. રાજ્ય સરકારે કોરોના વર્ષમાં આ વર્ષથી ભલે ભાવ વધારો અમલમાં મોકુફ રાખ્યું હોય પરંતુ માર્ચ પછી નર્મદાનું પાણી પણ મોંઘુ થઈ જશે. જેથી કોર્પોરેશનની તિજોરીને રૂા.૧ કરોડથી પણ વધુનો વાર્ષિક બોજ આવશે.