હવે નેચરલ ગેસનો ભાવ વધારો મોરબી સિરામીક ઉદ્યોગનો મૃત્યુનો ઘંટ વગાડશે!
મંદીના માચડે લટકતા મોરબીના સીરામીક ઉદ્યોગમાં વપરાતા ગેસના ટૂંકાગાળામાં બે વખત ભાવ વધારો ઝીંકાતા આ ઉદ્યોગ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે. જેને પગલે ટાઇલ્સમાં ભાવ વધારો કરાયો છે. આગામી સમયમાં પણ ગેસના ભાવમાં વધારાના ભણકારા વાગી રહ્યા છે જો ભાવ વધારો ફરી આવશે તો કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાતા સીરામીક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગશે. જેને લઈને લાખો લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાશે.
આ અંગે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે ગેસમાં ભાવ વધારો આવતા વિટ્રીફાઈડ ટાઇલ્સ અગાઉ 21 થી 22 માં મળતી હતી જેના હાલ 27 રૂપિયા સ્કેવર ફિટ કરાઈ છે આથી 25 થી 30 ટકા જેટલો ભાવ વધારો આવ્યો છે બીજી તરફ આગામી સમયમાં ભાવ વધારો થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. ભાવ વધારો થશે તો ટાઇલ્સના ભાવમાં પણ ન છૂટકે વધારો કરવો પડશે જે વધારાને બજાર સ્વીકારશે નહિ જેને પગલે કારખાનામાં સ્ટોકનો ભરાવો થશે અને ઉદ્યોગને તાળા મારવા પડે તેવી નોબત આવશે જેથી લાખો લોકોની રોજગારી છીનવાઈ જાય તેવી શક્યતાઓ છે તો સરકાર આ પરિસ્થિતિને પારખી ગેસમાં ભાવ વધારો ન કરે અને અન્ય કંપનીઓને પણ ગેસ સપ્લાયની મંજૂરી આપે તો હરિફાઈ સર્જાઇ જેનો સીધો ફાયદો ઉદ્યોગોને થઈ શકશે તેમ અંતમાં મોહનભાઈએ જણાવ્યું હતું.
વધુમાં અગ્રણી ઉદ્યોગપતિ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગેસના ભાવમાં વધારો, રો મટીરીયલમાં વધારો તથા કોલસા અને ભાડામાં વધારાને પગલે ટાઇલ્સમાં દસથી માંડી વિસ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ગેસમાં ભાવમાં વધારો આવ્યો ત્યારે પાંચથી દસ ટકા ભાવ વધારાયા હતા. બીજી બાજુ માતાના મઢ ખાતેથી મળતો કોલસો સરકાર દ્વારા બંધ કરી દેતા અમે મોંઘા ભાડા ખર્ચી કોલસો લાવવા મજબુર બન્યા છીએ જેથી હાલ ટાઇલ્સમાં વિસ ટકા સુધી ભાવ વધારો કરાયો છે.