ગરમીનો પારો ઉચકાતા ગુનાખોરીના ગ્રાફમાં થયો વધારો
જેતલસર, મુળી અને મુન્દ્રામાં નજીવી બાબતે તરૂણી સહિત ત્રણની હત્યા
જેતલસરમાં ધરાર પ્રેમીએ સગીરાની છરીના ઘા ઝીંકી કરી હત્યા, મુળીના કાળમાદ ગામે પાણીની પાઇપ લાઇન નાખવાના પ્રશ્ર્ને યુવકનું ઢીમ ઢાળી દીધું અને મુન્દ્રામાં સગાભાઇએ છરીના ઘા ઝીંકી બહેનને વેતરી નાખી
ઉનાળાની શરૂઆત સાથે જ શરૂ થયેલી ગરમીનો પારો ઉચકાઇ રહ્યો છે તેમ ગુનાખોરીનો ગ્રાફ શેર બજારના સેન્સેકસની જેમ ઉચકાય રહ્યો છે. જેતપુરમાં ધરાર પ્રેમીએ તરૂણીને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની, મુળી તાલુકાના કાળમાદ ગામે પાણીની પાઇપ લાઇન નાખવાના પ્રશ્ર્ને થયેલી બોલાચાલીમાં યુવકનું છરીથી ઢીમઢાળી દીધાની અને મુન્દ્રામાં આડા સંબંધની શંકાએ ભાઇએ પોતાની સગી બહેનને રહેસી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં થયેલી ત્રણ હત્યાથી મંગળવાર રકતરંજીત બન્યો છે. નજીવી બાબતે માનસ પોતાની સહન શક્તિ ગુમાવી હત્યા સુધી દોરી જાય છે. અને ક્ષણિક ગુસ્સાના કારણે બંને પરિવાર અધોગતિમાં ધકેલાય જતા હોય છે.
જેતલસરમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શખ્સે તરૂણીની કરી હત્યા
ધરાર લગ્ન માટે દબાણ કરતા શખ્સના સકંજામાંથી બહેનને છોડાવવા વચ્ચે પડેલા તરૂણને છરીના પાંચ ઘા માર્યા
સોશ્યલ મિડીયાનો જેટલો ફાયદો છે એટલો જ ગેર ફાયદો પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ માત્ર ત્રણ માસના કુમળા બાળકની જીંદગી બચાવવા સોશ્યલ મિડીયાના માધ્યમથી થયેલી અપીલના કારણે દાનનો ધોધ વહી રહ્યો છે. ત્યારે સોશ્યલ મિડીયાની આડ અસર સમાન ઘટના પણ સામે આવી રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર 13 વર્ષની તરૂણી સાથે 12 વર્ષના બે ટાબરીયાએ વિકૃત ચેષ્ટા ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યાં જ જેતલસરમાં સોશ્યલ મિડીયાની આડ અસરના કારણે 16 વર્ષની તરૂણીને ધરાર પ્રેમીએ છરીના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કર્યાની અને તેને બચાવવા વચ્ચે પડેલા ભાઇ પર છરીથી હુમલો થયાનું પોલીસમાં નોંધાયું છે.
જેતલસર રહેતી સૃષ્ટિ કિશોરભાઇ રૈયાણી નામની 16 વર્ષની પટેલ તરૂણીને તેના જ ગામના જયેશ ગીરધર સરવૈયા નામના ખાંટ શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની અને તેને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઇ હર્ષ પર ખૂની હુમલો કર્યાની કિશોરભાઇ રવજીભાઇ રૈયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેતપુરની ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી સૃષ્ટિ રૈયાણીનો જયેશ સરવૈયા અવાર નવાર પીછો કરતા અને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતા હોવાથી સૃષ્ટિએ જયેશ સરવૈયા પોતાને હેરાન કરતો હોવાની પોતાના પિતાને રાવ કરતા કિશોરભાઇ રૈયાણીએ જયેશ સરવૈયાના પિતા ગીરધર સરવૈયાને વાત કરી જયેશ સરવૈયાને સમજાવવા કહ્યું હોવાથી જયેશ સરવૈયાને ઘરમાંથી કાઢી મુકયો હોવાથી તે વધુ ઉશ્કેરાયો હતો.
ગઇકાલે સૃષ્ટિ અને તેનો 14 વર્ષનો ભાઇ હર્ષ ઘરે એકલા હતા ત્યારે જયેશ સરવૈયા છરી સાથે તેણીના ઘરે ગયો હતો અને સૃષ્ટિને ઘરની બહાર બોલાવી પોતાની સાથે આવવા અને લગ્ન કરવા માટે વાત કરતા સૃષ્ટિ રૈયાણીએ ના કહેતાની સાથે જ છરીનો એક ઘા પડઘામાં મારી દેતા તેણી પોતાનો જીવ બચાવવા પોતાના ઘરમાં જવા પ્રયાસ કર્યો તે દરમિયાન ગળા અને હાથ પર પણ છરીના અસંખ્ય ઘા મારી દીધા હતા. પોતાની બહેનને બચાવવા હર્ષ વચ્ચે પડતા છરીના પાંચ ઘા જયેશ સરવૈયાએ મારી ભાગી ગયો હતો.પોલીસે જયેશ સરવૈયાની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. તે અગાઉ પણ મારામારીના ગુનામાં સંડોવાયો હોવાનું જાણવા મળે છે.
મુન્દ્રામાં સગાભાઇએ છરીના ઘા ઝીંકી બહેનને રહેંસી નાખી
મેં મારી બહેનને મારી નાંખી હોવાનો વીડિયો પણ આરોપીએ વાઈરલ કર્યો
મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર આવેલા મારૂતિનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો. ગોજારી ઘટનામાં ભાઈએ જ પોતાની સગી બહેનને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના સંદર્ભે તરતજ જ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો વીડિયોમાં આરોપી છરી સાથે જોવા મળ્યો હતો. અને ઘટના સ્થળે હાજર રહેલા લોકોને જણાવી રહ્યો હતો કે આ મારી જ બહેન છે અને મેં તેને મારી નાખી છે.મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલ મારૂતિનગરમાં નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનામાં ભાઈએ જ તેની સગી બહેનને છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા નિપજાવી હતી. આરોપી પ્રેમસંગ નારૂભા ટાંક હતભાગી રીનાબા નારૂભા ટાંકને ઉપરાછાપરી છરીના આઠ થી દશ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી ઘટના સંદર્ભે પશ્ચિમ કચ્છ ડીવાય એસપી પંચાલે વગતો આપતા જણાવ્યું હતું કે મૃતક મહિલાક રીનાબા ના ચારેક વર્ષ અગાઉ આદિપુરના દીક્ષિત ઠક્કર લગ્ન થયા હતા અને બન્ને વચ્ચે કોર્ટ મેટર બનતા હતભાગી રીનાબા દીક્ષિત ઠક્કર સામે કેસ નોંધાવ્યો હતો અને ત્યાર બાદ તે અલગ રહેતી હતી અને ભવાન ઉર્ફે ભનિયો જોગી સાથે બે માસ જેટલા સમયથી આડા સંબંધો હોવાની જાણ આરોપી પ્રેમસંગ નારૂભા ટાંકને થતા તેને પોતાની હતભાગી બહેન રીનાબાને અવાર નવાર સમજાવેલ તેમ છતાં તે માની ન હતી તેનું મનદુ:ખ રાખીને આરોપીએ પોતાની સગી બહેનને મોતના મુખમાં ધકેલીને નિર્મમ હત્યા નિપજાવવાનો બનાવ બન્યો છે. ત્યારે ઘટના બાદ તુરંત જ આસપાસના કોઈ રહેવાસીએ પોતાના મોબાઈલમાં વીડિયો પણ કેદ કર્યો હતો અને વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં આરોપી છરી સાથે હતભાગી યુવતીની લાશ નજીક ખુલ્લા હથિયાર સાથે ફરતો જોવા મળ્યો હતો ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું ઘટનાને પગલે હત્યારો આરોપી પ્રેમસંગ રાઠોડ વીડિયોમાં એવું બોલતો સંભળાયો હતો કે, હાં આ મારી જ બહેન છે અને મેં જ તેને મારી નાખી છે હું ક્યાંય નથી જવાનો અહિયાજ ઉભો છું અને તેણે આડાસબંધ રાખ્યા એટલે મેં તેને મારી નાખી છે
આ ઘટના અંગે મુન્દ્રા પોલીસને થતાં પી.એસ.આઈ બી.જે. ભટ્ટ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોપીની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી અને યુવતીના મૃતદેહને પોલીસ દ્વારા પી.એમ કરવા માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના અંગે ભવાન ઉર્ફે ભનિયો જોગીએ નોંધાવેલ ફરિયાદ અંગે આગળની કાર્યવાહી મુન્દ્રા પોલીસે હાથ ધરી છે.
તરૂણીની હત્યાને પગલે ત્રણ ગામ શોકમય બંધ
જેતલસર ગામે પટેલ યુવતીની હત્યા થી સમગ્ર પંથકમાં રોષ ની જ્વાળા ભભૂકી હતી ત્યારે આજે સવારે ગ્રામ લોકો અને સરપંચ ની હાજરીમાં નિર્ણય લેવા માં આવ્યો હતો.કે જ્યાં સુધી યુવતીને ન્યાય નહીં મળે ત્યાં સુધી યુવતીના પિતા અન્ન જળનો ત્યાગ કરશે અને આજે સમગ્ર પંથકમાં સભા નું આયોજન કરવા માં આવ્યું છે. તેમજ ત્રણ ગામ શોકમય બંધ રહ્યા હતાં.
મુળીના કાળમાદ ગામે પાણીની પાઇપ લાઇનના પ્રશ્ર્ને યુવકની હત્યા
ગ્રામ પંચાયતના બોરનું પાણી બંધ કરવા ઠપકો દેતા બે શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
મુળી તાલુકાના કાળમાદ ગામના રજપૂત યુવકને પાણીની પાઇપ લાઇન નાખવાના પ્રશ્ર્ને બે શખ્સો સાથે થયેલી બોલાચાલીના કારણે બે કાઠી શખ્સોએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાળમાદ ગામે રહેતા રાહુલ ભીમાભાઇ ચિત્રા નામના રજપૂત યુવકની તેના જ ગામના નાજભાઇ ગીગાભાઇ વેગડ અને તેના ભાણેજ જોગીરાજ ભરતભાઇ કરપડાએ છરીના ઘા મારી હત્યા કર્યાની રાજુભાઇ લાખાભાઇ ચિત્રાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક રાહુલ ઉર્ફે રાહુ પોતાના ઘર પાસે પાણીની પાઇપ લાઇન નાખતો હતો ત્યારે નાજભાઇ ગીગાભાઇ વેગડે ગ્રામ પંચાયતના બોરનું પાણી બંધ કર્યા બાદ પાઇપ લાઇન નાખવા અંગે કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી ઉશ્કેરાયેલા નાજભાઇ વેગડ અને તેના ભાણેજ જોગીરાજ કરપડાએ છરીના ઘા મારી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.