અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા: રાજકોટ અને વલસાડમાં એક એક દર્દીઓના મોત: રાજકોટમાં પણ નવા 6 દર્દીઓ નોંધાયા: એકિટવ કેસનો આંક 589એ આંબ્યો
અબતક,રાજકોટ
નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સોમવારે કોરોનાના 70 કેસ નોંધાયા બાદ ગઈકાલે રાજયમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો હતો. અને વધુ 17 કેસ સાથે કુલ 87 કેસ નોંધાયા હતા. રાજકોટઅને વલસાડમાં એક એક દર્દીઓને કોરોના ભરખીગયો હતો. અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સોમવારે 70 કેસ નોંધાયા બાદ મંગળવારે નવા 87 કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદમાં 33 કેસ, સુરતમાં 12 કેસ, વડોદરામાં 11 કેસ, રાજકોટ શહેર અને જિલ્લામાં 7 કેસ, ખેડા અને વલસાડ જિલ્લામાં નવા પાંચ પાંચ કેસ, નવસારીમાં ચાર કેસ, આણંદ જિલ્લામાં 3 કેસ, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં બે બે કેસ જયારે ભરૂચ, મહેસાણા અને જામનગર જિલ્લામાં કોરોનાના નવા એક એક કેસ સહિત રાજયમા કુલ 87 કેસ નોંધાયા હતા. ગઈકાલે 73 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી રાજકોટ અને વલસાડ જિલ્લામાં એક એક દર્દીનું મોત નિપજયું હતુ.
રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 10104 વ્યકિતઓના મોત નિપજયા હતા. હાલ રાજયમાં કોરોનાના કુલ 589 એકિટવ કેસ છે જે પૈકી 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 581 દર્દીઓની હાલત સ્થીર છે.રાજકોટ શહેરમાં મંગળવારે વોર્ડ નં.3માં રેલવે જંકશન વિસ્તારમાં 28 વર્ષિય યુવાન, વોર્ડ નં.10માં સૌરાષ્ટ્ર-કલાકેન્દ્રમાં 54 વર્ષિય યુવાન, વોર્ડનં.2માં હરિપાર્કમાં 63 વર્ષિય મહિલા અને 65 વર્ષિય પુરૂષ, વોર્ડ નં.9માં ભીડભંજન સોસાયટીમાં 22 વષિય યુવતી અને વોર્ડ નં.8માં યોગી નિકેતન પ્લોટમાં 82 વર્ષિય પુરૂષ કોરોનાથી સંક્રમીત થયા છે. ગઈકાલે એક જ દિવસમાં 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 50 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાથી 460 દર્દીઓના મોત નિપજયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડમાં 65 વર્ષિય પુરૂષને કોરોના વળગ્યો છે.