રાજ્ય સરકારની સુચના અન્વયે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પાણીપુરીમાં પેથોજેનિક બેકટોરોલોજીકલ ટેસ્ટીંગ અંગે હાથ ધરવામાં આવેલી ડ્રાઈવ અંતર્ગત 9 સ્થળેથી પાણીપુરીમાં વપરાતા અલગ અલગ ખાદ્ય સામગ્રીના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ 25 ન્યુ જાગનાથમાં નારાયણ દિલ્હીચાર્ટ વાળાને ત્યાંથી પાણીપુરી માટેનું ફૂદીનાનું પાણી, ખજૂરની ચટણી, બટેટાનો મસાલો, પુરૂષાર્થ મેઈન રોડ પર જય જલારામ પાણીપુરીમાંથી આદુ-ફૂદીનાનું પાણી, પ્રિપેડ લુઝ માવો, લાલ મરચાની ચટણી, હરિઘવા રોડ પર શ્રીજી પાણીપુરીમાંથી ફૂદીનાનું પાણી, બટેટાનો મસાલો, પટેલ ભેળ એન્ડ પાણીપુરીમાંથી લાલ ચટણીનો નમુનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફૂડ આરોગ્ય શાખા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ, સંતકબીર રોડ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક, બાપાસીતારામ ચોક પાસે અને 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી નજીક ધમધમતી રાત્રી બજારોમાં 20 રેંકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 14 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.