ભાજપે જયારે-જયારે પરિવર્તન કર્યો છે ત્યારે સારા પરિણામો મળ્યા છે: વિધાનસભાની ચૂંટણીના સવા વર્ષ પહેલા નેતૃત્વ પરિવર્તનએ પક્ષની ભૂલ નહીં પરંતુ કોઠાસુઝ છે: મોટામાથાઓ પાસે માર્ગદર્શક(મૂકદર્શક) બની ફરી ભાજપના ગુણગાન ગાવા સિવાય છુટકો નથી
જનસંઘની સ્થાપનાથી જ ગુજરાત એ ભાજપ માટે એક પ્રયોગ શાળા રહી છે. અહીં કરવામાં આવતા તમામ પ્રયોગો સફળ થયા છે. મોદી અને શાહની જોડી સતત સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત થયેલા વિજયભાઈ રૂપાણીનું અણધાર્યુ રાજીનામુ લઈ અને બિનઅનુભવી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાતની ગાદી સોંપી તમામને ચોંકાવી દીધા હતા. પહેલા રાજા પાસે સિંહાસન ખાલી કરાવ્યા બાદ હવે આખા દરબારને ઘરભેગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નિર્ણયથી ભાજપને વિધાનસભાની આગામી ચૂંટણીમાં માઠા પરિણામો ભોગવવા પડશે તેવી વાતો ચાલી રહી છે પરંતુ પક્ષે જમીની સ્તર પર તમામ પ્રકારનું હોમવર્ક કર્યા બાદ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લીધો છે. જાતિવાદના રાજકારણમાંથી ઉપર ઉઠી પક્ષ દેશની જનતાને કંઈક વિશેષ આપવા માંગે છે. જેના કારણે સમયાંતરે પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. પરિવર્તન ન કરનારો પક્ષ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. ભવિષ્યમાં ભાજપનું પણ આવું ન થાય તે માટે અત્યારથી જ મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે રાજ્યમાં જે સમુદાયની વસતી સૌથી વધુ હોય તેને રાજા બનાવવામાં આવતા હોય છે પરંતુ 2016માં વિજયભાઈ રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશીએ બેસાડી એ વાત પ્રસ્થાપિત કરી દીધી હતી કે ગુજરાતમાં ભાજપ જાતિવાદના રાજકારણને સંપૂર્ણપણે જાકારો આપવા માંગે છે અને વિકાસવાદને તક આપવા માંગે છે. મહારાષ્ટ્રમાં પણ
મરાઠા સમાજની વસતી વધુ હોવા છતાં ભાજપે બ્રહ્મ સમાજમાંથી આવતા દેવેન્દ્ર ફડણવીસને ખુરશી સોંપી અનેક રાજ્યોમાં ભાજપે રાજ્યમાં વધુ વસતી ધરાવતા સમાજને પ્રતિનિધિત્વ આપવાના બદલે કાબીલીયતને પ્રાધાન્ય આપ્યું.
સામાન્ય રીતે જો મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના હોય તેવામાં પ્રદેશ પ્રમુખ અન્ય પ્રાંતના રાખવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ વણલખી પરંપરા પણ ભાજપે તોડી હતી અને મુખ્યમંત્રી પદે વિજયભાઈ રૂપાણીને નિયુક્ત ર્ક્યા બાદ ગણતરીના દિવસોમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે ભાવનગરના જીતુભાઈ વાઘાણીને બેસાડવામાં આવ્યા ત્યારે પણ એવી વાતો ચાલતી હતી કે ભાજપનું આ આત્મઘાતી પગલુ છે પરંતુ તેમાં ભાજપ 100 ટકા સફળ થયું. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બન્ને સૌરાષ્ટ્રના હોવા છતાં અન્ય પ્રાંતમાંથી પક્ષને સારા પરિણામો મળ્યા.
જીતુભાઈ વાઘાણીના સ્થાને જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે મુળ મરાઠા એવા સી.આર.પાટીલની નિમણૂંક કરવામાં આવી ત્યારે પણ એવું લાગતું હતું કે, ભાજપ શું ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવા માંગે છે. રાજ્યમાં સૌથી વધુ વસતી ધરાવતા પાટીદાર સમાજને સાઈડ લાઈન કરી રાજ્યમાં જે સમાજની જૂજ વસ્તી છે તેને પ્રદેશ પ્રમુખ પદ આપી દેવામાં આવ્યું પરંતુ આ અટકળો ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં સદંતર ખોટી પડી. વિધાનસભા-2017ની ચૂંટણીમાં જે આઠ બેઠકો કોંગ્રેસ જીત્યું હતું તે તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો અને ગુજરાતની જનતાએ પરિવર્તન પર મહોર લગાવી દીધી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટે ભાજપે કેટલાંક નીતિ નિયમો નક્કી કર્યા, 60 વર્ષથી વધુ વય ધરાવતા, સતત ત્રણ કે તેથી વધુ ટર્મથી ચૂંટાતા કે ભાજપના સંગઠનના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવાનો આંચકારૂપ નિર્ણય લીધો ત્યારે એવું લાગતું હતું કે, વિધાનસભાની ચૂંટણી જંગના સતાના સેમીફાઈનલ સમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થશે પરંતુ યુવા અને નવા ચહેરાને તક આપવાની પરિવર્તનની ભાજપની પ્રણાલીનો મતદારોએ સહર્સ સ્વીકાર કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો સૌથી મોટો વિજય થયો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે સવા વર્ષનો સમય ગાળો બાકી રહ્યુ છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ આવશ્યકતા ન હતી. છતાં ગુજરાતને પોલીટીકલી લેબ માનતી ભાજપે મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીનું અચાનક રાજીનામુ લઈ લીધુ અને સાડા છ કરોડ ગુજરાતીઓને ચોંકાવી દીધા. રૂપાણીના રાજીનામાથી મોટી સરપ્રાઈઝ મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઈ પટેલની વરણી હતી. અનેક મોટા માથાઓને બેસાડી પ્રથમવાર ચૂંટાયા હોવા છતાં ભુપેન્દ્રભાઈને ગુજરાતની ગાદી સોંપી દેવામાં આવી.
મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીને રાતો રાત હટાવી દેવામાં આવ્યા તે વાત આંચકારૂપ માનવામાં આવી રહી છે પરંતુ વિજયભાઈને સંપૂર્ણપણે વિશ્ર્વાસમાં લીધા બાદ જ “રિસ્ક હૈ તો ઈશ્ક હૈ” ઓપરેશન પાર પાડવામાં આવ્યું. જો કોઈ એકાદ-બે મંત્રીની હકાલપટ્ટી કરવામાં આવે તો અસંતોષની આગ ફાટી નીકળે તેવી સંભાવના દેખાતા ભાજપે ખુદ રાજા પાસે જ પહેલા સિંહાસન ખાલી કરાવી લીધુ અને હવે તમામ રાજ દરબારી અર્થાત મંત્રી મંડળના પૂર્વ સભ્યોને ઘેરભાગા કરવાની તૈયારી કરી લીધી છે.
આ વાત હાલ ભલે પક્ષના નેતાઓ અને ગુજરાતના લોકોને ભાજપ માટે આત્મઘાતી લાગી રહી હોય પરંતુ આની પાછળ મોદી અને શાહની જોડીની જબરી વ્યૂહરચના છે. સમયાંતરે પરિવર્તન ન સ્વીકારનારો પક્ષ ભવિષ્યમાં પોતાના અસ્તિત્વને ટકાવવા માટે સતત ઝઝુમતો રહે છે. ભાજપે આવું ન કરવું પડે તે માટે અત્યારથી જ સોલીડ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના આડે સવા વર્ષ જેટલો સમયગાળો બાકી હોય, નેતૃત્વ પરિવર્તન માટેનો કોઈ સચોટ મુદો ન હોય, છતાં એક ઝાટકે નેતૃત્વ પરિવર્તન કરવાનું જોખમ માત્રને માત્ર ભાજપ જ ઉઠાવી શકે અન્ય કોઈ પક્ષમાં આવું જોખમ ઉઠાવવાની તાકાત કે હિંમત નથી. જે રીતે મુખ્યમંત્રી પદ પણ હસતા મોઢે ત્યાગ કરી દેવું અને નવા સીએમનું નામ પોતે જ મુક્વુ તે ભાજપ જેવા પક્ષના સંનિષ્ઠ કાર્યકર વિજયભાઈ રૂપાણી જ કરી શકે.
રૂપાણી પ્રધાન મંડળના તમામ સભ્યોને પડતા મુકવાની હિંમત પણ ભાજપે કરી છે. ભલે આ પગલાને પક્ષ માટે જોખમી માનવામાં આવતું હોય પરંતુ વર્ષોથી પક્ષ માટે કામ કરનારાઓ માટે આ પગલુ ખુબ સારૂ છે. હવે નવા ચહેરાઓને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળશે. હાલ ખાબડ-ખુબડ લાગતો રસ્તો આગળ જતાં સિક્સલેન પણ સાબિત થાય. ભાજપે ક્યારેય જાતિવાદ આધારિત રાજકારણને મહત્વ આપ્યું નથી તેવું જીવંત ઉદાહરણ મુખ્યમંત્રીપદે 2016માં વિજયભાઈ રૂપાણીની વરણી છે. આ સમયે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું ત્યારે ભાજપે પાટીદાર મુખ્યમંત્રીના સ્થાને રાજ્યમાં ખૂબ જ ઓછી વસતી ધરાવતા જૈન સમાજમાંથી આવતા વિજયભાઈને ગુજરાતની ગાદી સોંપી અને એવો સંદેશો આપ્યો કે ભાજપ ક્યારેય જાતિ-જ્ઞાતિ આધારિત રાજનીતિ સામે ઝુકશે નહીં. પાંચ વર્ષ શ્રેષ્ઠ શાસન કરનાર વિજયભાઈને રાજીનામુ અપાવી 24 કલાકમાં નવા મુખ્યમંત્રીની નિમણૂક કરી તે ભાજપ જ કરી શકે.
જો આવું અન્ય કોઈ પક્ષમાં થાય તો વિધાનસભામાં વિશ્ર્વાસનાં મત લેવા અને બહુમતિ સાબીત કરવાના પારખા કરવા પડે. જૂથવાદનો ચરૂ ભયંકર હદે લલકારા મારવા લાગે પરંતુ શિસ્તબદ્ધ પાટીમાં નેતૃત્વ પરિવર્તન પણ ખુબ જ સહજતાથી સ્વીકારી લેવામાં આવ્યું. વિજયભાઈ રૂપાણી જેવા પાયાના કાર્યકરે પક્ષની પરિવર્તનની વ્યૂહ રચનાને હસતા મોઢે સ્વીકૃતિ આપી અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ.
ભાજપમાં અસંતોષ કે જૂથવાદનું આયુષ્ટ લાંબુ હોતુ નથી. રૂપાણી પ્રધાન મંડળના તમામ સભ્યોને પડતા મુકવાના અહેવાલથી મચેલા ખળભળાટના કારણે ભલે મંત્રી મંડળની શપથવિધિ એક દિવસ પાછી ઠેલાઈ મોટા માથાઓ નારાજ હોવાની વાતો વહેતી થઈ પરંતુ થોડા દિવસોમાં જ ફરી ઘીના ઠામમાં ઘી પડી જશે અને નારાજ નેતાઓ પણ કમળને સોળે કળાએ ખીલવવા મજબૂતી સાથે મહેનત કરવા માંડશે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ વાત ભાજપ માત્ર જાણતું નથી પરંતુ સ્વીકારે પણ છે. જેથી સમયાંતરે જરૂર જણાય પરિવર્તન કરવામાં આવે છે. જ્યારે જ્યારે પરિર્વતન કરાયું ત્યારે પક્ષને તેના સર્વશ્રેષ્ઠ પરિણામો મળ્યા છે. ગુજરાતમાં ફરી રિપીટ થવા માટે ભાજપે નો-રિપીટની થિયરી અપનાવી છે.
પરિવર્તન ન કરનારો પક્ષ ખત્મ થઈ જાય છે!
સમય સાથે પરિવર્તન ન કરનારો વ્યક્તિ કે રાજકીય પક્ષ સમય આવ્યે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. અથવા અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત ઝઝુમતો રહે છે. દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસે ક્યારેય પરિવર્તનનો સ્વીકાર કર્યો નથી. એક સમયે આખા દેશમાં કોંગ્રેસનો સૂર્ય ઝળહળતો હતો આજે એકલ દોકલ રાજ્યમાં કોંગ્રેસનું શાસન છે. પરિવર્તન ન સ્વીકારવું પરિવારવાદ અને જાતિવાદને સતત પ્રોત્સાહન આપવાનું આજે કોંગ્રેસને ભારે પડી રહ્યું છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યુ નથી. જે સાબિત કરે છે કે, સમયાંતરે પરિવર્તનનો સ્વીકાર નહીં કરો તો તમારૂ અસ્તિત્વ ભુંસાઈ જશે. ભાજપ માટે ભવિષ્યમાં આવું ન થાય તે માટે હાલની કેડર અત્યારથી જ મજબૂત પ્લેટફોર્મ બનાવી રહી છે. એક નેતાને ઘરભેગા કરવામાં આવે તો તેની કેડરના 10 મોટા માથા લાઈનમાં હોય છે.
ભાજપ માટે ગુજરાત “પોલીટીક્લી લેબ” કોઈપણ પ્રયોગ કરો પોઝિટીવ રિઝલ્ટ મળે
વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું માન-પાન ધરાવતી ભાજપનો જન્મ ગુજરાતમાં થયો છે. ગુજરાતથી ભાજપનો સુર્યોદય થયો અને હાલ પુરા ભારતમાં આ સૂર્ય ઝળહળી રહ્યો છે. રાજયમાં છેલ્લી છ ટર્મથી ભાજપનું રાજ છે. ગુજરાત એ ભાજપ માટે પોલીટીકલી લેબોરેટરી માનવામાં આવે છે. અહીં કરવામાં આવતા દરેક પ્રયોગનું પક્ષને પોઝિટિવ પરિણામ મળ્યું છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બન્ને સૌરાષ્ટ્રના હોવા છતાં રાજ્યભરમાં ભાજપનો વિજય વાવટો લહેરાયો છે. મુખ્યમંત્રી કે, પ્રદેશ પ્રમુખ બેમાંથી કોઈ પાટીદાર ન હોવા છતાં વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને 100 ટકા પરિણામ મળ્યું છે. અણધાર્યા નેતૃત્વ પરિવર્તનને પણ કાર્યકરોએ ગણતરીની કલાકોમાં સહર્સ
સ્વીકારી લીધુ છે. અહીં અન્ય પક્ષમાંથી આવનારને આવકારવામાં આવે છે અને પક્ષમાં રહી પક્ષને નુકશાની પહોંચાડનારને પણ યોગ્ય રસ્તો દેખાડવામાં આવે છે. દેશભરમાં જે નિયમો લાગુ કરવાનો ભાજપ નિર્ણય લે તેનો અખતરો ગુજરાતથી કરવામાં આવે છે. ગુજરાતની લેબમાં સફળ રહેલો ટેસ્ટ આખા દેશમાં સફળ રહે છે. આખા મંત્રી મંડળને ઘરભેગુ કરી નવા ચહેરાને તક આપવાની પક્ષનું જોખમ એ વિધાનસભાની ચૂંટણી પહેલાનો એક પ્રકારનો ટેસ્ટ જ છે. જેનું રિઝલ્ટ વર્ષ 2022માં આવશે.
જાતીવાદ આધારિત રાજનીતિથી પક્ષને ઉપર લઈ જવા માંગે છે શાહ-મોદી
આઝાદી પછી ભારતમાં રાજ કરવા માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાતિવાદ આધારિત રાજનીતિના વાડા ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ હવે જાતિવાદ આધારિતના રાજનીતિના બદલે કૌશલ્ય ધરાવતા નેતાઓને વધુ પ્રાધાન્ય આપવાનો સમય પાકી ગયો છે અને આ સમયને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બરાબર પારખી લીધો હોય તેવું લાગી રહ્યું છે. જાતિવાદ આધારિત રાજનીતિના દળદળમાંથી મોદી અને શાહની જોડી કમળને ઉપર લઈ જવા માંગે છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી પાટીદાર સમાજની છે. 2016માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું ત્યારે રાજયમાં સૌથી ઓછી વસ્તી
ધરાવતા જૈન સમાજમાંથી આવતા વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવી મોદી-શાહની જોડીએ દેશવાસીઓને એક મેસેજ આપી દીધો હતો કે, તેઓ હવે જાતિવાદ આધારિત રાજનીતિને પ્રાધાન્ય આપવાના પક્ષમાં નથી. પક્ષ પ્રત્યે નિષ્ઠાથી કામ કરનાર અને ટેલેન્ટ ધરાવતી વ્યક્તિને જ સિંહાસન સોંપવા માંગે છે.
મોટા માથાને બેસાડી દેવા પાછળ ભાજપની જબ્બરી વ્યુહ રચના
રૂપાણી સરકારના પ્રધાનમંડળને ઘરભેગુ કરી દેવામાં આવ્યું છે. વર્ષોથી સરકારનો ચહેરો રહેલા નીતિન પટેલ, સૌરભ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, કૌશિક પટેલને પણ ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. મોટા માથાઓને સમય રહેતા બેસાડી દેવા પાછળ ભાજપની જબરી વ્યૂહ રચના હોવાનું જણાય રહ્યું છે. ભલે હાલ એવી ચર્ચા થઈ રહી હોય કે, ભાજપ માટે આ એક આત્મઘાતિ પગલું છે પરંતુ હાઈ કમાન્ડ દ્વારા પુરતું હોમવર્ક કરાયા બાદ જ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અને ત્યારબાદ પ્રધાન મંડળના તમામ સભ્યોને રીપીટ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતના દિવસોમાં ચોક્કસ થોડી અફરા-તફરી અને અસંતોષની લાગણી ઉભી થશે પરંતુ ત્યારબાદ આ વ્યૂહરચના તેનું પરિણામ આપવા લાગશે. પરિવર્તન કરવું અને સ્વીકારવું તે ભાજપનો પાયાનો સિદ્ધાંત છે.
કોંગ્રેસમાંથી આવેલાને પહેલા સિંહાસન અપાયું હવે ચારણો મરાયો
2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ડબલ ડીઝીટમાં સમેટાઈ ગયું હતું. જો કે ત્યારબાદ કોંગ્રેસના નારાજ નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી ભાજપે તેને કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવ્યા હતા. કોંગ્રેસમાં દબદબો ધરાવતા નેતાઓ ભાજપમાં પોતાનું ખાસ વર્ચસ્વ ઉભુ કરી શક્યા નથી. આ ઉપરાંત તેઓના આગમનથી પક્ષને ધાર્યો ફાયદો પણ ન થયો હોવાનું માલુમ પડતા હવે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા મોટામાથાઓને ચારણા મારવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. પેરાશુટ મંત્રીઓને ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાંથી ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. ભલે તેઓ કોંગ્રેસમાં સર્વેસર્વા મનાતા હોય પરંતુ ભાજપમાં તેઓ વજન ઉભુ કરવામાં નિષ્ફળ રહ્યાંના કારણે તેમને યોગ્ય રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિવર્તનના શ્રેષ્ઠ પરિણામો મળ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટે છેલ્લી ઘડીએ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કેટલાંક નિયમોની અમલવારી કરવામાં આવી હતી. જેમાં 60 વર્ષથી ઉપરના નેતાઓને ટિકિટ ન આપવી, સતત ત્રણ ટર્મ કે તેથી વધુ વખત ચૂંટાયેલાઓને ટિકિટ ન આપવી, સંગઠનના હોદ્દેદારોના સગા-વ્હાલાને ટિકિટ ન આપવા જેવા નિયમો બનાવવામાં આવ્યા હતા. શરૂઆતના તબક્કામાં આ પરિવર્તનથી જબરો દેકારો બોલી ગયો હતો. વર્ષોથી મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પક્ષનો ચહેરો મનાતા મોટા માથાઓની ટિકિટ કપાતા નારાજગી શરૂ થઈ હતી. પરંતુ મતદારોને પક્ષની આ પ્રણાલી જાણે ખુબજ પસંદ પડી હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો હતો. રાજકોટમાં બેઠકની દ્રષ્ટિએ ભાજપનો સૌથી મોટો વિજય થયો હતો. તમામ 6 મહાપાલિકાઓમાં 2/3થી પણ વધુ બહુમતિ સાથે ભાજપ વિજેતા બન્યું હતું. જ્યારે 33 જિલ્લા પંચાયતમાંથી 31માં ભાજપનો વિજય થયો હતો. ટૂંકમાં પરિવર્તનના શ્રેષ્ઠ પરિણામો પક્ષને પ્રાપ્ત થયા છે.
બિનઅનુભવીઓથી અધિકારીરાજનો ખતરો, પણ અખતરાથી જ અનુભવ મળે
કોઈપણ વ્યક્તિને પહેલીવાર જ્યારે કોઈપણ કામ સોંપવામાં આવે ત્યારે તે બિનઅનુભવી જ હોય છે. સમય અને કામ જ તેને અનુભવી બનાવે છે. નરેન્દ્રભાઈ મોદીને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તેઓની પાસે પણ વહીવટી અનુભવ હતો. આજે તેઓ વિશ્ર્વ કક્ષાના નેતા બની ગયા છે. બિન અનુભવીઓને સુકાન સોંપવામાં આવે તો અધિકારી રાજનો ખતરો ચોક્કસ રહેલો હોય છે પરંતુ અખતરા કરવાથી જ અનુભવ મળે તે વાત પણ એટલી જ સાચી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂના જોગીઓને કાંપી તેના સ્થાને નવાને તક આપવામાં આવી. આજે તેઓ પદાધિકારી ખુરશી પર બેઠા છે અને ટનાટન વહિવટ ચલાવી રહ્યાં છે. જો નવા ચહેરાને તક આપવામાં ન આવે તો જૂના જોગીની સાથે કામગીરી પણ “ઘરડી” થઈ જાય છે.