શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં ઠાકોરજીને ગંગાજળથી અભિષેક

હિમાલયની ગોદમાં ગંગાજીને કિનારે ઋષિકેશમાં મુનિજી મહારાજ સંચાલિત પરમાર્થ નિકેતન ધામમાં એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તારીખ ૧૮-૧૦-૨૦૧૯ થી ૨૪-૧૦-૨૦૧૯ દરમ્યાન સત્સંગ સાધના શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. શિબિરાર્થીઓને જમવા તથા રહેવાની વ્યવસ્થા પરમાર્થ નિકેતનમાં કરવામાં આવી છે. શિબિરના પ્રારંભે ઘનશ્યામ ભગત તથા તીર્થસ્વરૂપદાસજી સ્વામીએ હેલી આજનો દિવસ રળિયામણો રે… એ કીર્તન દ્વારા કર્યો હતો. કીર્તન સમાપ્તિ બાદ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય મુનિજી મહારાજ, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ગુજરાત હાઇકોર્ટના જજ ઢોલરીયા તથા મસ્કતથી પધારેલા રામજીભાઇ હીરાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ સ્નેહમિલનનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ સંતોએ ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીને ચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું. ત્યારબાદ તમામ સંતોને પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ચંદનની અર્ચા કરી રક્ષાસૂત્ર બાંધ્યું હતું.  પ્રાસંગિક પ્રવચન કરતા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ ગંગાજીના તટ ઉપર પગ મૂકતા જ હૃદયમાં અત્યંત શાંતિ વર્તે છે. આ ભૂમિ ઉપર અનેક સંતો અને મહંતોએ તપ કરેલ છે. ખરેખર આ તપોભૂમિ છે. ભગીરથ તથા ભરતજી જેવા મોટા મોટા રાજાઓએ પોતાનું રાજ છોડીને આ ગંગાજીને કિનારે તપ કરેલ છે. જીવનમાં મહાપુરુષોને સત્કાર્યો કરતાં કરતાં અનેકવાર વિષ પીવાનો વારો આવતો હોય છે. સંતો વિષપાન કરીને પણ વિશ્વનું મંગળ કરતા હોય છે. ગુરુકુલની સ્થાપના કરનાર શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજીએ પણ અનેક કષ્ટો વેઠીને લોકકલ્યાણકારી કાર્યો કર્યા હતા. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મુનિજી મહારાજનો હૃદયનો નિખાલસ પ્રેમ અમોને અહીં પરમાર્થ નિકેતનમાં ખેંચી લાવે છે. મુનિજી મહારાજ વિઝનરી સંત છે. તેઓ ગ્રીન-ઇન્ડિયા, ક્લિન-ઇન્ડિયા માટે જબરો પુરુષાર્થ કરી રહ્યા છે.

A68I2955

તેઓ સંવાદના સંત છે, એમણે વિવિધ ધર્મો વચ્ચે સેતુ રચવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સાંજે ચાર વાગ્યે ગંગાજીને કિનારે ગંગાસ્નાનનો કાર્યક્રમ યોજાયો હતો.

સંતોએ ઠાકોરજીને ગંગાજળથી અભિષેક કર્યો હતો પછી પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ સર્વ ભક્તજનોને ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું. સાંજના સમયે મુનિજી મહારાજ તથા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના પવિત્ર સાનિધ્યમાં ગંગાજીની ભવ્ય આરતી થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.