કોપર અને કાસામાંથી બનતા માટલામાં આંગળી વડે સંગીત પ્રસ્તુતી અને કથાનો રસ પીરસતી કલા એટલે માણભટ્ટ
શહેરના રામકૃષ્ણ આશ્રમ ખાતે ચાલી રહેલા વાર્ષિક મહોત્સવમાં માણભટ્ટ કલાના જાણકાર ધાર્મિકલાલ પંડયા રાજકોટના આંગણે આવ્યા છે ત્યારે ત્રણ દિવસ સુધી ચાલનારી કથામાં નળાખ્યાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આવતીકાલે ભરત મિલાપ કાર્યક્રમ વિશે આખ્યાનનું આયોજન થનાર છે. ત્યારે માણભટ્ટની સંસ્કૃતિને જીવંત રાખતા ધાર્મિકલાલ પંડયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માણ એટલે નાટલા સાથે રજૂ કરવામાં આવતી કળા છે. જે પ્રેમાનંદ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કથાની સાથે માણભટ્ટને માધ્યમ‚પી વગાડી સરસ મજાનું સંગીત બનાવાય છે. માણભટ્ટની કલા ૪૦૦થી વધુ વર્ષ જૂની છે.
ચાર વેદોના એક રૂગ્વેદમાં ગર્ગર શબ્દનો ઉપયોગ થયો હતો. જેનો ઉચ્ચાર ગાગર થતું હતું. તેના ઉપરથી માણ શબ્દ ઉદભવ્યો માણ એટલે કે પાત્ર. તાલબદ્ધ તરીકે રામાયણના પ્રસંગોને વર્ણવવામાં આ રાગનો ઉપયોગ થતો હતો. મને આ કળા મારા પિતાજી પાસેથી વારસામાં મળી છે. જેનું નામ ચુનીલાલ પંડયા છે એ જ મારા પિતા, શિક્ષક અને ગુરૂ છે.માણભટ્ટ કલાને આજે ખૂબજ ઓછા લોકો જાણે છે અને તેને પ્રોત્સાહન પણ નથી મળતું. આ કળા રામલીલા, ભવરી જેવી રજૂઆતમાં પ્રસ્તુત કરવામાં આવે છે. જો માણભટ્ટને પણ પ્રોત્સાહન મળે તો આ કળાને લુપ્ત થવાથી બચાવી શકાય. મારા પ્રાણ છે ત્યાં સુધી તો હું આ કલાને લુપ્ત નહીં થવા દઉં. ૨ વર્ષની ઉંમરથી આ કલા વિશે જાણવાની શ‚આત કરી. ૮૭ હાલની મારી ઉંમર છે. આટલા વર્ષોથી માણભટ્ટ સાથે જોડાયેલ છું.
પહેલાના સમયમાં માટીથી માણભટ્ટ માટે માટલું બનાવવામાં આવતું હતું. તેમાં કોપરનો ઉપયોગ થવા લાગ્યો બાદમાં કાંસા અને કોપરથી બનાવાયેલા માટલામાં આંગળી વડે માણભટ્ટ પ્રસ્તુતીની શરૂ આત થઈ. માણભટ્ટ જેવી કલાઓ આપણો વારસો છે, સંસ્કૃતિ છે તેને જીવંત રાખવા માટે સતત પ્રયાસ થવા જોઈએ. જો તેના માટે કોઈ સંસ્થાઓ કે શાળાઓનું નિર્માણ થાય તો આ કળાને બચાવી શકાય છે.