મોટાભાગની ખાનગી શાળાનો ઉદય ટ્યુશન ક્લાસમાંથી થયો છે, છાત્રોને સ્વ. અધ્યનમાં પડતી મુશ્કેલી અને વાલીઓને નવા અભ્યાસક્રમનું નહિવત જ્ઞાન મુખ્ય કારણ

અગાઉ આવી કોઇ સિસ્ટમ ન હતી: બાળકો વર્ગખંડમાં જ બધુ શીખી લેતા,

ભણી લેતા: આજે છાત્રોનો આત્મવિશ્ર્વાસ ડગતા તે આ તરફ વળ્યો

આજની 21મી સદી જ્ઞાનની સદી છે, જ્ઞાન એ જ પૈસો છે. આજે ડગલેને પગલે શિક્ષણની જરૂર પડે છે. આજે ભણતર વગર નાની કોઇ કિંમત નથી. સારૂ શિક્ષણ સારી નોકરી સાથે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરે છે. ઘણા સફળતા મેળવેલ ઉદ્યોગપતિ સાવ ઓછું ભણેલા હોય છે. ભણતર સાથે ગણતરની કુનેહ પણ જરૂરી છે. શિક્ષણથી માનવી શ્રેષ્ઠ નાગરિક બને છે અને ઘણા ગુણો સાથે જીવનની વિવિધ રીતભાત શીખે છે. પહેલાના શિક્ષણ કરતાં અત્યારનું શિક્ષણ ઘણા બધા ક્ષેત્રે અલગ પડતું હોવાથી પ્રારંભના ધોરણમાં મા-બાપ મદદ કરી શકે પછી તો તેને પણ તકલીફ પડવા લાગે છે. ટ્યુશન ક્લાસ અને વર્ગખંડના શિક્ષ ઘણી રીતે અલગ જોવા મળે છે. આજે તો ગામડાં કે શહેરમાં ટ્યુશન ક્લાસનો રાફડો ફાટી નીકળ્યો છે.

આજથી ચાર દાયકા પહેલા કે અગાઉ બાલમંદિરો છોકરા શાળાએ જતાં ટેવાઇ જાય તે માટે કાર્યરત હતા જેમાં રમેને નાસ્તો કરીને પરત આવે તેજ સિસ્ટમ આગળ વધતાં ધીમેધીમે ક્લાસીઝના ફોર્મેટમાં ગોઠવાઇ ગઇ કે ખબર જ ના પડી. ટ્યુશન ક્લાસના ઉદ્ય પાછળ સામાન્ય પ્રશ્ન થાય કે આ બાબતે કોણ નબળું પડ્યું શિક્ષક કે છાત્ર ? તે પ્રશ્ન વિચાર કરતો છે. શાળાકિય લેવલે રજાના દિવસો બાદ કરતા 230 આસપાસના દિવસોમાં દરેક વિષયનો અભ્યાસક્રમ પૂરો શિક્ષક કરાવે જ છે. પાઠના અંતે આવતા પ્રશ્નો જવાબો કે ગૃહકાર્ય પણ શિક્ષક આપે છે. સાથે આગલા દિવસનું દ્રઢિકરણ પણ કરાવે છતાં વિદ્યાર્થીને શાળા સમય ઉપરાંત રમવાના કલાકોમાં ટ્યુશનની જરૂર કેમ પડે?

મોટાભાગની ખાનગી શાળાનો ઉદય થયો એ પહેલા તેના ક્લાસિઝ ચાલતા હોવાનું જણાય છે. શિક્ષકે વર્ગખંડ કાર્ય કરાવે જ છે ત્યારે છાત્રો બે ધ્યાન હોય કે ગે.હા. રહે તો જ તેને તે વસ્તુની ખબર ના પડે બાકી તો વર્ગના અન્ય બાળકોની જેમ તેને પણ આવડવું જોઇએ. એક વાત છે કે દરેક છાત્રની શિખવાની ક્ષમતા એક સરખી ન હોય પણ થોડું ઘણુ તો આવડવું જ જોઇએ. અહિં શિક્ષક નબળો કે છાત્ર તેની ખબર આપણને પડે છે. આજે તો સ્વઅધ્યનપોથીમાં બાળક જાતે સમજી વિચારીને તેમાં જણાવેલ વિગતો પૂર્ણ રીતે ભરે તો પણ બે વાર રિવીઝન થઇ જાય છે. અગાઉ તો બાળક વર્ગખંડમાં બધુ શિખી જતો હતો અને જો ન આવડે તો ‘મેથીપાક’ દેવાની પણ છૂટ હતી.

26

આજે શિક્ષણમાં છાત્રોનો આત્મવિશ્ર્વાસ ડગ્યો છે, એ પોતે જ મને નહીં આવડે એવી માન્યતા સાથે વધારાના ટ્યુશન ક્લાસ તરફ ઢળે છે. ટ્યુશન વર્ગ વ્યક્તિગત હોય તો સારૂ કહેવાય પણ અહિં વર્ગખંડની જેમ બાળકો નાનકડી જગ્યામાં ભરવાથી સમય બરબાદીથી વધુ કાંઇ વળતું નથી. ઉલ્ટાનું શાળા ઉપરાંત ક્લાસીઝનું લેશન પણ કરવું પડે છે. અગાઉ કરતાં હાલ અભ્યાસક્રમોમાં ધો.1 થી 5માં ગમે તેને વાંધો ન આવે પણ ધો.6 થી 8ને ધો.9 થી 12માં તો આજના મા-બાપો કે ભણેલાનેપણ તકલીફ પડતી હોવાથી મા-બાપો સામેથી ટ્યુશન રખાવી આપે છે, જો કે અહિં તેમણે બધું જ આવડી જાય તેવું હોતું નથી. ઉચ્ચ શિક્ષણ મેળવેલ બાળકના વાલીઓ પોતાના સંતાનોને ગૃહકાર્ય સાથે મહાવરા-રિવીઝન અને નિયમિત દ્રઢિકરણ કરાવતા હોય છે. તેથી તેને આવા શાળા બહારનાં ક્લાસીઝની જરૂરીયાત ઓછી પડે છે. સારા શિક્ષણ આપતા શૈક્ષક્ષિક સંકુલોના છાત્રોને પણ ટ્યુશન ક્લાસીઝની નહિંવત જરૂરિયાત રહે છે. અમુક શિક્ષકો તો શાળા સમય બાદ પણ છાત્રોને ન સમજાતા ટોપીક પર વ્યક્તિગત સમજ આપીને તેને હિંમત અને પ્રોત્સાહન આપે છે જે ખૂબ જ સારી બાબત છે. શિક્ષણમાં શિક્ષક બાળકનાં રસ-રૂચિ-વલણોને ધ્યાને લઇને શૈક્ષક્ષિક રમકડા-દ્રશ્ય શ્રાવ્ય સાધનો કે સ્માર્ટ ક્લાસની મદદથી શિક્ષણકાર્ય કરાવતો હોય તો તેને એકમ સમજવાની મઝા આવે છે. શિક્ષણની વિવિધ ટેકનિક આજના છાત્રોને વિશેષ ગમતી હોવાથી શિક્ષકે તેને અનુસરવું પડશે. આજે સૌને ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી અઘરા લાગે છે તેની પાછળનું કારણ આ વિષયનું નામ સાંભળતા જ છાત્રની હિંમત તૂટી જાય છે. તેને ક્લાસીઝ રાખવા પડશે એવું પોતે જ નક્કી કરી લે છે. મા-બાપો પણ શાળા કે શિક્ષકો કંઇ કરાવતા જ નથી. તેથી મારા પુત્રોને વધારાના ટ્યુશનની જરૂર છે એમ સ્વીકારીને ક્લાસીઝમાં જોતરી દે છે. વર્ષોથી એક જ ઘરેડમાં ભણાવતો શિક્ષકને આજનો છાત્રો સ્વીકારતો નથી. આજે તો વિષય વાઇઝ શિક્ષકો અને હાય ક્વોલીફાઇડ શિક્ષકો આવવાથી જેને ભણવું જ છે તેને કોઇ મુશ્કેલી પડતી જ નથી. ગરીબ ઘરની છાત્રા પણ બોર્ડમાં વગર ટ્યુશને  માત્ર વર્ગખંડના શિક્ષણ સાથે ઘરે નિયમિત લેશન કાર્યથી બોર્ડમાં નંબર મેળવે છે ત્યારે આપણે હજી આપણાં સંતાનોનું બચપન છીનવીને શાળા સમય બાદ પણ વધારાનું ટ્યુશન વર્ક કરાવીએ છીએ.

બાળક જેમ ઉપલા ધોરણમાં આવે તેમ અઘરા વિષયો સાથે ભણવાનું વધુ થતાં તેને થોડા સંધિયારાની જરૂર પડે એ સ્વાભાવિક છે. આપણે તો ધો.10નું બોર્ડ આવે એ પહેલા જ તેને ધો.9 થી ધ્યાન રાખવાનું સતત ટોકટોક કરવાથી બાળક નાશીપાસ થઇ જાય છે. ધો.10-12ના બોર્ડને તો આપણે કોઇ ઉચ્ચ ડિગ્રી ગણવા લાગીએ છીએ આ તણાવને કારણે જ કે શિક્ષણના ભારથી છાત્રો આપઘાત કરી લેતા જોવા મળે છે. સારા કૌટુંબિક વાતાવરણમાં બાળકનો ઝડપી વિકાસ થાય છે, સાથે તેનો સામાજીક, માનસિકને શારિરીક વિકાસ પણ થતો હોય છે. દરેક બાળકનું શૈક્ષણિક પ્રદર્શન ક્યારેય એક સરખુ ના હોય શકે. દરેકની ક્ષમતા શીખવાની જુદી હોય શકે છે. કોઇપણ બાળકમાં એક-બે શ્રેષ્ઠ છૂપી કલા હોય હોવાથી સવારથી સાંજ શાળા સમય બાદ વિવિધ કોચિંગ ક્લાસમાં ધકેલી દઇને સંતોષ માની લેતા હોય છે. સંતાનોમાં ક્યારે મા-બાપે પોતાના સપના ના જોવા જોઇએ તેને તેની ક્ષમતા મુજબ આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપવું જરૂરી છે.

સંતાનોની શૈક્ષણિક સિધ્ધી માટે માતા-પિતાએ દ્રષ્ટિકોણ બદલવો પડશે

આજે દરેક મા-બાપો પોતાના સંતાનોની સરખામણી અન્ય બાળકો કરે છે. બાળકની જરૂરિયાત-ભાવના અને અપેક્ષાને સમજવી જરૂરી છે. વધુ પડતાં ‘ટોલ્ચીંગ’ને કારણે બાળક વ્યક્તિગત થઇ જાય છે. આજના મા-બાપે સમજવું જોઇએ કે માત્ર શૈક્ષણિક સિધ્ધીઓ જ બાળકના સફળ જીવન માટે નિર્ણાયક પરિબળ નથી, તેથી પોતાનો દ્રષ્ટિકોણ બદલવો જરૂરી છે. બાળક સાથે હમેંશા હકારાત્મક વલણ જ રાખવું. થોડી મહેનત કરીને નિયમિત લેશન કરે એટલે તને બધું જ આવડી જ જાય તેવી પ્રેરણાત્મક વાતોથી તેનું મનોબળ વધારવાની જવાબદારી મા-બાપની છે. બાળક પાંચ કલાક જ શાળામાં હોયને બાકીની તમામ કલાકો તમારી સાથે હોવાથી તેના ઉછેર સાથે પ્રોત્સાહન આપવાની જવાબદારી મા-બાપની છે. બાળકને શું ગમે છે તે માત્ર મા-બાપને જ ખબર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.