કોઈ પણ જાતિ કે સંપ્રદાયમાંથી આવો પરંતુ તેના માટે જ કાર્ય કરવું એ આપના વ્યકિતત્વ પુરતુ સિમીત રાખો: સ્વામી ધર્મબંધુજી

પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિરમાં કર્નલ તુષાર જોષી, ઉધોગપતિ વસંતભાઈ ગજેરા, વૈજ્ઞાનિક વિજયાલક્ષ્મીએ પ્રવચનો આપ્યા

પ્રાંસલા મુકામે રાષ્ટ્રકથા શિબિરના પાંચમાં દિવસના સત્રમાં સ્વામી ધર્મબંધુજી ઉપરાંત ઈસરોના પૂર્વ ચેરમેન ડો.એ.એસ.કિરણકુમાર, ઉત્તરપ્રદેશના પૂર્વ રાજય પોલીસ વડા વિક્રમસિંઘ, ઉધોગપતિ વસંતભાઈ ગજેરા, સ્વામી ધર્મબંધુજીએ શિબીરાર્થીઓને રાષ્ટ્રવાદ સભર સફળ નેતૃત્વ માટે આગળ આવવા આહવાન કર્યું હતું. આપ કોઈ પણ જાતિ કે સંપ્રદાયમાંથી આવો પરંતુ તેના માટે જ કાર્ય કરવું એ આપના વ્યકિતત્વને સિમીત રાખી દેશે. આપ સમસ્ત રાષ્ટ્ર માટે ચિંતન કરો, રાષ્ટ્રના ઉત્થાનમાં યોગદાન આપો અને રાષ્ટ્રવાદથી સભર નેતૃત્વ આપો. જયારે પણ મતદાન કરો ત્યારે જાતિવાદથી ઉપર ઉઠીને મતદાન કરો. વધુમાં સ્વામીજીએ રાષ્ટ્રવાદસભર નેતૃત્વ માટે સફળ સાર્થક વ્યકિતત્વ નિર્માણ માટેના સાત સુત્રો વિશે વિસ્તારથી સમજાવ્યું હતું.

IMG 20200101 WA0036

ઈસરોના પૂર્વ ચેરમેન ડો.એ.એસ.કિરણકુમારએ ભારતમાં અવકાશ વિજ્ઞાનના પ્રણેતા ડો.વિક્રમ સારાભાઈને જન્મ શતાબ્દીએ આદર વંદન કરતા જણાવ્યું કે, આજે રાષ્ટ્ર અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. અવકાશ વિજ્ઞાનથી માહિતી પ્રસારણ, માછીમારી, નેવીગેશન, કૃષિ ક્ષેત્ર, હવામાન એમ વિભિન્ન ક્ષેત્ર થવાથી રાષ્ટ્રની સમૃદ્ધિમાં વૃદ્ધિ થવા પામી છે. જેમ કે માછીમારી કરવા જતા નાવિકોને કઈ દિશામાં જવાથી વધુ માછલી મળશે તેની જાણકારી આપવાથી વર્ષે દહાડે વીસ હજાર કરોડ રૂપિયા જેટલા ખનીજ તેલની બચત થઈ શકે છે. આવી રીતે હવામાનની જાણકારીથી ચક્રવાત વિગેરેની પૂર્વ જાણકારીથી જાનહાની નિવારી શકાય છે. આવી જ રીતે કૃષિ ઉત્પાદનનો વર્તારો, સંદેશા વ્યવહાર, માહિતી પ્રસારણ એમ વિવિધ ક્ષેત્રે અવકાશ વિજ્ઞાનની ઉપયોગિતા સતત વધી રહી છે અને તેનાથી રાષ્ટ્રના નાગરિકોની સુખાકારી વધી રહી છે. વધુમાં તેમણે ઈસરો દ્વારા પીએસએલવી, જીએસએલવી, કાયોજેનિક એન્જીન વિગેરે ક્ષેત્રે સ્વનિર્ભરતાથી અન્ય દેશોના ઉપગ્રહ પણ આપણે ત્યાંથી છોડવામાં આવે છે. અત્યારે ૭૫ જેટલા ઉપગ્રહો ભારત રાષ્ટ્ર માટે સેવારત છે.

IMG 20200101 WA0041

કર્નલ તુષાર જોષીએ ગાંધીનગરમાં અક્ષરધામ પર ૨૦૦૨માં થયેલ આતંકવાદી એટેકની યોજનામાં કેવી રીતે આતંકવાદીઓનો સફાયો કર્યો તેની દિલધડક રજુઆત કરીને તેમણે કેવી રીતે બ્લેક કેટ કમાન્ડોનું નેતૃત્વ કર્યું તે જણાવીને શિબિરાર્થીઓને કયારેય ના ડરવું ‘ડર કે આગે જીત હૈ’ હંમેશા યાદ રાખવા અનુરોધ કરેલ. ઉત્તરપ્રદેશના પૂર્વ રાજય પોલીસ વડા વિક્રમસિંઘએ વિદ્યાર્થી જીવન દરમ્યાન સંયમ અને સાધનાથી જીવનની સફળતાનો રાહ કંડારવા વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે સમયની બરબાદી કરતા ટીવી, સોશિયલ મીડિયા અને વ્યસનોથી દુર રહેવાની શીખ આપી હતી. તેમણે ચોંકાવનારી વાત કરી હતી કે, આજે પ્રતિ દિઠ એક વ્યકિત ૧૦૦થી અધિક વખત મોબાઈલ ચેક કરે છે જે તેની એકાગ્રતામાં બાધકરૂપ બને છે. આથી એવું લાગે તો દિવસમાં માત્ર બે-ત્રણ વખત મોબાઈલ ચેક કરવાનો સમય નિર્ધારિત રાખો. વધુમાં જે વ્યકિત અશ્ર્લીલ ચિત્ર કે સાહિત્ય ત્રણ વર્ષ જુવે છે તે યોઘ્ધા બનવાનું ઝનૂન ગુમાવી ચુકે છે તેવા અમેરિકી સંશોધન વિશેની માહિતી આપીને આત્મસંયમ જાળવવા, બ્રહ્મચર્યાનું પાલન કરવા, યોગ, કસરત કરવા જણાવેલ. વધુમાં સપ્તાહમાં એક નવું પુસ્તક વાચનની આદત પાડવા જણાવેલ.

7537d2f3 1

સુરતના હીરાના ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ જાતિ, પ્રદેશવાદ, સંપ્રદાયવાદની સંકુચિતતામાંથી બહાર આવો. મંદિરમાં દાન આપવાને બદલે શિક્ષણ-જરૂરીયાતમંદને સહાય કરો. આપની પાસે ઉપલબ્ધ શકિતઓનો સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં લગાવો. યોગ્ય વૈચારિક શકિત, પ્રમાણિકતા, રાષ્ટ્રીય ભાઈચારાથી રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાન આપી શકાય. બેંગ્લોરથી આવેલ વૈજ્ઞાનિક ડો.વિજયા લક્ષ્મીએ શિક્ષકના સમાજ-રાષ્ટ્ર ઉત્થાનમાં મહત્વના યોગદાનની વળ કરી હતી. વિદ્યાર્થીઓને શુદ્ધ આહાર, પાણી નિયમિત આરોગ્યથી સારું શારીરિક, માનસિક સ્વાસ્થ્ય જાળવીને સારા નાગરિક બનવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.