કુવાડવા રોડથી ગૌરીદડ સુધી ફર્સ્ટ ફેઈઝમાં શરૂ કરાશે રીંગ રોડ-૩નું કામ: સ્માર્ટ સિટી અને હિરાસર એરપોર્ટ સાથે જોડાશે રિંગ રોડ: ઘંટેશ્વરથી કાલાવડ રોડ સુધી સેકન્ડ રિંગ રોડને ફોર લેન કરાશે

રાજકોટ શહેરી વિકાસ સતા મંડળની આજે ચેરમેન બંછાનિધી પાનીના અધ્યક્ષ સ્થાને ૧૫૬મી બોર્ડ બેઠક મળી હતી. જેમાં રીંગ રોડ-૩ને મંજુરીની મહોર મારવામાં આવી હતી. આ ઉપરાંત કાંગશીયાળી, પાળ, જશવંતપુર, ઢોલરા, પારડી, ખોખડદડ, લાપાસરી, વડાળી, કાળીપાટ, મહિકા, ઠેબચડા, અમરગઢ, થોરાળા, તરઘડીયા, માલિયાસણ સહિતના ગામોમાં નવી ૩૬ ટીપી સ્કીમો બનાવવા માટેનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. ત્રીજા રીંગ રોડના ફર્સ્ટ ફેઈસનું કામ કુવાડવા રોડથી શરૂ કરી ગૌરીદળ સુધીનું રહેશે.

આ અંગે વધુ માહિતી આપતા રૂડાના ચેરમેન અને મહાપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આજે મળેલી રૂડાની બોર્ડ બેઠકમાં રીંગ રોડ-૩ને ડેવલોપ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ફેઈસમાં કુવાડવા રોડથી ગૌરીદડ સુધીનો રહેશે. ગૌરીદડથી આ રોડને રીંગરોડ-૨ નજીક સ્માર્ટ સિટી સાથે જોડી દેવામાં આવશે અને હિરાસર ખાતે આકાર લઈ રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી જોડી દેવામાં આવશે. ૪ ફેઈસમાં રીંગ રોડ-૩નું કામ થશે જેમાં અમદાવાદ રોડથી જામનગર સુધી, જામનગર રોડથી કાલાવડ રોડ સુધી, કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધી અને ગોંડલ રોડથી અમદાવાદ રોડ સુધીનો રહેશે. રીંગરોડ-૩ નારણકા, પરાપીપળીયા, ન્યારા, વાજડી ગઢ, વેજાગામ, હરીપરપાળ, વાજડી વડ, ઢોલરા, પારડી, ખોખડદર, વડાળી, ઠેબચડા, ખેરડી, તરઘડીયા, માલિયાસણ, ધમલપર, નાકરાવાડી, રાજગઢ, ગૌરીદળ, આણંદપર, ઈશ્વરીયા, વાગુદડ, હરીપર, તરવડા, રાવકી, લોઠડા, કસ્તુરબાધામ, પીપળીયા અને નાગલપર સહિતના ૨૯ ગામોમાંથી પસાર થશે. આ રૂડાની બોર્ડ બેઠકમાં નવી ૩૬ ટીપી સ્કીમો બનાવવાનો ઈરાદો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ટીપી સ્કીમનું ક્ષેત્રફળ ૯૯૧૮.૬૧ હેકટરનું રહેશે. શહેરના કાલાવડ રોડ પર આવેલો મોટામવા સ્મશાન પાસેનો ઓવરબ્રીજ હાલ ટુ લેન્ડ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. આ બ્રીજને ફોરલેન કરવામાં આવશે.

આ ઉપરાંત સેકન્ડ રીંગ રોડને ઘંટેશ્વરથી કાલાવડ રોડ સુધી ફોરલેન કરવામાં આવશે. રૂડા વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે એક જેટીંગ મશીન અને ૬ ટીપરવાન ખરીદી કરવાનો આજે બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂડા વિસ્તારમાં અલગ-અલગ મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવા, રીંગ રોડ, ટીપી અને ડીપીના રસ્તા પર સર્કલ અને આઈલેન્ડ ડેવલોપ કરવા, મોટામવા, માધાપર, મહિકા, પારડી, વિરડા વાજડી ગામમાં સ્વર્ણિમ જયંતીમુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી પાણી પુરવઠાના કામો કરવા, ડેવલોપમેન્ટ પ્લાન્ટ ૨૦૩૧ની દરખાસ્તમાં ઝોનમાં ફેરફાર કરવા તથા કચેરી માટે ખરીદી ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (જીએમ) પોર્ટલ મારફત ખરીદી કરવા સહિતની દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.