સુપ્રીમ કોર્ટે હાથરસ ગેન્ગરેપ-હત્યા કેસમાં હિંસા ભડકાવવાનું ષડયંત્ર રચવાના આરોપમાં ધરપકડ કરાયેલા કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને જામીન આપ્યા છે. કપ્પનની 2020 માં હાથરસ જતા સમયે યૂપી પોલીસે ધરપકડ કરી હતી. યૂપી સરકારે કપ્પન વિરૂદ્ધ અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેંશન એક્ટ (યૂએપીએ) હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલામાં સુપ્રીમે અવલોકન કરતા કહ્યું હતું કે, ભારત દેશના બંધારણમાં સૌને વાણી સ્વતંત્રતા એટલે કે મુક્ત અભિવ્યક્તિ આપવામાં આવી છે અને તે અધિકારથી કોઈને વંચિત રાખી શકાય નહીં.

ખામીઓ ઉજાગર કરવા ક્યારેક વિરોધ પ્રદર્શન કરવો પણ જરૂરી છે: સુપ્રીમનું મહત્વપૂર્ણ તારણ

સુપ્રીમ કોર્ટે કપ્પનને જામીન આપતા કહ્યું હતું કે, કપ્પન એવો વિચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે આ પીડિતા છે જેને ન્યાયની જરૂર છે…. શું કાયદાની નજરમાં તે ગુનો છે? સુપ્રીમે વધુમાં ઉમેર્યું હતું કે, યુપી સરકારે કપ્પન વિરુદ્ધ યુએપીએ હેઠળ કેસ દાખલ કર્યો છે પરંતુ સરકાર હજુ સુધી તેનો કોઈ પુરાવો દાખલ કરી શકી નથી ત્યારે કપ્પનને જામીનથી વંચિત રાખવા પાછળ કોઈ તર્ક રહેતો જ નથી.

સુપ્રીમ કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે, વર્ષ 2012માં બનેલા નિર્ભયા કાંડ બાદ ઇન્ડિયા ગેટ ખાતે વિરોધ પ્રદર્શનો કરાયાં હતા જે બાદ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો જે આજે દેશભરમાં અમલમાં છે તેમજ આ કાયદો સગીરાને રક્ષણ પૂરૂ પાડનાર કાયદો બની ગયો છે ત્યારે કહી શકાય કે, ક્યારેક ખામીઓ ઉજાગર કરવા વિરોધ પ્રદર્શન પણ જરૂરી છે.

યૂપી સરકારે સુપ્રીમ કોર્ટમાં કપ્પનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. યૂપી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ આપ્યુ હતુ, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશ વિરોધી એજન્ડા ચલાવનારા પીએફઆઇ જેવા ચરમપંથી સંગઠન સાથે કપ્પનના સબંધ રહ્યા છે. યૂપી સરકારે આરોપ લગાવ્યો હતો કે કપ્પન દેશમાં આતંકી અને ધાર્મિક હિંસા ભડકાવવાના ષડયંત્રમાં સામેલ હતો.

સિદ્દીકી કપ્પનનું કહેવુ હતુ કે તે ઓક્ટોબર 2020માં હાથરસમાં એક દલિત યુવતીના ગેન્ગરેપ અને હત્યા કેસમાં કવર કરવા જઇ રહ્યો હતો. યૂપી સરકારે કહ્યુ હતુ કે રમખાણમાં સામેલ રહેલા એક આરોપી સાથે કપ્પનની ધરપકડ કરવામાં આવી હતી. યૂપી સરકારનું કહેવુ છે કે કપ્પન હાથરસમાં પત્રકાર તરીકે નહી પણ પીએફઆઇ ડેલિગેશનના સભ્ય તરીકે જઇ રહ્યો હતો જે પીડિતાના પરિવારજનોને મળ્યા બાદ સાંપ્રદાયિક રમખાણ ભડકાવતો. ઇલાહાબાદ હાઇકોર્ટની લખનઉં બેંચે ગત મહિને કપ્પનની જામીન અરજી ફગાવી દીધી હતી. પીએફઆઇ સાથે સબંધ રાખનારા ચાર આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી અને યૂએપીએની કલમ હેઠળ કેસ દર્જ છે. કપ્પન વિરૂદ્ધ હાથરસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યૂપી પોલીસ અનુસાર, આરોપી કપ્પન હાથરસમાં કાયદો વ્યવસ્થા બગાડવા માંગતો હતો, જે પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા સાથે કપ્પનના સબંધ ગણવામાં આવી રહ્યા છે, તેની પર પણ આ આરોપ લાગી ચુક્યો છે કે સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ(સીએએ) વિરૂદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન માટે સંગઠને નાણા પોષણ કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.