ફ્રાન્સમાં આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ એક પેસ્ટ કંટ્રોલ કંપનીને 60 હજાર યુરોનો દંડ પણ ફટકારવામાં આવ્યો
અબતક, રાજકોટ
રાત્રે નવ વાગે અચાનક ફોનની રીંગ વાગે છે. બોસનો કોલ જોઈને કર્મચારી ગભરાઈને ફોન ઉપાડે છે. બોસે પહેલા તો કર્મચારીને ખલેલ પહોંચાડવા બદલ સોરી કહ્યું અને પછી કોઈ અર્જન્ટ કામ કહ્યું અને ફોન કટ કરી દીધો. જોકે કર્મચારીની શિફ્ટ સાંજે 6 વાગ્યે પૂરી થઈ ગઈ હતી, પરંતુ આ તો ભારત છે. નોકરી કરતા હોય એટલે આવું સહન કરવું જ પડે. પણ હા, વિશ્વના અમુક એવા દેશો છે. જ્યાં ડુ નોટ ડિસ્ટર્બનો રૂલ લાગુ છે. આવા દેશોમાં બોસ ગમે ત્યારે કોલ કે મેસેજ કરી શકતા નથી.
નોકરી ખાનગી હોય કે સરકારી, ભારતમાં લગભગ દરેક શહેર, દરેક ઑફિસમાં ઓછા-વત્તા પ્રમાણમાં સમાન પરિસ્થિતિ છે. હવે સવાલ એ થાય છે કે શા માટે આપણે અચાનક ભારતના વર્ક કલ્ચરને નિશાન બનાવી રહ્યા છીએ? વાસ્તવમાં, તેનું કારણ બેલ્જિયમ છે, જ્યાં 1 ફેબ્રુઆરી, 2022થી રાઈટ ટુ ડિસ્કનેક્ટ અધિકાર લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ થશે કે શિફ્ટ સમાપ્ત થયા પછી કોઈપણ કર્મચારીને તેના બોસના કોલ અથવા સંદેશાઓનો જવાબ આપવા દબાણ કરવામાં આવશે નહીં. બેલ્જિયમ પહેલા પણ ઘણા દેશોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ પણ ઊભો થાય છે કે શું આવો નિયમ વિશ્વની મહાસત્તાઓમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહેલા ભારતમાં લાગુ થઈ શકે? શું આ માટે ક્યારેય કોઈ પ્રયાસ થયો છે? જો એમ હોય, તો પરિણામ શું આવ્યું? જાણો અને સમજો આ અહેવાલમાં.
રાઈટ ટુ ડિસ્કનેક્ટ નિયમ હેઠળ કોઈ પણ અધિકારી તેના તાબાના કર્મચારીઓને વારંવાર ફોન, ઈમેલ કે મેસેજ કરીને હેરાન કરી શકતા નથી. આ સિવાય કોમ્યુનિકેશન માટે અન્ય માધ્યમોનો ઉપયોગ પણ આ નિયમ હેઠળ ગેરકાનૂની માનવામાં આવે છે. ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર ભારતના લોકો માટે ભલે નવો હોય, પરંતુ યુરોપના ઘણા દેશોમાં તે ખૂબ જ સામાન્ય છે. બેલ્જિયમે હવે આ યાદીમાં એક નવું નામ ઉમેર્યું છે. અહીં આ નિયમ 1 ફેબ્રુઆરી 2022થી લાગ થશે. હાલમાં આ નિયમથી સરકારી સેવાઓમાં કામ કરતા લોકોને જ ફાયદો થશે.
આ નિયમ હેઠળ, હવે બોસ સરકારી સેવાઓમાં કામ કરતા કર્મચારીઓનો સંપર્ક કરી શકશે નહીં, જેમની શિફ્ટ પૂર્ણ થઈ ગઈ છે અથવા જે કર્મચારીઓ રજા પર છે. જોકે, નિયમમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. કટોકટી અથવા અત્યંત અસામાન્ય પરિસ્થિતિમાં કર્મચારીનો સંપર્ક કરી શકાય છે, પરંતુ અધિકારીએ તેના માટે વાજબી સમજૂતી પણ આપવી પડશે. નોંધનીય છે કે આ નિયમ કોઈપણ દેશમાં ડૉક્ટર, સેના, પોલીસ વગેરે જેવી ઈમરજન્સી સેવાઓમાં લાગુ કરવામાં આવ્યો નથી.
બેલ્જિયમ પહેલા આ નિયમ ઘણા દેશોમાં લાગુ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ જ નિયમ હેઠળ, 2012 માં, કાર નિર્માતા ફોક્સવેગને સાંજે શિફ્ટ સમાપ્ત થાય ત્યારથી બીજા દિવસે સવારે ડ્યુટી શરૂ થાય ત્યાં સુધી ઈમેલ મોકલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 2017 માં, આ નિયમ ફ્રાન્સમાં લાગુ કરવામાં આવ્યો હતો, જેના હેઠળ ઘરેથી કામ કરતા લોકોને લાવવામાં આવ્યા હતા. 2018 દરમિયાન આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પેસ્ટ કંટ્રોલ કંપની પર 60 હજાર યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ક્યાં ક્યાં દેશોમાં આ નિયમ લાગુ છે ?
ફ્રાન્સ, ઈટાલી, જર્મની, સ્લોવાકિયા, ફિલિપાઈન્સ, કેનેડા અને આયર્લેન્ડ જેવા દેશોમાં અગાઉથી જ રાઈટ ટુ ડીસકનેક્ટ લાગુ છે. આ ઉપરાંત હવે 1 ફેબ્રુઆરીથી બેલ્જિયમમાં પણ આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે.
2019માં ભારતમાં પણ રાઈટ ટુ ડીસકનેક્ટ લાગુ કરવાના પ્રયાસો થયા હતા
બેલ્જિયમમાં આ નિયમ લાગુ કરવાના સમાચાર સામે આવ્યા બાદ ભારતમાં તેની ચર્ચા ખૂબ જ ઝડપથી શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં, કોરોના રોગચાળાને કારણે, હાલમાં લગભગ 50 થી 60 ટકા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને તેમને કેટલીકવાર કર્મચારીઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે ભારતમાં પણ આવો નિયમ લાવવાનો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ ડિસ્કનેક્ટ કરવાના અધિકારની ચર્ચા થઈ છે? જો નહીં, તો તમને જણાવી દઈએ કે 2019 દરમિયાન, એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ સંસદની કાર્યવાહી દરમિયાન લોકસભામાં રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ રજૂ કર્યું હતું. આ અંતર્ગત ક્યારેય ન સમાપ્ત થતી વ્યાવસાયિક જીવનનો સંદર્ભ હતો. તેમજ 10 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓને પણ દાયરામાં લાવવાની વાત થઈ હતી. જો આ કાયદો બનશે તો આવી કંપનીઓએ ફરજિયાતપણે કર્મચારી કલ્યાણ સમિતિની રચના કરવી પડશે. તે જ સમયે, કર્મચારીની શિફ્ટ પછી કૉલ્સ, સંદેશાઓ અથવા ઈમેલનો જવાબ ન આપવા માટે તેની સામે કોઈ જવાબદારી નથી. જ્યારે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, તે સમયે કામના દબાણને કારણે ભારતીયોના જીવન પર પડેલી અસરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 2019 પછી ભારતમાં આ બિલ પર ક્યારેય ચર્ચા થઈ નથી.
ભારતમાં આ કાયદો લાગુ કેમ નથી થતો ?
નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં આ નિયમ લાગુ કરવામાં અનેક અવરોધો છે. વાસ્તવમાં, જ્યારે પણ આપણે ભારતમાં વર્ક કલ્ચર વિશે વાત કરીએ છીએ, ત્યારે કર્મચારીઓની કામ કરવાની રીત પર પણ સવાલો ઉભા થાય છે. ખરેખર, ભારતમાં ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે કર્મચારીઓ સમયના પાબંદ નથી. ઓફિસમાં સમયસર ન પહોંચવું એ લગભગ 90 ટકા લોકોની આદત છે. જો અન્ય દેશો સાથે તેની સરખામણી કરીએ તો ત્યાંના કર્મચારીઓ ઓફિસના સમયને લઈને ખૂબ જ ગંભીર હોય છે. તેઓ પાંચ મિનિટ મોડાને બદલે પાંચ મિનિટ વહેલા પહોંચવાનું પસંદ કરે છે. આ સિવાય તેઓ તેમના અંગત કાર્યોને શિફ્ટ ટાઈમિંગમાં નિભાવતા રહે છે. જો કે, એ પણ હકીકત છે કે ભારતમાં બધા કર્મચારીઓ આ રીતે કામ કરતા નથી.
યુરોપિયન દેશોમાં હવે નવું વર્ક ક્લચર, એક્સ્ટ્રા વર્ક કરી કર્મચારીઓ સેવિંગના માર્ગે વળ્યાં
યુરોપીયન દેશોમાં કર્મચારીઓ સોમવારથી શુક્રવાર કમાઈને શનિવાર અને રવિવારે જલસા કરે છે. ત્યારે આવા દેશોમાં ભારતીયો સ્થાયી થઈને સેવિંગને આધારે ટોચના સ્થાને પહોંચ્યા છે. આવું જોઈને હવે યુરોપિયન દેશોના મૂળ કર્મચારીઓ પણ પોતાનું વર્ક ક્લચર બદલી રહ્યા છે. તેઓ હવે એક્સ્ટ્રા વર્ક કરતા થયા છે. આ એક્સ્ટ્રા વર્કની આવક તેઓ સેવિંગ તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે.