ખૂન, દારૂ, છેડતી, હથિયાર સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સોની પોલીસે કરી આકરી સરભરા
શહેરમાં દૂધની ડેરી નજીક આવેલ રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીની પરિણીતાને પજવણી કરી માર મારવાના ગુનામાં છેલ્લા દોઢેક માસથી ભાગતા ફરતા નામચીન ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે કચ્છના ભચાઉ ખાતેથી ઝડપી આકરી પુછપરછ કરી છે.
દૂધની ડેરી પાસે આવેલી રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં રહેતી પરિણીતા તેના ઘરે એકલી હતી ત્યારે ગત તા.૬ ફેબ્રુઆરીએ હાઈસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો ઈમ્તીયાઝ ઉર્ફે લાલો રાઉમા, આકાશદિપ સોસાયટીના સહેજાદ ઉર્ફે ગટીયો, હનીફ જુલાણી અને ઈમરાન હનીફ કટીયા નામના શખ્સો મકાનમાં ઘુસી મુસ્લીમ પરિણીતા પર નિર્લજ્જ હુમલો કરી બિભત્સ માંગણી કરી ભાગી છુટયા અંગેની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નિર્લજ્જ હુમલાના ગુનામાં છેલ્લા દોઢેક માસથી ભાગતા ફરતા ઈમ્તીયાઝ ઉર્ફે લાલો, સહેજાદ ઉર્ફે ગોટીયો અને ઈમરાન હનીફ કટીયા કચ્છના ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામે હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવી, પીએસઆઈ ડી.પી. ઉનડકટ, હેડ કોન્સ. સંતોષ મોરી, મયુર પટેલ અને કુલદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ત્રણેય શખ્સોની ધરપકડ કરી પોલીસ કમિશનર કચેરી ખાતે આકરી પુછપરછ કરી હતી.
ઈમ્તીયાઝ ઉર્ફે લાલો અગાઉ હથિયાર, ઈંગ્લીશ દારૂ, ખૂન અને છેડતી સહિતના અનેક ગુનામાં સંડોવાયો હોવાનું જયારે સહેજાદ ઉર્ફે ગોટીયો રાજકોટ અને ભાવનગરમાં પિસ્તોલ અને હત્યાની કોશીષના ગુનામાં સંડોવાયેલો છે જયારે ઈમરાન કટીયા દારૂ‚ અને મારામારીના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.