સિટી-1 પ્રાંત અધિકારીએ બેઠક યોજી, ભાવ વધારાની ચોખ્ખી ના પાડી દીધી, તંત્રએ બહારથી રાઈડના ધંધાર્થીઓને બોલાવી લેવાની તૈયારી પણ દેખાડતા અંદરખાને ઘીના ઠામમાં ઘી પડી ગયું
રાઈડ સંચાલકો સાથે આજે સિટી 1 પ્રાંત અધિકારીએ બેઠક યોજી હતી. જેમાં તેઓએ રાઈડ સંચાલકોની ભાવ વધારાની માંગણીનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ઉપરાંત બહારથી રાઇડ સંચાલકો બોલાવવાની તૈયારીઓ ચાલતી હોય હવે અંદરખાને ધંધાર્થીઓએ સોમવારે હરાજીમાં ગોઠવાઈ જવાનું મન બનાવી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે. આ લોકમેળામાં વિવિધ યાંત્રિક રાઈડો પણ ખૂબ મહત્વનું આકર્ષણ ઊભું કરે છે..આ માટેના 44 પ્લોટની હરાજી બે દિવસ પૂર્વે યોજવામાં આવી હતી. ત્યારે રાઇડ સંચાલકોએ છેલ્લે છેલ્લે રોન કાઢી ભાવ વધારા તેમજ તારીખ અને સમય વધારાની માંગણી મૂકી હરાજીનો બહિષ્કાર કરી નાખ્યો હતો.
બીજી તરફ આજરોજ સિટી 1 પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ રાઈડ સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં રાઈડ સંચાલકોએ પોતાની ભાવ વધારો સહિતની માંગણીઓ મૂકી હતી. તેના પ્રત્યુતરમાં પ્રાંત અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યારે હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી તે પૂર્વે જ ભાવ વધારો જાહેર કરી દેવામાં આવ્યો હતો. તેનાથી હવે વધારે ભાવ કોઈ કાળે શક્ય બની શકે તેમ નથી. આ ઉપરાંત એકાદ દિવસ પૂર્વે લોકમેળા સમિતિ અંદરખાને ખાનગી મેળાના રાઈડ સંચાલકો ઉપરાંત બીજા રાજ્યમાં રહેલા રાઈડ સંચાલકો સાથે સંપર્ક સાધવાના પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા હતા.
આ તમામ પરિબળોને ધ્યાને રાખી હવે સોમવારે યાંત્રિક રાઈડની ફરીથી હરાજીની પ્રક્રિયા યોજનાર છે. જેમાં મોટાભાગના રાઈડ સંચાલકો ગોઠવાઈ જવાના હોવાનું અંદરખાનેથી જાણવા મળી રહ્યું છે.